પાવાગઢ: મહાકાળી માતા સાથે જોડાયેલી રસપ્રદ વાતો!
પાવાગઢ: ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે.
હજારો વર્ષો પહેલા આ સ્થળે મહા ધરતી કંપ આવેલો એમાંથી ફાટેલા જ્વાળામુખી માંથી આ પાવાગઢના કાળા પથ્થરો વાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો. એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વ જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર તરફ વધારે છે એટલે કે તેનો પાંચ એટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાય છે.
પાવાગઢ મંદિર સાથે જોડાયેલી દંતકથાઓ:
એક દંતકથા મુજબ પાવાગઢ ઉપર ચંપા ભીલનું રાજ્ય હતું.વર્ષો પહેલા પાવાગઢ – ચાંપાનેર પંથકમાં પતય કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતય કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રૂપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતય રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. પતય રાજા જયસિંહને મહમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
હજારો વર્ષ પૂર્વે પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા. આ પવિત્ર તપો ભૂમિ પર ઉગ્ર તપસ્યા અને આરાધના કરીને મહર્ષિ નું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું. એવું પણ કહેવાય છે કે, શ્રી કાલિકા માતાજીએ આપેલ નરવણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ મહર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયમ જગતજનની માં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી. પાવાગઢ પર્વતની છેલ્લી ટૂંક પર એટલે કે દરિયાઈ સપાટીથી 2,730 ફૂટની ઊંચાઈ આવેલ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતા નું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.
આ ઉપરાંત એક અન્ય દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે. દક્ષ રાજા ની પુત્રી સત્ય પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતા સત્ય પોતાની જાતને યજ્ઞ કુંડમાં ઉમેરી દીધી હતી. ભગવાન શંકર સતીના મૃતદેહની મૃતદેહને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ઊભું કરી દીધું હતું. દેવોની વિનંતી થી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સત્યના અંગોનો વિચ્છેદ કર્યો હતો. આ વીચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાંઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા. જ્યાં અલગ અલગ 51 શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે. તે પૈકીના સતિના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી. તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે. અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશ રૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલ છે અને કાળી યંત્રની પૂજા અર્ચના થાય છે.
500 વર્ષ બાદ મંદીરનો જીર્ણોદ્ધાર
પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. શિખર ન હોવાના કારણે મંદિરની ઉપર ધજા પણ ચડાવી શકાતી ન હતી. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર સદીઓ બાદ પાવાગઢના મંદિરમાં ફરીથી ધજા લહેરાશે અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી PM મોદી બન્યા હતા.
18 જૂન આ દિવસ પાવાગઢના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય જોડાયેલા છે. સદીઓ બાદ માતાજીના મંદિરની ઉપર ધજા લહેરાવવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ધજારોહણ આ દિવસે કરવામાં આવ્યું હતું.
સોનાનો કળશ અને ધજાદંડ
નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવેલ છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે જેની ઉપર PM મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવી હતી.
જ્યારે 15મી સદીમાં સુલતાન મોહમ્મદ બેગડા દ્વારા પાવાગઢ પર વિજય મેળવ્યો ત્યારે મંદિરમાં તોડફોડના કારણે ‘શિખર’ને ખૂબ જ નુકસાન થયું હતું. આ ઉપરાત, શીખરની ઉપર એક દરગાહ પણ બનાવી દીધી હતી. જેના કારણે ત્યાં ધ્વજા ફરકાવવી શકાય તેવી જગ્યા નહોતી અને જે અયોગ્ય સ્થાન બની જતું હતું. તેમજ લોકવાયકા મુજબ ”દરગાહ પણ તે જ સમયે અસ્તિત્વમાં આવી હશે. જ્યારે મુસ્લિમ આક્રાંતાઓએ અહીં હુમલો કરીને પાવાગઢને જીતી લીધું હતું. તેને સદનશાહ પીરની દરગાહ કહેવાય છે. આ દરગાહ વિશે અનેક જુદી જુદી કહાની ઘડી કાઢવામાં આવી છે જોકે તેના વિશે કોઈ નક્કર માહિતી નથી.”
મંદિર પર કેમ ન હતી ધજા?
નોંધનીય છે કે પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં. જોકે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે.
દરગાહ વિવાદનો સુખદ અંત
પાવાગઢમાં માતાજીના મંદિરની ઉપર જ એક દરગાહ આવેલ હતી જેના કારણે સદીઓથી ત્યાં શિખર બની શક્યું નહોતું. આ વિવાદ કોર્ટમાં પણ ગયો હતો, જોકે હવે વિવાદનો સુખદ અંત આવ્યો છે.
ધાર્મિક મહત્વ:
શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળી માના ભક્તોના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે. આ પાવનકારી ભક્તિમય નવરાત્રિના તહેવારોમાં તથા માગશર પોસ્ટ વદ અમાવસ્યા દર્શન અમાવસના દિવસોમાં પાવાગઢ ની ધાર્મિક યાત્રાનો ઘણો મોટો મહિમા છે. આ સમય દરમિયાન યાત્રાળુ તો પાવાગઢના મહાકાળી માં ના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું ભાથું બાંધી લેતા હોય છે.
મુખ્ય મંદિરમાં મધ્યમાં જ મહાકાળી માની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ઘણી વિશાળ છે. તે સાથે જ પૂર્વ તરફ મહાલક્ષ્મી અને બહુચરમાની પ્રતિમાઓ ખુબ દર્શનીય છે. અહીંથી ભદ્રકાળી માતાના મંદિરે જવાની સુંદર પગદંડી છે. શ્રી લકુલીશ મંદિર પાવાગઢ નું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં આવેલો છે જે ગંગા,જમના અને સરસ્વતી ના શુદ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલ છે. આ સિવાય તળેટીથી માંચી સુધી અને માંચીથી મૌલિયાટૂક સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીનકાળની ભવ્ય જાહોજલાલી પ્રતીતિ કરાવતા કિલ્લેબંધ કમાનાકારે દરવાજા, ટંકશાળા, ખંડેર, મહેલાતોઓ અને વિશાળ ગિરીદુર્ગ ભગ્નાવશેરૂપે પથરાયેલા પડ્યા છે.
પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે ઘણા લોકો અહિં ચાલતા પગપાળા પણ આવે છે અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છા માં અવશ્ય પૂર્ણ કરે છે પહેલા તો અહીં પગથિયાં ચડીને જવું પડતું હતું પરંતુ હવે તો એની વ્યવસ્થા પણ થઈ ગઈ છે તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખીયાત્રાનો લાભો તો જરૂરથી લેવો જોઈએ.