ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુલાકાતીઓ માટે હાલ પૂરતા સંસદના દરવાજા બંધ, ગૃહ મંત્રાલય દ્વારા તપાસ સમિતિની રચના

નવી દિલ્હી, 13 ડિસેમ્બર, 2023: દેશની સંસદમાં આજે કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા ઘૂસણખોરી કરીને હંગામો કરવામાં આવતા સંસદના સચિવાલય દ્વારા એક અસાધારણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમાચાર એજન્સી દ્વારા સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, સંસદના સેક્રેટરી જનરલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સંસદની સલામતી અંગે નવેસરથી સમીક્ષા કરવાની વિનંતી કરી છે અને મુલાકાતીઓ માટે હાલ પૂરતા સંસદના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. નવો આદેશ ન થાય ત્યાં સુધી મુલાકાતીઓ હવે સંસદની કાર્યવાહી જોવા જઈ શકશે નહીં.

મોડી રાત્રે મળતા અહેવાલ અનુસાર લોકસભા સેક્રેટરિએટ દ્વારા કરવામાં આવેલી વિનંતીને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તપાસ સમિતિની રચના કરી છે. સીઆરપીએફના ડીજી અનિશ દયાલ સિંહના નેતૃત્ત્વ હેઠળ આ સમિતિની રચના કરવામાં આવી હોવાનું કેન્દ્રીય ગૃહ મંત્રાલયે X દ્વારા જણાવ્યું હતું.

આ અગાઉ આજે 13મી ડિસેમ્બરે બપોરે લગભગ એક વાગ્યે ચોક્કસ વિચારધારા ધરાવતા બે બદમાશો પ્રેક્ષક ગેલરીમાંથી લોકસભામાં કૂદ્યા હતા અને ધૂમાડો છોડીને એક પ્રકારે આતંક ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બદમાશો લોકસભાની અંદર આ દેશવિરોધી કૃત્ય કરી રહ્યા હતા તે સમયે એક મહિલા સહિત તેમના બે સાથીદારો સંસદની બહાર સૂત્રોચ્ચાર કરતા હતા અને તેમણે પણ ધૂમાડો છોડીને આતંકની સ્થિતિ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો.

અહીં વાંચોઃ BREAKING NEWS : લોકસભામાં પ્રેક્ષક ગેલરીમાંથી બે જણ કૂદ્યા, જોખમ જણાતા સંસદ સ્થગિત

સંસદમાં હંગામો થયા બાદ લોકસભા એકાદ કલાક માટે સ્થગિત રહ્યા બાદ ફરી મળી ત્યારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને આશ્વાસન આપ્યું હતું કે, તોફાનીઓએ જે ધૂમાડો ગૃહમાં છોડ્યો હતો તે ઝેરી નહોતો અને હવે ચિંતાનું કોઈ કારણ નથી. અધ્યક્ષે સાંસદોને એવું પણ આશ્વાસન આપ્યું હતું કે, તેઓ આ અંગ અલગ બેઠક યોજીને તમામ સાંસદોની ચિંતા સાંભળશે અને જે જરૂરી લાગે તે પગલાં લેવામાં આવશે.

અહીં વાંચોઃ આતંકી હુમલાની વરસીને દિવસે લોકસભામાં બે જણનો આતંક, જોકે હવે સબ સલામત

આ અંગે ત્યારબાદ સમાચાર આવ્યા કે આ રાષ્ટ્ર વિરોધી બદમાશો એક યા બીજી રીતે ખેડૂત આંદોલન સહિત દેશમાં છેલ્લા થોડા વર્ષમાં થયેલા આંદોલન અને દેખાવોમાં સંડોવાયેલા હતા. જોકે, પ્રારંભિક જાણકારી મુજબ આ ચારેય બદમાશોએ કર્ણાટકમાં મૈસૂરના ભાજપના સાંસદના મુલાકાતી પાસ દ્વારા સંસદમાં આવવાના પાસ મેળવ્યા હતા, જે પૈકી બે જણા લોકસભાની પ્રેક્ષક ગેલરીમાં ગયા હતા, જ્યારે બે જણા બહાર રહ્યા હતા. જોકે, તરત જ ચારેયને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ફોરેન્સિક નિષ્ણાતોએ પણ પુરાવા એકત્ર કરીને તપાસ શરૂ કરી હતી. દરમિયાન, દિલ્હી પોલીસે આ તોફાનીઓને દિલ્હીમાં શરણ આપનાર એક દંપતીની પણ અટકાયત કરી છે.

અહીં વાંચોઃ લોકસભામાં કૂદકો મારીને ભય ફેલાવનાર કોણ હતા? થઈ ઓળખ, જાણો તે ક્યાંના છે?

આ સંજોગોમાં લોકસભા  સેક્રેટરિએટ દ્વારા મુલાકાતીઓ ઉપર હાલ પૂરતો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે પૂરેપૂરી સુરક્ષા કાળજી ન લેવાય ત્યાં સુધી કોઈ મુલાકાતીને પાસ જારી કરવામાં નહીં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. યાદ રહે આજની આ ઘટના વર્ષ 2001માં આજના જ દિવસે એટલે કે 13મી ડિસેમ્બરે સંસદ ઉપર પાકિસ્તાની આતંકવાદીઓએ કરેલા હુમલાની વરસીના દિવસે બની હતી.

નિષ્ણાતો એમ પણ માને છે કે, આ ઘટના પાછળી ખાલિસ્તાનીઓનો હાથ હોઈ શકે. ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ હજુ થોડા દિવસ પહેલાં જ ધમકી આપી હતી કે તે 13મી ડિસેમ્બર અથવા તે પહેલાં ભારતીય સંસદ ઉપર હુમલો કરાવશે.

અહીં વાંચોઃ ‘મારી હત્યાના કાવતરાનો જવાબ હું સંસદ ભવન પર હુમલો કરીને આપીશ’ : આતંકવાદી પન્નુની ધમકી

Back to top button