કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં મોતના કુવા જેવા બનેલા રસ્તાઓ પર મહાનગર પાલિકા દ્વારા પેચવર્ક શરૂ

Text To Speech

રાજકોટમાં સતત વરસી રહેલા વરસાદના પગલે તમામ રોડ રસ્તાઓ મગરની પીઠ જેવા બની ગયા છે. શહેરીજનો માટે રસ્તા પરથી વાહન લઇને નીકળવું લોઢાના ચણાં ચાવવા જેટલું મુશ્કેલ બની ગયું છે. ખરાબ રોડ રસ્તાઓની તાકીદે મરામત કરાવવા મનપાનો કાન આમળ્યા બાદ શહેર કોંગ્રસ દ્વારા પણ રોડ રસ્તા અને બ્રીજ મુદ્દે મનપાને આડાહાથે લીધી હતી આ પછી તુરંત જ મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં ભાંગીને ભુક્કો થઇ ગયેલા અંદાજે 68.91 કિલોમીટરના રોડ રસ્તા પર પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે. આજથી સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આ કામગીરી શરૂ થઇ છે. ત્યારબાદ તબક્કાવાર વેસ્ટઝોન અને ઈસ્ટઝોનમાં કામગીરી કરાશે. નવરાત્રી સુધીમાં તમામ રોડ પર પેચવર્ક કરી દેવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર અમીત અરોરાએ કહ્યું હતું.

લોકોની ફરિયાદો વધવા છતાં મહાનગરપાલિકા દ્વારા રસ્તાનું રિપેરીંગ કરાતું નહોતું

આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વરસાદ સાથે જ શહેરના તમામ રાજમાર્ગો બિસ્કીટની જેમ ભાંગીને ભુક્કો થઇ ગયા છે. અને, શહેેરીજનો માટે જાહેરમાર્ગ પરથી વાહનો લઇને નીકળવું એ મોતના કુવા જેવો અનુભવ કરાવે છે. લોકોની ફરિયાદો વધવા છતાં મહાનગરપાલિકા દ્વારા રસ્તાનું રિપેરીંગ કરાતું નહોતું. સામાન્ય મોરમ અને ટાંચ નાખવાની કામગીરી કરવામાં આવે ત્યાં ફરી વરસાદ આવવાથી રસ્તાઓની હાલત જેમની તેેમ જ બની જતી હતી. હવે ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાન તાકીદે તમામ રોડ રસ્તાઓનું તાકીદે રીપેરીંગ કરવા આદેશ આપ્યા બાદ મનપા દ્વારા આજથી બીસ્માર બનેલા તમામ રોડ રસ્તાઓમાં પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ક્યાં ક્યાં વિસ્તારોમાં પેચવર્ક કરાશે ?

