પવન કલ્યાણે પોતાની જ સરકાર પર ઉઠાવ્યા પ્રશ્નો, રાજ્ય ગૃહમંત્રી પર ભડક્યા; જાણો શું કહ્યું
- ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી
પીથાપુરમ, 5 નવેમ્બર: આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે પોતાની જ સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા પવન કલ્યાણે કહ્યું કે, જો તેઓ રાજ્યના ગૃહમંત્રી હોત તો સ્થિતિ અલગ હોત. તે જ સમયે, પવન કલ્યાણની આ ટિપ્પણીને રાજ્યના ગૃહમંત્રી વાંગલાપુડી અનિતાની ટીકા તરીકે જોવામાં આવી રહી છે. આ સિવાય પવન કલ્યાણે કહ્યું કે, ગુનેગારો સાથે તે જ રીતે વ્યવહાર થવો જોઈએ જે રીતે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના શાસનમાં કરવામાં આવી રહ્યો છે.
UPમાં રહેલા કાયદો અને વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો
હકીકતમાં, પીથાપુરમ વિસ્તારના ગોલ્લાપ્રોલુમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે, પવન કલ્યાણે ગૃહ પ્રધાન અનિતાને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું કહ્યું. પવન કલ્યાણે આ સમયગાળા દરમિયાન UPના કાયદો અને વ્યવસ્થાની પણ પ્રશંસા કરી હતી. UPના સીએમ યોગી આદિત્યનાથના કાયદો અને વ્યવસ્થાના મોડલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, “ગુનેગારો સાથે એ જ રીતે વ્યવહાર થવો જોઈએ જે રીતે યોગી આદિત્યનાથના શાસનમાં ઉત્તર પ્રદેશમાં તેમની સાથે વ્યવહાર કરવામાં આવે છે. ત્યાં સુધી તેઓ સુધરશે નહીં.
ગૃહમંત્રી અંગે આપ્યું નિવેદન
ઉલ્લેખનીય છે કે, આંધ્ર પ્રદેશમાં TDPના વડા ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વવાળી ગઠબંધન સરકારમાં પવન કલ્યાણ પંચાયત રાજ, વન અને પર્યાવરણ વિભાગો સંભાળી રહ્યા છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, “હું ગૃહમંત્રી અનિતાને કહેવા માંગુ છું કે તમે ગૃહમંત્રી છો, કૃપા કરીને ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળો. જો હું ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યો હોત તો પરિસ્થિતિ જુદી હોત, આ યાદ રાખો.” પવન કલ્યાણના આ નિવેદન પછી એવું માનવામાં આવે છે કે, જો જરૂર પડે તો તેમને આ ભૂમિકા નિભાવવાનો અધિકાર છે. તેમણે આ નિવેદન કાયદો અને વ્યવસ્થા સંબંધિત મુદ્દાઓને લઈને આપ્યું છે, ખાસ કરીને તિરુપતિ જિલ્લામાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ.
પોલીસ પર પ્રશ્નો ઉઠ્યા
પવન કલ્યાણે પોલીસ પર પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે, ગુનેગારોની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. પોલીસને પ્રશ્ન કરતાં તેમણે કહ્યું કે, “અમારે પોલીસ અધિકારીઓને કેટલી વાર કહેવું પડશે? ધરપકડમાં જાતિ કેમ અડચણરૂપ બને છે? જ્યારે ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી તો પછી તમે જાતિનો મુદ્દો કેમ ઉઠાવો છો? શું કહી રહ્યા છો? તમે IPSનો અભ્યાસ કર્યો છે, શું ભારતીય દંડ સંહિતાએ તમને ગુનેગારોને ટેકો આપવા માટે સૂચના આપી છે?”
આ પણ જૂઓ: દિવાળી પર ફટાકડા ફોડાવાથી સુપ્રીમ કોર્ટ નારાજ, દિલ્હી પોલીસ પાસે માંગ્યો જવાબ