પટના ભારતનું બીજું સૌથી પ્રદૂષિત શહેર: કોણ છે નંબર વન પર? જાણો
- અન્ય ચાર શહેરો જેવા કે સિવાન, મુઝફ્ફરપુર, હાજીપુર અને બેતિયાનું પણ નબળું AQI નોંધાયું છે
નવી દિલ્હી, 6 મે: બિહારની રાજધાની પટનામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ રવિવારે 316 પર નોંધાયો હતો, જે તેને ભારતનું બીજું સૌથી પ્રદૂષિત શહેર બનાવે છે. AQI 316 ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં આવે છે. રાજ્યના અન્ય ચાર શહેરો જ્યાં ‘નબળું’ AQI નોંધાયું છે તેમાં સિવાન (282), મુઝફ્ફરપુર (233), હાજીપુર (232) અને બેતિયા (221)નો સમાવેશ થાય છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના સાંજે 4 વાગ્યાના બુલેટિન મુજબ, ઉત્તર પ્રદેશનું ગ્રેટર નોઈડા દેશનું સૌથી પ્રદૂષિત શહેર હતું જ્યાં AQI 346 નોંધાયો હતો.
શહેરો પ્રદૂષણ નિયંત્રણના પગલાંને અનુસર્યા વગર બાંધકામ પ્રવૃત્તિઓથી પીડાઈ રહ્યા છે: સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ
CPCB અનુસાર, ‘ખૂબ જ નબળી’ હવાની ગુણવત્તાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શ્વાસ સંબંધી રોગો થઈ શકે છે. બિહાર સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (BSPCB)ના ચેરમેન દેવેન્દ્ર કુમાર શુક્લાએ જણાવ્યું હતું કે, “એ વાત સાચી છે કે રાજ્યના કેટલાક શહેરો પવનની ઓછી ઝડપ, પ્રદૂષણ નિયંત્રણના પગલાંને અનુસર્યા વિના ચાલી રહેલી બાંધકામ પ્રવૃત્તિઓથી પીડાઈ રહ્યા છે અને જેથી તાજેતરમાં, હવાની ગુણવત્તા બગડી છે. તેમણે કહ્યું કે, રાજ્યની રાજધાનીમાં બગડતી હવાની ગુણવત્તાને રોકવા માટે મ્યુનિસિપલ સંસ્થાઓએ પાણીનો છંટકાવ શરૂ કરવો પડશે.
દેશની રાજધાની દિલ્હીની સ્થિતિ શું છે?
આ દરમિયાન દેશની રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો અહીં પ્રદૂષણના સ્તરમાં થોડો જ વધારો થયો છે. અહીં હવાની ગુણવત્તાનો સૂચકાંક 300ની નજીક પહોંચી ગયો છે. બીજી તરફ ફરીદાબાદમાં પ્રદૂષણ સ્તરમાં 24 પોઈન્ટનો ઘટાડો નોંધવામાં આવ્યો છે, ત્યારબાદ ત્યાંનો હવા ગુણવત્તા સૂચકાંક 248 પર આવી ગયો છે.
આ પણ જુઓ: ચોથા તબક્કાના 360 ઉમેદવારો પર ફોજદારી કેસ, ઘણા પર દુષ્કર્મના કેસ!