પવન કલ્યાણે સનાતન ધર્મના રક્ષણ માટે શરૂ કર્યું નવું અભિયાનઃ જાણો શું કહ્યું?
- આંધ્રપ્રદેશના નાયબ મુખ્યપ્રધાને શરૂ કરેલા આ અભિયાનને ભાજપે પણ આપ્યો ટેકો
અમરાવતી, 3 નવેમ્બર, 2024: આંધ્રપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન પવન કલ્યાણે સનાતન ધર્મના રક્ષણ માટે એક નવું અભિયાન શરૂ કરી દીધું છે. પવન કલ્યાણે “નરસિંહ વારાહી જૂથ”ની રચનાની જાહેરાત કરી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, તેમનો રાજકીય પક્ષ જનસેના આંધ્રપ્રદેશ તેમજ તેલંગણામાં સનાતન ધર્મના રક્ષણ માટે નરહિંસ વારાહી જૂથની સ્થાપના કરશે.
અહીં ઉલ્લેખનીય છે કે, ગત જૂન મહિનામાં લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ વિધાનસભાની પણ ચૂંટણી થઈ હતી અને ત્યાં ચંદ્રબાબુ નાયડુના પક્ષ ટીડીપી ઉપરાંત ભાજપ તેમજ પવન કલ્યાણના જનસેના પક્ષને પ્રચંડ બહુમતી મળી હતી. હાલ આંધ્રપ્રદેશમાં ત્રણે પક્ષની સંયુક્ત સરકાર છે. એ સમયે આંધ્રપ્રદેશમાં નવી સરકારના શપથવિધિ સમારંભમાં હાજર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવન કલ્યાણ સંબોધીને એમ કહ્યું હતું કે, આ ‘પવન’ નહીં પણ ‘આંધી’ છે. અને ત્યારબાદ પવન કલ્યાણ હિન્દુ ધર્મ માટે જે કંઈ કરી રહ્યા છે તેના પરથી પીએમ મોદીની વાત સત્ય પુરવાર થઈ રહી હોય એવું લાગે છે.
પવન કલ્યાણે નરસિંહ વારાહી જૂથની રચનાની જાહેરાત સમયે કહ્યું કે, મંદિરોમાં દર્શન માટે જતી વખતે તથા સનાતન ધર્મનું પાલન કરતી વખતે કેટલાંક મૂલ્યોનું ધ્યાન રાખવું જોઈએ. આપણે એ સમજવું જોઈએ કે સનાતન ધર્મ વિના દેશ ટકી શકશે નહીં. સનાતન ધર્મ માત્ર દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે માર્ગદર્શક દીવો છે. તેમણે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મ – સનાતન ધર્મ વિશે મજાક ઉડાવતી પોસ્ટ સહન કરવામાં નહીં આવે. એ દિશામાં એક પગલાના રૂપમાં જનસેના પાર્ટી સનાતન ધર્મ રક્ષણ જૂથ અર્થાત નરસિંહ વારાહી જૂથની રચના કરે છે.
આંધ્રપ્રદેશના નાયબ મુખ્યપ્રધાનની આ જાહેરાતના પ્રતિભાવમાં ભાજપના વરિષ્ઠ નેતા નલિન કોહલીએ જણાવ્યું હતું કે, લોકો તમામ હદ પાર કરીને સનાતન વિશે બેફામ બોલતા રહ્યા છે. તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન ઉદયનિધિ સ્ટાલીને સનાતનને બીમારી ગણાવી હતી. તેમના પક્ષના અન્ય નેતાઓ પણ સનાતન વિશે બેફામ બોલી ચૂક્યા છે. શા માટે સનાતનને નિશાન બનાવવામાં આવે છે? આ સંજોગોમાં કોઈ વ્યક્તિ સનાતનને મજબૂત કરવા માગે તો એમાં ખોટું શું છે?
આ પણ વાંચોઃ ઓમર અબ્દુલ્લાના 19 દિવસના કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીરમાં 11 આતંકી હુમલા