ગુજરાતટોપ ન્યૂઝ

પાટીદાર અગ્રણી નરેશ પટેલ અંતે રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારવાનો લીધો નિર્ણય

Text To Speech

પાટીદાર સમાજના અગ્રીમ નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે કેમ, થશે તો ક્યા પક્ષ સાથે જોડાશે તે મામલે છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલી અટકળો પર અંત આવી ગયો છે. આજે કાગવડ ખાતે નરેશ પટેલે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. પત્રકાર પરિષદ સંબોધીને તેમણે કહ્યું કે, રાજકારણમાં પ્રવેશને મોકૂફ રાખું છું. પાટીદાર સમાજના પ્રકલ્પો શિક્ષણ, આરોગ્ય અને ખેતી પર ધ્યાન આપીશું. વડીલોની ચિંતાને ધ્યાનમાં રાખીને હાલ રાજકારણમાં નહિ જોડાવું.

તેમણે કહ્યુ કે, 80 ટકા યુવાનો અને 50 ટકા મહિલાઓ મને રાજકારણમાં જવા કહે છે, પરંતુ 100 ટકા વડીલોએ મને રાજકારણમાં ન જવાની સલાહ આપી છે. તેથી તેમની ચિંતાને માન આપીને મેં આ નિર્ણય લીધો છે.

છેલ્લા 6 મહિના નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તેના પર સસ્પેન્સ ચાલી રહ્યું હતું

રાજકારણમાં જોડાવવાનો વિચાર મેં સમાજ પાસે મુક્યો હતોઃ નરેશ પટેલ
આ મુદ્દે તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના તમામ સમાજના લોકોને અને માં ખોડલધામને મારા પ્રણામ, મૂળ વાત પર જ આવીએ તો રાજકરણમાં પ્રવેશ કરવાનો વિચાર મને કોરોના કાળમાં આવ્યો હતો. એ સમયે મેં સરદાર સાહેબને ખૂબ વાંચ્યા અને મને વિચાર આવ્યો કે રાજકારણમાં પ્રવેશ મેળવીએ. માટે આ વિચાર મેં સમાજ પાસે મુક્યો હતો.સમાજમાં થયેલા સર્વે અનુસાર 50% યુવાનો અને 80% મહિલાઓ એવું ઈચ્છે કે મારે રાજકારણમાં જવું જોઈએ પણ વડીલોનું માનવું એવું છે કે મારે પોલિટિક્સમાં જોડાવવું ન જોઈએ. માટે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય હાલ પૂરતો જ મોકૂફ રાખવામાં આવ્યો છે.

યુવાનોને રાજકારણમાં પ્રવેશ માટે ટ્રેનિંગ અપાશેઃ નરેશ પટેલ
રાજકારણમાં નહિ તો 2022ની ચૂંટણીમાં નરેશ પટેલનો શુ રોલ હશે તે વિશે પૂછતા તેમણે કહ્યુ કે, હવે સમાજ દ્વારા પોલિટિકલ કમિટી બનાવવામાં આવશે. જેમાં યુવાનોને રાજકારણમાં પ્રવેશ માટે ટ્રેનિંગ આપવામાં આવશે. 2022માં દરેક પાર્ટીમાં પાટીદારોને પ્રભુત્વ રહે તેવા પ્રયાસો કરીશ. જે સમાજ મારી પાસે મદદ માંગશે તે દરેક માટે પ્રયાસ કરીશ. 80 ટકા યુવાનો રાજકારણમાં જવા કહે છે. 50 ટકા મહિલાઓ મને રાજકારણમાં જવા માટે કહે છે. પરંતુ 100 ટકા વડીલો કહે છે રાજકારણમાં ન જવું જોઈએ તેવુ કહે છે. પ્રશાંત કિશોર ના ન આવવાથી હું નથી જતો એવું નથી.

જોકે, પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, તેઓ પોતાના દીકરી શિવરાજને પણ રાજકારણમાં પ્રવેશ માટે ના પાડશે. તેમણે કહ્યુ કે, મારા દીકરાને પણ રાજકારણમાં જવા ના પાડીશ.

રાજકારણથી અલિપ્ત રહેવાનો નિર્ણય
નરેશ પટેલ દ્વારા રાજકારણમાં પ્રવેશની વિચારણા વખતે ખોડલધામની રાજકીય કમિટી દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં સમાજના વડીલોએ રાજકારણથી દૂર રહેવા સલાહ આપી હતી જ્યારે મહિલા અને યુવાનોએ રાજકારણમાં સક્રિય થવાનો અભિપ્રાય દર્શાવ્યો હતો. સુત્રોના કહેવા પ્રમાણે રાજકારણમાં પ્રવેશથી ખોડલધામની અને સમાજની સામાજિક પ્રવૃતિને અસર થઇ શકે તેવી વાતનો સ્વીકાર કરવાની સાથોસાથ રાજકીય પક્ષો સાથે પૂર્વ શરતમાં મેળ નહીં પડ્યો હોવાના કારણોસર પણ નરેશ પટેલે છેવટનો રાજકારણથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સમાજમાં થયેલા સર્વે અનુસાર 50% યુવાનો અને 80% મહિલાઓ એવું ઈચ્છે કે મારે રાજકારણમાં જવું જોઈએ પણ વડીલોનું માનવું એવું છે કે મારે પોલિટિક્સમાં જોડાવવું ન જોઈએ

કોંગ્રેસની પ્રતિક્રીયા
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આ વિશે પ્રતિક્રીયા આપતા કહ્યુ કે, નરેશભાઈના નિર્ણયને સ્વીકારીએ છીએ. જ્યારે વાત થઈ ત્યારે નરેશ પટેલ આવે તેવું નક્કી હતું. અમારા તરફથી બધી તૈયારી હતી, પરંતુ નિર્ણય નરેશભાઈએ લેવાનો હતો. જે આજે તેમણે લીધો છે.

6 મહિનામાં 7 વાર તારીખ પાડી હતી
છેલ્લા 6 મહિના નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તેના પર સસ્પેન્સ ચાલી રહ્યું છે. ખોડલધામ એટલે નરેશ પટેલ અને નરેશ પટેલ એટલે ખોડલધામ. આ ઓળખ ધરાવનાર પાટીદાર અગ્રણી નરેશ પટેલે 27 ફેબ્રુઆરીએ પ્રથમ વખત રાજકારણની વાત કરી હતી. રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગેનો નિર્ણય માર્ચની શરૂઆતમાં જાહેર કરશે તેવી પ્રથમ વખત જાહેરાત કરી કરી હતી. બાદમાં એક બાદ એક તારીખ પાડતા રહ્યા અને તારીખની સંખ્યા 7 પર પહોંચી અને દિવસની સંખ્યા 100થી વધુ થઈ. પરંતુ હજુ સુધી પોતાનો નિર્ણય જાહેર કરી શક્યા નથી અને કઈ પાર્ટીમાં જોડાશે તેના કોઈ ઠેકાણા નથી. નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ એ પહેલા જ રાજનીતિ રમતા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.

Back to top button