એર ઈન્ડિયા પેશાબ કાંડ: શંકર મિશ્રા જેલમાંથી બહાર આવશે, 25 દિવસમાં મળ્યા જામીન


દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાને જામીન આપ્યા છે. મિશ્રાની દિલ્હી પોલીસે 6 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. ગયા વર્ષે 26 નવેમ્બરે ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસ દરમિયાન આ ઘટના બની હતી.

કોર્ટે મિશ્રાની જામીન અરજી પર પોતાનો આદેશ 31 જાન્યુઆરી સુધી અનામત રાખ્યો હતો. જામીન અરજીનો વિરોધ કરતાં પોલીસે કહ્યું હતું કે આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની બદનામી થઈ છે. તેના પર ન્યાયાધીશે કહ્યું કે તે શરમજનક હોઈ શકે છે પરંતુ આ અલગ બાબત છે.
કોર્ટે કહ્યું કે મિશ્રા વિરુદ્ધ પોલીસ દ્વારા જે સાક્ષીઓના નામ આપવામાં આવ્યા છે તેઓ ફરિયાદ પક્ષની તરફેણમાં જુબાની આપી રહ્યા નથી. ન્યાયાધીશે કોર્ટની કાર્યવાહી દરમિયાન કહ્યું કે તપાસ એજન્સી દ્વારા નામ આપવામાં આવેલા સાક્ષીઓ તમારી તરફેણમાં જુબાની આપી રહ્યા નથી. ફરિયાદીના નિવેદન અને ઇલા બેનર્જી (સાક્ષી)ના નિવેદનમાં વિરોધાભાસ છે. ફરિયાદીએ એવો પણ દાવો કર્યો હતો કે મિશ્રાએ તપાસમાં સહકાર આપ્યો ન હતો અને તેના તમામ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા.