અમદાવાદમાં દબાવી રાખેલા FSLના રીપોર્ટની SMCની રેડમાં પોલ ખૂલી, 6 મહિને ગુનો દાખલ
અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટલ સામે સેક્રેટ નાઇન હુક્કાબાર આવેલો છે. જેમાં SMCએ રેડ કરી હતી ત્યારે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેમાં જાન્યુઆરી મહિનામાં સરખેજ પોલીસે રેડ કરી હતી. FSLમાં મોકલેલા સેમ્પલમાં ગુનાહીત કૃત્ય હોવાની પોલ ખૂલી હતી. પરંતુ એક અધિકારીના કહેવાથી FSLનો રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો હતો.
આખરે SMCએ રેડ કરતા રિપોર્ટ બહાર કાઢી માલિક કેવલ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે કેવલ સામે સિગારેટ અને બીજી તમાકુ ઉત્પાદનના વેપાર અને જાહેરાત અધિનિયમની કલમ મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.
ગત જાન્યુઆરીમાં સરખેજ પોલીસે રેડ કરી હતી
SMCની રેડ દરમિયાન ગત જાન્યુઆરી મહિનામાં સરખેજ પોલીસે રેડ કરી હતી તેનો રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતુ. SMCએ નોંધેલા ગુના બાદ જાગેલી સરખેજ પોલીસ સક્રિય બની હતી. સરખેજ પોલીસ સ્ટેશનના PSI સી.એમ.કણસાગરાએ ફરિયાદ આપતા હુક્કાબાર સંચાલક કેવલ મહેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ સિગારેટ અને બીજી તમાકુ ઉત્પાદનના વેપાર અને જાહેરાત અધિનિયમની કલમ મુજબ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
હુકકાની ફ્લેવર્સ સ્થળ પર મળી આવી
બોપલના નંદેશ્વર મહાદેવની સામે બિનોરી એપાર્ટમેન્ટમાં રહેતો કેવલ પટેલ પોલીસે અગાઉ ગત તા 12-1-2022ના રોજ રેડ કરી ત્યારે પણ હુક્કાબારમાં મળી આવ્યો ન હતો. તેમ છતાં તે કયા પોલીસ અધિકારીની મહેરબાનીથી હુક્કાબારને ધમધમાટ ચલાવી રહ્યો હતો એ અંગે સવાલો ઉભા થયાં છે. સરખેજ પોલીસ સ્ટેશનના તત્કાલીન PSI ડી પી સોલંકીએ રેડ કરી તે સમયે હુકકાની ફ્લેવર્સ સ્થળ પર મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ કબ્જે લઈ FSLમાં મોકલી આપ્યો હતો. સ્થળ પર કેવલનો મિત્ર આશિષ પટેલ સહિત હુક્કા પીવા આવેલા 6 યુવકો મળી આવ્યા હતા.
સરખેજ પોલીસે FSLમાં સેમ્પલ મોકલ્યા હતા
સરખેજ પોલીસે નોંધ કરી FSLમાં સેમ્પલ મોકલ્યા હતા. આ અંગે સરખેજ પોલીસ પાસે 3 મહિના પહેલાં FSLનો રિપોર્ટ આવી ગયો હતો તે પોલીસ સ્ટેશન પડી રહ્યો હતો. ત્યારબાદ પોલીસે ગુનો નોધી કેવલ સામે કાર્યવાહી કરી હતી. આ કેસમાં ક્યા અધિકારીના કહેવાથી સેક્રેટ નાઇન નામનો હુક્કાબાર ધમધમી રહ્યો હતો. 3 મહિનાથી તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનો રિપોર્ટ આવ્યો છતાં કયા અધિકારીના કહેવાથી તે દબાવી દેવામાં આવ્યો છે. તે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહ્યું કે, ખરેખર આ મામલે કાર્યવાહી થશે કે પહેલાની જેમ ઘટના દબાવી દેવામાં આવશે.