પાટણ: રાણકી વાવ ખાતે બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્યનમસ્કાર
પાટણ 1 જાન્યુઆરી 2024 : ઉતર ગુજરાતના મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ સૂર્યમંદિરમાં નવા વર્ષે સૌથી વધુ સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો.જયારે ઉતર ગુજરાતના પાટણ જિલ્લામાં શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં તેમજ 500 થી વધુ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા.તદઉપરાંત સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી
આ વર્ષે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા.01 ડિસેમ્બર 2023 થી 1 જાન્યુઆરી 2024 સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ રાજ્યમાં ગ્રામ્ય, શાળા, વોર્ડ કક્ષાએથી લઈને જિલ્લા, મહાનગરપાલિકા તથા રાજ્ય કક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અનેક લોકો સહભાગી થઇને સૂર્ય નમસ્કાર કર્યા હતાં.
સૂર્ય નમસ્કાર એટલે ધ અલ્ટીમેટ આસન
સૂર્ય નમસ્કાર જેને ધ અલ્ટીમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક જ આસન એવું છે કે જેનો અભ્યાસ કરવાથી સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચે છે. આ આસન દરેક લોકો સુધી પહોંચે તેવા ઉદેશ્ય સાથે સરકાર દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરૂ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ-વાસીઓને કરી વિનંતી
ગુજરાતના સુપ્રસિદ્ધ સૂર્યમંદિરમાં વર્ષના પહેલા દિવસે સૂર્ય નમસ્કાર દ્વારા સૌથી વધુ સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ રેકોર્ડ નોધાવ્યો હતો જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ-વાસીઓને સૂર્ય નમસ્કારને દિનચર્યાનો એક ભાગ બનાવવા વિનંતી કરી હતી.
Gujarat welcomed 2024 with a remarkable feat – setting a Guinness World Record for the most people performing Surya Namaskar simultaneously at 108 venues! As we all know, the number 108 holds a special significance in our culture. The venues also include the iconic Modhera Sun… pic.twitter.com/xU8ANLT1aP
— Narendra Modi (@narendramodi) January 1, 2024
ગુજરાતના વિવિધ જગ્યાએ કરવામાં આવ્યું આયોજન
સૂર્યનું પ્રથમ કિરણ જ્યા પડે છે, એવા મોઢેરા સૂર્ય મંદિર ખાતે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતીમાં રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કારના મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અમદાવાદના અટલ બ્રિજ,સ્ટેચ્યુ ઓફ યુનિટી,સુરત વિવિધ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે.
શું કહ્યું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે..?
આ નવા વર્ષના પહેલા દિવસે સૂર્ય નમસ્કારના મહાઅભિયાન અંતર્ગત આજના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતુ કે, આજ-રોજ 108 જગ્યાઓએ જે રીતે સૂર્યનમસ્કારના મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ આપણે સૌએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવો જોઈએ. આજે નવા વર્ષની શરૂઆત આટલી શુભ રીતે થઈ છે જે ખુબ આનંદની વાત છે. ભારતની સંસ્કૃતિ યોગ છે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં પહોંચાડી છે. આજે આપણને ગૌરવ થાય કે આપણી સંસ્કૃતિ વિશ્વના લોકો અપનાવી રહ્યા છે. સૂર્ય વગર જીવન શક્ય નથી. સૂર્ય નમસ્કાર તો વેદો, પુરાણોથી ચાલતું આવે છે. આપણા ઋષિમુનિઓ પણ સૂર્યનમસ્કારનું મહત્વ સમજાવી ગયા છે. સૂર્ય નમસ્કાર કરવાથી શારીરીક અને માનસિક બંને રીતે ફાયદો થાય છે. માણસ શરીરથી સુખી હશે તો તે બધી રીતે સુખી જ હશે. તેથી આજથી આપણે સૌ સંકલ્પ કરીએ કે ન માત્ર આજના જ દિવસે પરંતુ દરરોજ સૂર્યનમસ્કાર અને યોગ કરીને આપણા દિવસની શરૂઆત કરીએ.
વિવિધ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
આજરોજ આયોજીત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળંવતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, આગેવાન દશરથજી ઠાકોર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, રમત ગમત અધિકારી નરેશ ચૌધરી તેમજ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : મોઢેરાના સૂર્ય મંદિર ખાતે સૂર્યના પ્રથમ કિરણની સાક્ષીએ સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