દેશના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો કેરળમાં પીએમ મોદીના હાથે શિલાન્યાસ


- આજથી 2 દિવસ મોદી વિવિધ રાજ્યોની મુલાકાતે
- સાયન્સ પાર્ક કેરળની ડિજિટલ યુનિવર્સિટીની નજીક ટેક્નોપાર્ક ફેઝ IV – ટેકનોસિટીમાં આવશે
- રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા નેતાઓ આપશે હાજરી
ભારતનો પહેલો ડિજિટલ સાયન્સ પાર્ક કેરળમાં બનવા જઈ રહ્યો છે. તેનો શિલાન્યાસ 25 એપ્રિલે પીએમ મોદી પોતે કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે બે દિવસીય કેરળની મુલાકાતે જવાના છે. એક સરકારી રિલીઝમાં જણાવાયું છે કે ત્રીજી પેઢીનો સાયન્સ પાર્ક કેરળની ડિજિટલ યુનિવર્સિટીની નજીક ટેક્નોપાર્ક ફેઝ IV – ટેકનોસિટીમાં આવશે.
રૂ.1500 કરોડનો પ્રોજેકટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે કેરળની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે અને અહીં દેશના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કરશે. 1,500 કરોડનો પ્રોજેક્ટ છે. રિલીઝમાં જણાવાયું છે કે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન, કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, ડાબેરી સરકારના વિવિધ પ્રધાનો અને કોંગ્રેસના તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર આ કાર્યક્રમમાં હાજરી આપશે.
બે વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરાશે
ડિજિટલ સાયન્સ પાર્ક પ્રોજેક્ટની કલ્પના ડિજિટલ ટેક્નોલોજી પર કેન્દ્રિત મલ્ટિડિસિપ્લિનરી ક્લસ્ટર-આધારિત ઇન્ટરેક્ટિવ-ઇનોવેશન ઝોન તરીકે કરવામાં આવી હતી અને તે બે વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.