પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરાએ લીધો મોટો નિર્ણય, ભારત પરત ફર્યા નહીં
- અરશદ નદીમે 92.97 મીટરના રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ તો નીરજ ચોપરાએ 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો
નવી દિલ્હી, 13 ઓગસ્ટ: નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાના ટાઈટલનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. 8મી ઓગસ્ટની રાત્રે યોજાયેલી જેવલિન થ્રોની ફાઇનલમાં અરશદ નદીમે 92.97 મીટરના રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે નીરજ ચોપરાએ 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચ બાદ નીરજે ખુલાસો કર્યો હતો કે, તે જંઘામૂળની ઈજા સાથે મેચમાં ભાગ લઈ રહ્યો હતો અને હવે તેને સર્જરીની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં ઓલિમ્પિક સમાપ્ત થતાની સાથે જ નીરજ ચોપરાએ મોટો નિર્ણય લીધો છે.
નીરજ ચોપરાએ લીધો નિર્ણય
પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતીને નીરજ ચોપરા જર્મની જવા રવાના થઈ ગયો છે. અહેવાલો અનુસાર, તે સર્જરી સંબંધિત તબીબી સલાહ લેવા અને આગામી ડાયમંડ લીગ સ્પર્ધાઓમાં ભાગ લેવો કે નહીં તે નક્કી કરવા જર્મની ગયો છે. આ ઈવેન્ટ પહેલા નીરજને જાંઘની અંદરના સ્નાયુમાં તકલીફ થઈ રહી હતી. મેચ બાદ મીડિયા સાથે વાત કરતા તેણે ખુલાસો કર્યો હતો કે, તે જલ્દી ડોક્ટર પાસે જશે કારણ કે તેને સર્જરીની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં તેણે મેદાનથી દૂર રહેવું પડશે. તે થોડા સમય માટે કોઈપણ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં.
નીરજના પારિવારિક સૂત્રએ જણાવ્યું કે, તે જર્મની જવા રવાના થયો છે અને તે ઓછામાં ઓછા એક મહિના સુધી ભારત પરત ફરે તેવી શક્યતા નથી. પેરિસમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે, નીરજ ચોપરા જર્મની જવા રવાના થયો છે. નીરજે અગાઉ પણ પોતાની ઈજા માટે જર્મનીમાં ડોક્ટરની સલાહ લીધી હતી. આવી સ્થિતિમાં હવે તેના માટે 14 સપ્ટેમ્બરે બેલ્જિયમના બ્રસેલ્સમાં યોજાનારી ડાયમંડ લીગની ફાઇનલમાં રમવું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.
ટોપ-3 ડોકટરો કરી શકે છે સર્જરી
રિપોર્ટ્સ મુજબ, જરૂર પડ્યે ટોપ-3 ડોકટરો નીરજ ચોપરાની સર્જરી કરી શકે છે. જોકે, અંતિમ નિર્ણય નીરજે જ લેવાનો છે. નીરજે પોતે કહ્યું હતું કે, ‘હું મારી ટીમ સાથે વાત કરીશ અને તે મુજબ નિર્ણય લઈશ. મારા શરીરની હાલની સ્થિતિ આવી હોવા છતાં હું મારી જાતને આગળ વધારું છું. મારામાં હજુ ઘણું બાકી છે અને મારે તેના માટે મારી જાતને ફિટ રાખવી પડશે. નીરજ ચોપરા છેલ્લા ઘણા સમયથી ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ઈજાના કારણે તેણે ઓલિમ્પિક પહેલા યોજાનારી પેરિસ ડાયમંડ લીગમાંથી પોતાનું નામ પણ પાછું ખેંચી લીધું હતું. આ પહેલા તેણે ઓસ્ટ્રાવા ટુર્નામેન્ટમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
આ પણ જૂઓ: ચાર સેકન્ડનો તફાવત અને અમેરિકી ખેલાડીએ મેળવેલો ચંદ્રક ગુમાવ્યોઃ જાણો ઓલિમ્પિકની વધુ એક ગાથા