પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ગોપાલ ઈટાલિયા AAPના સ્ટાર પ્રચારક, જુઓ લિસ્ટમાં બીજુ કોણ
અમદાવાદ, 16 એપ્રિલ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ભરૂચ અને ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડતા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા પણ ઈન્ડિયા ગઠબંધન હેઠળ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં સીએમ કેજરીવાલનું નામ પ્રથમ સ્થાને છે અને તેમની પત્ની સુનીતા કેજરીવાલનું નામ બીજા સ્થાને છે. બીજી તરફ ગોપાલ ઈટાલિયા અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટીના 40 સ્ટાર પ્રચારકોની યાદી
સ્ટાર પ્રચારકોની યાદી બહાર આવે તે પહેલા જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વખતે અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ લોકસભા ચૂંટણીમાં મોટી જવાબદારી નિભાવી શકે છે. ત્યારે હવે લિસ્ટ આવ્યા બાદ તે સ્પષ્ટ થઈ ગયું છે કે, તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિલ્હીની જેમ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમના પત્ની સુનીતા કેજરીવાલ ખૂબ જ એક્ટિવ થયા છે. તેમણે દિલ્હીના લોકો સામે સીએમ કેજરીવાલનો સંદેશ ઘણી વખત વાંચ્યો છે. આ સાથે તેમણે પાર્ટીના નેતાઓ સાથે બેઠક પણ કરી છે અને હવે તે પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. આમ આદમી પાર્ટીના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના નામ પણ છે. મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલ ત્રણેય હાલમાં જેલમાં છે.
#LokSabhaElections2024 | AAP releases a list of 40 star campaigners for Gujarat.
CM Arvind Kejriwal, his wife Sunita Kejriwal, Punjab CM Bhagwant Mann, Manish Sisodia, Satyendar Jain, Raghav Chadha, Isudan Gadhvi and others in the list. pic.twitter.com/DqWZiozzwW
— ANI (@ANI) April 16, 2024
અલ્પેશ કથિરીયાની વિધાનસભામાં હાર થઈ હતી
અલ્પેશ કથીરિયા, ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીને ગુજરાતમા સ્ટારપ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય હેમંત ખાવા,જગમાલભાઈ વાળા, પ્રવિણ રામ,યુવરાજસિંહ જાડેજા, રેશ્માબેન પટેલ, કરશન ભદરકા બાપુને પણ સ્થાન મળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ કથિરીયા વરાછામાં કુમાર કાનાણી સામે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતાં પણ તેમની હાર થઈ હતી. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી પણ હારી ગયા હતાં. જ્યારે વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણી જીત્યા હતાં અને હવે તેઓ ભાજપનો ખેસ ધારણ કરીને બેસી ગયાં છે.
આ પણ વાંચોઃગુજરાત ભાજપે ઉમેદવારોની સાથે ઉમેદવારીપત્રો ભરવા માટે જોડાનાર અગ્રણીઓની યાદી કરી જાહેર