અમદાવાદગુજરાત

અમદાવાદના પાલડીમાં વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ તૂટ્યો, 16 લોકોનું રેસ્ક્યૂ

Text To Speech

અમદાવાદ 3 જુલાઈ 2024, શહેરના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ તૂટી પડ્યો હતો. ફ્લેટમાં મકાનોમાં ફસાયેલા 16 જેટલા લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ વડે 16 લોકોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. વર્ષો જૂના ફ્લેટ હતા અને અચાનક જ વરસાદ પડ્યો ત્યારબાદ સીડી તૂટી પડતા લોકો ફસાયા હતા.

જોરદાર અવાજ આવતા જ સ્થાનિકો બહાર દોડી આવ્યા
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, શહેરમાં સાંજથી જ વરસાદ શરૂ થયો હતો ત્યારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા નજીક બાદશાહ ડેરીની સામે આવેલા બે માળના વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ અચાનક જ તૂટ્યો હતો. જોરદાર અવાજ આવતાની સાથે જ સ્થાનિક નાગરિકો બહાર નીકળ્યા હતા. જ્યારે તેઓએ જોયું તો સીડીનો ભાગ તૂટી ગયો હતો. જેથી તેઓને નીચે ઉતરવા રસ્તો નહોતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી હતી.

બે માળના 10થી વધુ મકાનોમાં લોકો ફસાયા હતા
ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા આ બે માળના 10થી વધુ મકાનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાઇડ્રોલિક પ્લેટફોર્મ (સીડી) વડે ફ્લેટમાં ઘરમાં ફસાયેલા લોકોને બારી અને બારણા બંનેમાંથી ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યા હતા. કુલ 16 જેટલા લોકો અને ફાયર બ્રિગેડની ટીમે ધીરે ધીરે સીડી વડે નીચે ઉતાર્યા હતા. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહ અને પાલડી વોર્ડના કોર્પોરેટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃઅમદાવાદમાં બીયુ તેમજ ફાયર NOC ન લેનાર બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવાની ઔડાએ ચીમકી ઉચ્ચારી

Back to top button