ઉત્તર ગુજરાત

ગૌ સહાય ચૂકવો, નહિતર પરિણામ માટે તૈયાર રહો : સુખદેવસિંહજી

Text To Speech

પાલનપુર: સરકારે ગાયના નામે વોટ લીધા છે. બજેટમાં રૂપિયા 500 કરોડની જોગવાઈ કરી છે. તેની રૂપરેખા શું છે ? તે સરકાર કેમ જાહેર કરતી નથી ? ગૌ માતા માટે ગૌ ભક્તોએ મુંડન કરાવ્યું છે. તેમના માતા-પિતાને નમસ્કાર કરું છું. અને ગૌ સહાય ચૂકવો, નહિતર પરિણામ માટે તૈયાર રહો. તેવું અલ્ટીમેટમ રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહજીએ ડીસા ખાતે જણાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં ગૌ આંદોલનને લઈને છેલ્લા ત્રણ દિવસથી ધરણા ચાલી રહ્યા છે. જ્યાં દરરોજ અલગ- અલગ કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે. ગૌ સેવકોએ મુંડન કરાવીને વિરોધ વ્યકત કર્યો હતો. ત્યાં જ રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહજીએ ડીસા ગૌ સેવકોના ધરણાં સ્થળની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને જણાવ્યું હતું કે, બાજુના રાજ્ય રાજસ્થાનમાં ગેલોત સરકાર જો ગાય માટે પ્રતિદિન રૂપિયા 50 આપી રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર શા માટે સહાય આપતી નથી. ગાયના નામે વોટ લેવાનું કામ આ સરકાર કરે છે. જ્યારે 30 તારીખે પ્રધાનમંત્રી આવી રહ્યા છે, ત્યારે આંદોલનકારીઓ જે પણ નિર્ણય લેશે તેની સાથે કરણી સેના રહેશે અને તેનું સમર્થન કરશે. તેમ તેઓએ જણાવ્યું હતું.

જ્યારે કરણી સેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે ગૌ માટે આંદોલન કરવું પડે અને ગૌભક્તોને મુંડન કરાવવું પડે તે ગુજરાત રાજ્ય માટે દુર્ભાગ્યપૂર્ણ છે. ગૌ સેવકો હવે સચિવાલયમાં પણ આંદોલન માટે તૈયારી કરશે તો અમે તેમની સાથે રહીશું.

આમ ડીસામાં આંદોલનનો સોમવારે ત્રીજો દિવસ હતો. ત્યારે કિસાન સંઘ બાદ કરણી સેનાનું સમર્થન મળતા આગામી દિવસોમાં ગૌ સહાયનું આંદોલન ઉગ્ર બનવાના એંધાણ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પહેલાં નોરાતા પર જ વરસાદી માહોલ

કોર્પોરેટર: તો મુંડન કરાવી રાજીનામું આપીશ…..

ડીસા પાલિકામાં ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર પીન્કેશકુમાર નાનાલાલ દોશીએ સોશિયલ મીડિયામાં પોતાનો સંદેશો મૂક્યો છે. જેમાં જણાવ્યું છે કે, હિન્દુત્વ વિરોધી અને જીવ હિંસાને સમર્થન આપતી ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારે ગૌ માતા માટે જાહેર કરેલી સહાય હજુ સુધી ચૂકવી નથી. જેના વિરોધમાં હું રાજીનામું આપવાનો છું. પીન્કેશ દોશી એ એમ પણ જણાવ્યું છે કે, પાપના ભાગીદાર બનવાથી બચવા જે પણ સાચા જીવ દયાપ્રેમી હોય એ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપે એમ જણાવીને સરકારને બે દિવસની મેટલ આપી છે. નહીં તો મુંડન કરાવીને કોર્પોરેટર પદે થી રાજીનામું આપવાની પણ વાત તેમને કરી છે.

Back to top button