વિશેષસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાને વિદેશી કોચની જરૂર નથી; પૂર્વ વિકેટકીપરે ચોંકાવ્યા

Text To Speech

26 મે, મુંબઈ: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા T20 World Cupની સમાપ્તિ બાદ ટીમ ઇન્ડિયાના હાલના હેડ કોચ રાહુલ દ્રવિડની મુદત પૂરી થઇ જશે. રાહુલ દ્રવિડે ફરીથી આ પદ લેવા માટે અરજી કરી નથી આથી ટીમને નવા કોચની જરૂર પડશે. આ મામલે પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે કહ્યું છે કે ટીમ ઈન્ડિયાને વિદેશી કોચની જરૂર નથી.

દેશી અને વિદેશી મીડિયામાં રિકી પોન્ટિંગ, જસ્ટિન લેંગર, ગૌતમ ગંભીર, સ્ટિફન ફ્લેમિંગ અને માહેલા જયવર્દને જેવા પૂર્વ ક્રિકેટરોના નામ ટીમ ઇન્ડિયાના કોચ તરીકે સતત આવી રહ્યા છે એવામાં પાર્થિવનું આ નિવેદન ખૂબ મહત્વ ધરાવે છે.

પાર્થિવ પટેલ લેજન્ડ્સ ઇન્ટરકોન્ટીનેન્ટલ T20 લીગના લોન્ચ પ્રસંગે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે આપણી પાસે સારા કોચ ઉપલબ્ધ છે એવામાં આપણને વિદેશી કોચની જરૂર નથી.

તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે પણ કોચની વાત થતી હોય છે ત્યારે રાહુલ દ્રવિડ અને લક્ષ્મણભાઈએ તે ખોટ પૂરી કરી છે. આપણી પાસે એવા ઘણા કોચ છે જેમણે NCAમાં આવીને કામ કર્યું છે. મને  હંમેશાં લાગે છે કે આપણે બહારથી કોચ મંગાવવાની કોઈજ જરૂર નથી. આપણી પાસે આટલા બધા ખેલાડીઓ છે અને તેઓ સારું કોચિંગ આપી રહ્યા છે. આપણી અન્ડર-19ની ટીમ દર બીજા વર્ષે ચેમ્પિયન બની રહી છે.

ઇન્ડિયા A જ્યાં પણ જાય છે ત્યાં સારો દેખાવ કરી રહી છે. આ ટીમો સાથે ભારતીય કોચ જ હોય છે, તો મારો પહેલો પ્રશ્ન એ છે કે આપણે બહારના કોચની જરૂર જ શું છે?’

પાર્થિવ પટેલ રાહુલ દ્રવિડ સાથે સારુએવું ક્રિકેટ રમી ચૂક્યા છે, તેમણે દેશી કોચ અંગેની પોતાની દલીલને આગળ વધારતાં એમ કહ્યું હતું કે આપણી પાસે ઘણા સક્ષમ લોકો છે અને આ  બધા આપણને NCAમાંથી મળી આવશે. આપણી રણજી ટીમમાં પણ અત્યંત સારા કોચ મળી જશે. આ તમામમાં ચંદ્રકાંત પંડિત એક મોટું ઉદાહરણ છે. આથી પાર્થિવને લાગે છે કે ટીમને બહારથી કોચ લાવવાની કોઈ જરૂર હોય.

જ્હોન રાઈટ એ ભારતને કોચિંગ આપનારા પ્રથમ વિદેશી કોચ હતા. ત્યારબાદ ગ્રેગ ચેપલ, ગેરી કર્સ્ટન અને ડંકન ફ્લેચરે ટીમ ઈન્ડિયાને કોચિંગ આપ્યું છે. ફ્લેચર બાદ BCCIએ દેશી કોચ જેવાકે રવિ શાસ્ત્રી અને હવે રાહુલ દ્રવિડ ઉપર પોતાનો ભરોસો દેખાડ્યો છે.

Back to top button