ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

પાટણ: ગેરકાયદેસર એલોપથીની પ્રેક્ટિસ કરતા ડો. યોગેશ પટેલ ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતર્યા

Text To Speech

એમ.ડી. ની ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા હતા
બીએએમએસ ની ડિગ્રી હોવાનું તપાસમાં આવ્યું બહાર
હોસ્પિટલના સ્ટાફના નિવેદન પોલીસ નોંધી રહી છે

ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં દવાખાનું ધરાવતા ડો. યોગેશ પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે. જે આયુર્વેદની ડિગ્રી ધરાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું અને આયુર્વેદની ડિગ્રી હોવા છતાં એલોપથીની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. પોલીસે આ અંગે તપાસ શરૂ કરતા ધરપકડથી બચવા ડો. યોગેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે હોસ્પિટલમાં સ્ટાફની છેલ્લા બે દિવસથી પોલીસ નિવેદનો નોંધી રહી છે.

ઉત્તર ગુજરાતમાં ચર્ચાની એરણે ચડેલા પાટણના આ ડોકટરની વાત છે. જેમાં પાટણમાં પ્રસિદ્ધ હોસ્પિટલમાં એમ.ડી. ડૉકટરની ડિગ્રી વગર છેલ્લા દોઢ વર્ષથી પ્રેકટીસ કરનાર યોગેશ પટેલ સામે આરોગ્ય વિભાગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. છેલ્લા બે દિવસથી પોલીસે હોસ્પિટલમાં સ્ટાફના નિવેદનો લઇ યોગેશ પટેલની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે તપાસ આગળ વધારતાં પાટણ ખાતે આવેલા ઘરે જતા ઘરને તાળા મારેલા જોવા મળ્યા હતા. પોલીસે ભુગર્ભમાં ઉતરેલા ડૉક્ટરને ઝડપી લેવા માટે ટીમો દોડતી કરી છે.

 

દર્દીઓ ના સ્વાસ્થ્ય સાથે ચેડાં
પાટણમાં આયુર્વેદિક ડૉક્ટર યોગેશ પટેલ એમડી ની ડિગ્રી વગર જ એલોપેથિક સારવાર કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય વિભાગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આ ડોકટર સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જેમાં ગુરુવારે હોસ્પિટલમાં પંચનામા બાદ શુક્રવારે ફરી હોસ્પિટલમાં પોલીસ તપાસમાં ગઈ હતી, જ્યાં સ્ટાફના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તેમજ હોસ્પિટલમાંથી દર્દીઓને સારવાર માટે મેડિકલમાંથી આપવામાં આવતા દવાઓના બિલ તેમજ રેકોર્ડ તપાસવા માટે મેડીકલ સ્ટોરના કોમ્પ્યુટરના સીપીયુ કબજે લેવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ડૉકટર પોલીસ સંપર્ક થી દૂર હોય તેની તપાસ માટે ટીમ અંબાજી નેળિયામાં શાંતિનિકેતન સ્કૂલની પાછળની રહેણાક સોસાયટીમાં આવેલા મકાન નંબર 14 માં તપાસ માટે ગઈ હતી પરંતુ યોગેશ પટેલ પરિવાર સાથે ઘરને તાળા મારી ચાલ્યાં ગયા હોય મકાન બંધ હાલતમાં જોવા મળ્યું હતું. જેથી પોલીસે હવે બે ટીમો બનાવી ડોક્ટર ને પકડી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે.તેવું તપાસ અધિકારીના સૂત્રોએ જણાવ્યું હતું.

ડીગ્રીને લઈ વિભાગો પાસેથી વિગત મંગાવાશે
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એચ. આર્યએ જણાવ્યું હતું કે મેડિકલ કાઉન્સિલની રજૂઆતના દિવસથી જ આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ બાબત હોય ગંભીરતાથી તપાસ ની શરૂઆત કરવામાં આવી હતી. એમ.ડી.ની ડીગ્રી ના હોય ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ પેકટીસ બદલ તેમની સામે ફરિયાદ નોંધવા માટે તાલુકા હેલ્થ ઓફિસરને લેખિતમાં અધિકૃત કરી ફરીયાદ નોંધાવી છે. યોગેશ પટેલ પાસે બી.એ.એમ.એસ ની આયુર્વેદિક ડિગ્રી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.જેથી તેમની આ ડિગ્રી બાબતે પણ આયુષ સહીત સંબધિત વિભાગ પાસેથી વિગતો માંગી તપાસ થશે.

Back to top button