સંસદભવન પર હુમલો 2001: 21 વર્ષ પછી રુઝાયા નથી પાર્લામેન્ટ પર થયેલા હુમલાના જખમ, 9 વીર સપૂતો થયા હતા શહીદ
નવી દિલ્હીઃ 13 ડિસેમ્બર, 2001 એ તારીખ છે જ્યારે એક સફેદ એમ્બેસેડર કારમાં આવેલા પાંચ આતંકવાદીઓએ લોકશાહીના સૌથી મોટા મંદિર, સંસદ ભવન પર હુમલો કર્યો હતો. સંસદ ભવન પર થયેલા હુમલાની આજે 21મી વરસી છે. 21 વર્ષ પછી પણ સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની યાદો તાજી છે. આ હુમલામાં દિલ્હી પોલીસના પાંચ જવાન, CRPFની એક મહિલા કોન્સ્ટેબલ અને સંસદના બે ગાર્ડ સહિત કુલ 9 લોકો શહીદ થયા હતા. જ્યારે પાંચેય આતંકીઓ પણ માર્યા ગયા હતા.
આતંકવાદીઓ સફેદ રંગની એમ્બેસેડર કારમાં સવાર થઈને આવ્યા હતા
13 ડિસેમ્બર 2001ની સવારે સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. તે દિવસે મોટાભાગના સાંસદો સંસદમાં હાજર હતા અને કોફિન કૌભાંડને લઈને સંસદના બંને ગૃહોમાં સભ્યો દ્વારા હોબાળો થઈ રહ્યો હતો. ત્યારબાદ લગભગ 11.29 વાગ્યે એક સફેદ એમ્બેસેડર કાર ઝડપથી સંસદ ભવન તરફ આવી અને મુખ્ય પ્રવેશદ્વાર પર બેરિકેડ તોડીને અંદર પ્રવેશી. તમને જણાવી દઈએ કે સફેદ રંગની એમ્બેસેડર કાર પર ગૃહ મંત્રાલયનું સ્ટીકર પણ લગાવવામાં આવ્યું હતું.
સંસદ પરિસર 45 મિનિટ સુધી ગોળીબારના અવાજથી ગુંજી ઉઠ્યું હતું
સફેદ એમ્બેસેડર કારમાં સવાર જૈશના પાંચ આતંકવાદીઓએ એકે-47થી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીબારનો અવાજ સાંભળીને સંસદ પરિસરમાં હાજર સુરક્ષાદળો તૈયાર થઈ ગયા. ઉતાવળમાં સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ચાર્જ સંભાળી લીધો અને સંસદના પ્રવેશદ્વારને બંધ કરી દીધો. લગભગ 45 મિનિટ સુધી સંસદમાં ગોળીબારનો અવાજ સંભળાયો. સામ-સામે અથડામણમાં સુરક્ષા દળોએ તમામ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જોકે, આ હુમલામાં દિલ્હી પોલીસના પાંચ જવાન, CRPFની એક મહિલા કોન્સ્ટેબલ અને સંસદના બે ગાર્ડ સહિત કુલ 9 લોકો શહીદ થયા હતા.
હુમલા સમયે પીએમ અટલ બિહારી તેમના નિવાસસ્થાને જવા રવાના થઈ ગયા હતા
તમને જણાવી દઈએ કે જ્યારે સંસદ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન મોટાભાગના સાંસદો ગૃહમાં હાજર હતા. જ્યારે હંગામાને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. જેના કારણે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને લોકસભામાં વિપક્ષના નેતા સોનિયા ગાંધી હુમલા પહેલા તેમના નિવાસસ્થાને જવા રવાના થઈ ગયા હતા. જો કે હુમલા સમયે તત્કાલિન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી સંસદભવનમાં જ હાજર હતા.
અફઝલ ગુરુ સંસદ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
ઉલ્લેખનીય છે કે સંસદ ભવન પર આ હુમલાનું કાવતરું અફઝલ ગુરુએ ઘડ્યું હતું. જે બાદ દિલ્હી પોલીસે સંસદ હુમલાના મુખ્ય આરોપી અફઝલ ગુરુની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેણે પાકિસ્તાનમાં આતંકી ટ્રેનિંગ પણ લીધી હતી. જણાવી દઈએ કે વર્ષ 2002માં દિલ્હી હાઈકોર્ટ અને વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી. 9 ફેબ્રુઆરી 2013ની સવારે દિલ્હીની તિહાર જેલમાં અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી.