બિહારમાં નીતિશ સરકારને મોટો ફટકો ! હાઈકોર્ટનો જાતિ ગણતરી પર વચગાળાનો સ્ટે

બિહારમાં જાતિ ગણતરીને લઈ નીતિશ સરકારને મોટો ઝટકો લાગ્યો છે.પટના હાઈકોર્ટે જ્ઞાતિની વસ્તી ગણતરી પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે. બિહાર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણ દિવસમાં સુનાવણી કર્યા બાદ પટના હાઈકોર્ટ આ મામલે વચગાળાનો આદેશ આપે. બિહાર સરકાર વતી એડવોકેટ જનરલ પીકે શાહી પટના હાઈકોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી રહ્યા હતા.

પટના હાઈકોર્ટે કહ્યું છે કે આગામી સુનાવણી 3 જુલાઈએ થશે. ત્યાં સુધી કોઈ ડેટા દેખાશે નહીં. અરજદારના વકીલે આ માહિતી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે કોર્ટે કહ્યું છે કે 3 જુલાઈએ તેની વિગતવાર સુનાવણી કરવામાં આવશે. હાલમાં કોર્ટ તરફથી આ નિર્ણય આવ્યા બાદ નીતીશ સરકારને ક્યાંકને ક્યાંક મોટો ફટકો પડ્યો છે. જો કે 3 જુલાઇ બાદ કોર્ટ શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે. હાઈકોર્ટે અત્યાર સુધી ડેટા સુરક્ષિત રાખવા જણાવ્યું છે.
શું કહેવાયું છે અરજીમાં?
અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે જાતિ આધારિત ગણતરીમાં લોકોની જ્ઞાતિની સાથે તેમના કામની વિગતો અને તેમની લાયકાત પણ લેવામાં આવી રહી છે. આ તેમના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારને જાતિની વસ્તી ગણતરી કરવાનો બંધારણીય અધિકાર નથી. ઉપરાંત, આના પર ખર્ચવામાં આવી રહેલા રૂ. 500 કરોડ પણ ટેક્સના પૈસાનો બગાડ છે.
આ પણ વાંચોઃ UP STF એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર અનિલ દુજાના ઠાર, જામીન પર આવ્યો હતો બહાર
આ પહેલા હાઈકોર્ટે બિહાર સરકારને પૂછ્યું હતું કે શું જાતિની વસ્તી ગણતરી કરવી તે સરકારના અધિકાર ક્ષેત્રમાં છે કે નહીં? આ ગણતરીનો હેતુ શું છે? શું આ અંગે કોઈ કાયદો બન્યો છે? શું આર્થિક સર્વેક્ષણ કરવું એ કાનૂની જવાબદારી છે? સરકાર વતી એડવોકેટ જનરલ પીકે શાહીએ કોર્ટમાં કહ્યું હતું કે લોક કલ્યાણની યોજનાઓ માટે ગણતરીઓ કરવામાં આવી રહી છે. આ ગણતરીથી સરકાર માટે ગરીબો માટે નીતિઓ બનાવવામાં સરળતા રહેશે.
જણાવી દઈએ કે બિહારમાં જાન્યુઆરી 2023માં જાતિ ગણતરીનું કામ શરૂ થયું હતું. બીજા તબક્કાનું કામ 15 એપ્રિલથી 15 મે સુધી થવાનું હતું. પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી કરવામાં આવી હતી. બીજા તબક્કામાં વસ્તીગણતરી અધિકારીઓ ઘરે-ઘરે જઈને લોકોની જાતિ અને તેમની આર્થિક વિગતોની માહિતી એકત્ર કરી રહ્યા હતા.