પાલનપુરના રેલવેના સબ-વેમાં વરસાદી પાણી ભરાતા મુસાફરોને હાલાકી


પાલનપુર: રેલ્વે સ્ટેશન ખાતે એક માસ પહેલા જ મુસાફરોની સગવડ માટે રેલવે પ્લેટફોર્મ પર જવા માટે સબ-વે બનાવવામાં આવ્યો હતો. જેમાં પહેલા વરસાદમાં જ આ સબ-વેમાં પાણી ભરાઈ જતા રેલવેમાં મુસાફરી માટે જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ભુવા પણ પડી ગયા છે. આમ વરસાદે રેલવેની પણ પોલ ખોલી નાખી હતી.
હજુ એક માસ પહેલા જેનું ઉદઘાટન કરાયુ હતું
પાલનપુર રેલવે સ્ટેશન ‘એ’ ગ્રેડમાં આવેલુ છે. તેના નવીનીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાથે નવી ઈલેક્ટ્રીક લાઈન, બે નવી પાટણની ગુડઝ ટ્રેન માટેની લાઈન, અને સ્ટેશન વિસ્તારની સામે આવેલ ટિકિટબારીથી રેલવે સ્ટેશનમાં અંદર જવા માટે અંડરગ્રાઉન્ડ સબ-વે બનાવવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન એક માસ પહેલાં જ 13મે’22 ના રોજ કેન્દ્રીય રેલ મંત્રી દર્શના જરદોશ, રાજ્યમંત્રી પૂર્ણેશ મોદી, બનાસકાંઠા સાંસદ પરબત પટેલ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સબ-વેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે શુક્રવારે એક વરસાદી ઝાપટામાં આ સબ-વેમાં પાણી ભરાઇ જતા સ્વિમિંગ પૂલ જેવી સ્થિતિ સર્જાઈ છે. મુસાફરોને ટીકીટ લઈ સ્ટેશનમાં અંદર જવાના એક નજીક ના માર્ગમાં પાણીથી ભરાઇ જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે બીજો માર્ગ ટિકિટબારીથી ખૂબ જ દૂર બનાવવામાં આવેલ છે. જેના કારણે બહારથી આવેલા મુસાફરો ટિકિટ લેવા અને ટિકિટ લઈને રેલવે સ્ટેશનમાં જવા ફાંફાં મારવા પડે છે. વયોવૃદ્ધ મુસાફરોની ખૂબ જ દયાજનક સ્થિતિ સર્જાઈ છે. જ્યારે હાથ ધરાયેલા લાખો-કરોડો રૂપિયાના કામમાં પાલનપુર રેલવે સ્ટેશનના અધિકારી માર્ગનું નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટરને એન.ઓ.સી. આપે ત્યારબાદ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ કરવામાં આવે છે. તો રેલ્વેના અધિકારીએ શું તપાસ કરી તેને લઈને સવાલો ઉઠ્યા છે.
જ્યારે રેલવે મંત્રીએ કરેલા ઉદ્ઘાટનની તકતીની નીચે જ મોટો ભુવો પડી ગયો છે. તેમજ નવીન બનેલા સબ-વેના પગથીયાની અંદર સુધી ભૂવો પડતા ગમે ત્યારે બેસી જવાનો ડર મુસાફરોને સતાવી રહ્યો છે. બીજીબાજુ પાર્કિંગ સિવાય જ વાહનો પાર્ક થાય છે. તે જગ્યા પણ ભુવા પડવાના કારણે જમીન પોચી બની જવા પામી છે. ગમે ત્યારે પણ ત્યાં પાર્ક કરેલું વાહન ધશી જાય તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે. જેથી રેલવેના ઉચ્ચ અધિકારીઓ આ સબ-વે નું જાત નિરીક્ષણ કરી ન્યાયીક તપાસ કરાવે અને કરોડોના ખર્ચે બનાવેલા કામની તપાસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મુસાફરો અને સ્થાનિક લોકોની માંગ છે.