ચીનમાં હાઇવેનો એક ભાગ ધરાશાયી, ખાડામાં વાહનો પડતાં 36નાં મૃત્યુ
બેઇજિંગ (ચીન), 02 મે 2024: ચીનના દક્ષિણ ભાગમાં ભારે વરસાદના કારણે એક હાઈવેનો એક હિસ્સો ધરાશાયી થતાં અત્યાર સુધી 36 લોકોના મૃત્યુ થયાં હતાં. આ ઘટના ગુઆંગડોંગ પ્રાંતના મેઉઝોઉ પહાડી વિસ્તારમાં બપોરે 2 વાગ્યેના આસપાસ બની હતી. હાઇવેનો 17.9 મીટર લાંબો ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે વાહનો ખાડામાં પડી ગયા હતા. સરકારી નિવેદન અનુસાર આ અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા છે. ઉલ્લેેખનીય છે કે, ગુઆંગડોંગ પ્રાંતના ભાગોમાં છેલ્લા 2 અઠવાડિયામાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે તેમજ પૂરની સ્થિતિ સર્જાઈ છે.
હાઈવેનો 17.9 મીટરનો લાંબો ભાગ ધરાશાયી
વહીવટતંત્રના જણાવ્યા અનુસાર, બુધવારે બપોરે 2 વાગ્યાની હાઈવેનો 17.9 મીટરનો લાંબો ભાગ એકદમ ધરાશાયી થયો હતો. જેના કારણે રસ્તા દોડતા 23 વાહનો ખાડામાં જઈને પડ્યા હતા. જેમાં 54 લોકો સવાર હતા. આ ઘટના બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતાં જ 500 રાહતકર્મીઓએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ચીન સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અકસ્માત બાદ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ હાઇવે ગુઆંગડોંગને ફુજિયન પ્રાંત સાથે જોડે છે. ચીનમાં લેબર ડે પર ચાર દિવસની રજા હોય છે અને દેશના મોટાભાગના હાઈવે ટોલ ફ્રી છે. જેના કારણે વધુ વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા.
વાહનો ખાડામાં પડતા આગ ફાટી નીકળી હતી
હાઇવેની નીચેની જમીન અને તેની ઉપરના રોડનો ભાગ ધરાશાયી થયો હતો.આ ઘટનાને નજરો સમક્ષ જોનારાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તેણે મોટો ધડાકાભેર અવાજ સાંભળ્યો અને રસ્તાનો એક ભાદ ઢસડી પડતા તરત જ મોટો ખાડો પડી ગયો હતો. હાલમાં આ ઘટનાના વીડિયો અને ફોટો વાયરલ થયા છે જ્યાં ઘટનાસ્થળ પર આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, ખાડામાં સંખ્યાબંધ વાહનનો ઢગલો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: Video/ તોફાને અમેરિકાના નેબ્રાસ્કા અને આયોવામાં વેર્યો વિનાશ, ઈમારતો પત્તાની જેમ ધરાશાયી