અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વાહનોના પાર્કિંગ માટે 70 જેટલા પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 17 પાર્કિંગ પ્લોટ સહિત શહેરમાં 70 પ્લોટ વાહનોના પાર્કિંગ માટે ઉપલબ્ધ કરાયા છે અને આ પ્લોટોમાં 19,029 ટુ વ્હીલ૨ અને 4,515 ફોર વ્હીલરના પાર્કિંગ માટે સુવિધા ઉભી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
શહેરીજનોને વાહન પાર્ક કરવામાં મુશ્કેલી સર્જાતી
ટાઉન પ્લાનિંગ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં રોજબરોજ વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં વાહનોના પાર્કિંગ માટે સમસ્યા જોવા મળે છે. શહેરમાં ખરીદી કરવા, હોટલ- રેસ્ટોરેન્ટમાં જમવા સહિત અન્ય કારણોસર ફેમિલી સાથે વાહનો લઈને નીકળતા શહેરીજનોને વાહન પાર્ક કરવામાં મુશ્કેલી સર્જાતી હોય છે.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં 70 પ્લોટ વાહન પાર્કિંગ પ્લોટ
શહેરમાં વાહન પાર્કિંગ માટે નાગરિકોની સગવડતા અને સરળતા હેતુસર મ્યુનિ. દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 70 પ્લોટ વાહન પાર્કિંગ માટે નક્કી કરવામાં આવ્યા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 17 પ્લોટમાં 2,773 ટુ-વ્હીલર અને 939 ફોર- વ્હીલર, મધ્ય ઝોનમાં 14 પ્લોટમાં 1,955 ટુ-વ્હીલર અને 415 ફોર- વ્હીલર, પૂર્વ ઝોનમાં 14 પ્લોટમાં 4,52 ટુ-વ્હીલર અને 575 ફોર- વ્હીલર, ઉત્તર ઝોનમાં 3 પ્લોટમાં 3,000 ટુ- વ્હીલર, દક્ષિણ ઝોનમાં 9 પ્લોટમાં 2,694 ટુ-વ્હીલર અને 1,146 ફોર- વ્હીલર, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 10 પ્લોટમાં 3,142 ટુ-વ્હીલર અને 913 ફોર- વ્હીલર,દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં 3 પ્લોટમાં 1,883 ટુ-વ્હીલર અને 527 ફોર- વ્હીલર માટે પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે.