પેરિસ પેરાલિમ્પિક્સની શાનદાર શરૂઆત, ભારત સહિત 167 દેશો સામેલ; ખેલાડીઓમાં ઉત્સાહ
- ઓપનિંગ સેરેમનીમાં ભારતીય જેવલીન થ્રોઅર સુમિત અંતિલ અને શોટપુટ ખેલાડી ભાગ્યશ્રી જાધવ સંયુક્ત ધ્વજવાહક રહ્યા
પેરિસ, 29 ઓગસ્ટ: ફ્રાન્સની રાજધાની પેરિસમાં પેરાલિમ્પિક્સ 2024ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. ઓપનિંગ સેરેમનીની પરેડ દરમિયાન ભારત સહિત 167 દેશોના ખેલાડીઓએ જબરદસ્ત ઉત્સાહ દર્શાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત ઉદ્ઘાટન સમારોહ સ્ટેડિયમની બહાર ચેંપ્સ એલિસીસ અને પ્લેસ ડે લા કોનકોર્ડ પર યોજાયો હતો. ભારતીય જેવલીન થ્રોઅર સુમિત અંતિલ (F64) અને શોટપુટ ખેલાડી ભાગ્યશ્રી જાધવ (F34) સંયુક્ત ધ્વજવાહક હતા.
If you’re watching this, it’s your sign to:
Send in your wishes for #TeamIndia 🇮🇳 competing at #Paralympics Games Paris 2024 ⚡️ pic.twitter.com/BUrXNliCsd
— Doordarshan Sports (@ddsportschannel) August 28, 2024
ઓપનિંગ સેરેમનીમાં 167 દેશોની પરેડ
ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દેવેન્દ્ર ઝાઝરિયાએ જણાવ્યું હતું કે, 29 ઓગસ્ટે સ્પર્ધાઓને કારણે 32 ખેલાડીઓએ ઓપનિંગ સેરેમનીમાં ભાગ લીધો ન હતો. 167 દેશોમાંથી ભારતીય ટીમના 106 સભ્યોએ પરેડમાં ભાગ લીધો હતો. જેમાં 52 ખેલાડીઓ અને 54 અધિકારીઓ સામેલ હતા.
ભારતીય ટીમમાં કુલ 179 સભ્યો સામેલ
ભારતની 84 સભ્યોની ટીમ પેરિસ પેરાલિમ્પિકમાં ભાગ લેશે જેમાં 95 અધિકારીઓ પણ તેમની સાથે છે. આમાં વ્યક્તિગત કોચ અને સહાયકોનો પણ સમાવેશ થાય છે જેઓ ખેલાડીઓની વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમની સાથે હોય છે. આ રીતે, ભારતીય ટીમમાં કુલ 179 સભ્યોનો સમાવેશ થાય છે. આ 95 અધિકારીઓમાંથી 77 ટીમ અધિકારીઓ, 9 ટીમ મેડિકલ ઓફિસર અને 9 અન્ય ટીમ અધિકારીઓ છે.
ભારતીય ટીમ રેકોર્ડ મેડલ લાવે તેવી આશા
ભારતે 2021માં ટોક્યો પેરાલિમ્પિક્સમાં પાંચ ગોલ્ડ સહિત વિક્રમી 19 મેડલ જીત્યા હતા અને એકંદર રેન્કિંગમાં 24મું સ્થાન મેળવ્યું હતું. ત્રણ વર્ષ પછી, ભારતનું લક્ષ્ય ગોલ્ડ મેડલની સંખ્યાને બે આંકડામાં લઈ જવા અને કુલ 25થી વધુ ચંદ્રકો જીતવાનું છે. ભારત આ વખતે 12 રમતોમાં ભાગ લઈ રહ્યું છે, જ્યારે ટોક્યોમાં 54 સભ્યોની ટીમે નવ રમતોમાં ભાગ લીધો હતો.
પેરિસમાં પેરાલિમ્પિક્સની ઓપનિંગ સેરેમની
ઉદઘાટન સમારોહ 28 ઓગસ્ટના રોજ સ્થાનિક સમય અનુસાર લગભગ 8 વાગ્યે શરૂ થયો હતો. બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી 167 ભાગ લેનાર દેશોની પરેડ બાદ પેરાલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીના પ્રમુખ ટોની ઈસ્ટાનગુએટે તમામ દેશોને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, પડકારો હોવા છતાં પેરાલિમ્પિક ગેમ્સની શરૂઆત અને મોટી સંખ્યામાં એથ્લિટ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. ક્યારેય હાર ન માનો. તેણે 4400થી વધુ ખેલાડીઓને સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ ગણાવ્યા.
ફ્રાન્સના પ્રમુખે ઔપચારિક રીતે ગેમ્સ શરૂ થવાની જાહેરાત કરી
ઉદ્ઘાટન સમારોહમાં બોલતા, આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિના વડા એન્ડ્રુ પાર્સન્સે જણાવ્યું હતું કે, પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા 4,400થી વધુ એથ્લિટ વિશ્વના 1.3 અબજ વિકલાંગ લોકોના પ્રતિનિધિ છે. તેમણે કહ્યું કે પેરિસ પહોંચેલા 167 દેશોના ખેલાડીઓની ભાવના એ હકીકતનું ઉદાહરણ છે કે વૈશ્વિક શક્તિઓ વચ્ચેના સંઘર્ષના આ યુગમાં પણ રમતગમતમાં દરેકને જોડે રાખવાની ક્ષમતા છે. પાર્સન્સે કહ્યું કે પેરિસ સમગ્ર વિશ્વને સંદેશ આપશે કે દરેકને સમાન અને સમાવિષ્ટ સમાજમાં સંપૂર્ણ સન્માન અને અધિકારો સાથે જીવવાનો અધિકાર છે. સમારોહના અંતે, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પેરાલિમ્પિક ગેમ્સની શરૂઆતની ઔપચારિક જાહેરાત કરી.
આ પણ જૂઓ: નેશનલ સ્પોર્ટ્સ ડેઃ ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ 20 વર્ષમાં 141 ગણું વધીને ₹352 કરોડ થયું