મ્યુનિસિપલ કમિશનર અમીત અરોરાએ ઉમેર્યું હતું કે, પ્રથમ તબક્કામાં સેન્ટ્રલ ઝોનના 13.63 કિલોમીટર, બીજા તબક્કામાં વેસ્ટઝોનના 19.48 કિલોમીટર અને ત્યારબાદ ઈસ્ટઝોનના 35.80 કિલોમીટર વિસ્તારના રોડ રસ્તાઓ પર પેચવર્ક કરવામાં આવશે. આજથી સેન્ટ્રલ ઝોનના કસ્તુરબા રોડ (આર વર્લ્ડથી) ચૌધરી હાઇસ્કૂલ ચોક , કસ્તુરબા રોડ (પ્રભુકૃપા હોસ્પિટલ)થી જ્યુબીલી ચોક, રેસકોર્સ રીંગરોડ (મેયર બંગલાથી બીગબાઇટ સુધી), માધાપર ચોકડી, કોર્ટ ચોક, કોર્ટ ચોકથી નાગરિક બેંક, ગોંડલ રોડ, ઢેબર રોડ, જવાહર રોડ, ગોંડલ રોડ, 80 ફૂટ રોડ નાગરિક બેંક ચોકથી બાપુનગર ચોક, ગોપાલ નગરથી નહેરૂનગર મેઇન રોડ, પારડીરોડ આનંદનગર મેઇનરોડથી નહેરૂ નગર મેઇન રોડ આ વિસ્તારોમાં કામ કરાશે. ત્યારબાદ વેસ્ટઝોનમાં રૈયારોડ હનુમાનમઢી ચોકથી અન્ડર બ્રીજ સુધી, સાધુ વાસવાણી મેઇનરોડ, યુનિવર્સિટી રોડથી ગુરૂજી આવાસ યોજના, ધોળકિયા સ્કૂલ મેઇનરોડ, પટેલ ક્ધયા છાત્રાલય રોડ, ગંગોત્રી પાર્ક મેઇન રોડ, આકાશવાણી ચોકથી જે કે ચોક, ભીમનગરથી સ્પીડવેલ પાર્ટી પ્લોટ વાળો રોડ, રૈયા રોડથી રૈયા સ્મશાન સ્લેબ ક્લવર્ટ સુધી, પ્રેમ મંદિરથી ગાર્ડી ગેઇટ સુધી જુનો યુનિ. રોડ, મવડી સ્મશાનથી ડ્રેનેજ પમ્પીંગ સુધી, વાવડી ગામથી કાંગશીયાળી, વાવડી ગામથી અક્ષર હાઇટ્સ વિશ્ર્વકર્મા સોસાયટી, પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પુનીતનગર 80 ફૂટ રોડથી પાળ રોડ અને લાખના બંગલાવાળો રોડ અને અંતમાં ઇસ્ટઝોનમાં કુવાડવા રોડ, જુનો મોરબી રોડ, નવો મોરબી રોડ, ભગવતીપરા મેઇનરોડ, પેડક રોડ, આડો પેડક રોડ, કુવાડવા રોડ, સંત કબીર રોડ, 80 ફૂટ રોડ (હુંન્ડાઇ શો રૂમથી અમુલ સર્કલ), એનએસઆઇસી રોડ (અમુલ સર્કલથી) નેશનલ હાઇવે, ભાવનગર રોડ (ચુનારાવાડ ચોકથી અમુલ સર્કલ ડાબી બાજુનો રોડ), દૂધ સાગર રોડ, ચુનારાવાડ મેઇન રોડ, ભાવનગર રોડ (આજીડેમ ચોકડીથી આરએમસી હદ સુધી), ભાવનગર રોડ (અમુલ સર્કલથી આજીડેમ ચોકડી), 80 ફૂટ રોડ, દેવપરા 80 ફૂટ રોડ, મારૂતી 80 ફૂટ રોડ, સ્વાતી હાઇટ્સવાળો રોડ, ગામતળ ઇએસઆરથી સોલવન્ટ ફાટક, કોઠારિયા ચોકડીથી ગામતળ સુધી કોઠારિયા મેઇન રોડ, અને માલધારી ફાટકથી કોઠારિયા મેઇન રોડ રોલેક્ષ રોડ સહિતના વિસ્તારોમાં પેચવર્ક કરાશેે.

મેયરે અધિકારીઓની બેઠક બોલાવી રોડ રસ્તા રીપેર કરવા તાકીદ કરી

દરમિયાન મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કમિશનર અમિત અરોરા, બાંધકામ કમિટી ચેરમેન કેતનભાઈ પટેલે જણાવ્યું છે કે, સવંત્સરી, ગણેશ ચતુર્થી અને નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં મુખ્ય માર્ગોમાં પેચવર્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં વરસાદએ વિરામ લીધેલ હોય અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખી ખાસ કરીને મુખ્ય માર્ગોનું પેચ વર્ક શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. સેન્ટ્રલ ઝોનના મુખ્ય માર્ગો પર પેચ વર્ક શરૂ થઈ ગયું છે. આવતીકાલે વેસ્ટ અને ઇસ્ટઝોનમાં પેચ વર્ક શરૂ કરાશે. આજરોજ ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસાની ઋતૂ પૂર્ણ થયે ત્રણેય ઝોનમાં ડામર/પેવર, રી-કાર્પેટ કરવા વગેરે કામગીરી માટે પણ ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા બાદ શહેરમાં જે જગ્યાએ જરૂર જણાશે તેવા તમામ રસ્તાઓમાં ડામર/પેવર, રી-કાર્પેટ કરવામાં આવશે.

Back to top button