Paris Olympics: પહેલા અમિત રોહિદાસ અને હવે વિનેશ ફોગાટ, ભારતીય ખેલાડીઓને જાણી જોઈને નિશાન બનાવવાનો આરોપ
નવી દિલ્હી, 07 ઓગસ્ટ: પેરિસ ઓલિમ્પિકમાં 7 ઓગસ્ટની તારીખ ભારત માટે ખરાબ સમાચાર લઈને આવી હતી. ગોલ્ડ મેડલની દાવેદાર મહિલા રેસલર વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવામાં આવી હતી જેના કારણે તે મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ પહેલા વિનેશે ક્યુબાના કુસ્તીબાજને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. પરંતુ તે ગોલ્ડ મેડલ મેચમાં પ્રવેશ કરે તે પહેલા જ વિનેશનું ભારત માટે ગોલ્ડ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. એક દિવસ પહેલા, વિનેશે ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બનીને ઇતિહાસ રચ્યો હતો. સવાર સુધી એવું લાગતું હતું કે તે ઓછામાં ઓછો સિલ્વર મેડલ મેળવશે પરંતુ હવે તે કોઈ મેડલ વિના પરત ફરશે.
આ વખતે વિનેશ 50 કિગ્રા વજન વર્ગમાં ભાગ લઈ રહી હતી પરંતુ તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ સમાચાર સામે આવતાની સાથે જ વિનેશ જ નહીં પરંતુ તે 140 કરોડ ભારતીયોના દિલ તૂટી ગયા જેઓ પોતાના રેસલર પાસેથી ગોલ્ડ મેડલની આશા રાખતા હતા.
ભારતીય બોક્સર પર ષડયંત્રનો આરોપ
દરમિયાન, ભારતના દિગ્ગજ બોક્સર વિજેન્દર સિંહે આરોપ લગાવ્યો છે કે કુસ્તીબાજ વિનેશ ફોગટને ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવું પણ એક ષડયંત્ર હોઈ શકે છે. વિજેન્દર સિંહે જણાવ્યું કે વિનેશ જેવા ચુનંદા ખેલાડીઓ મોટી ટુર્નામેન્ટ પહેલા વજન ઘટાડવાની ટેકનિક જાણે છે. ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતના પ્રથમ અને એકમાત્ર બોક્સર વિજેન્દરે કહ્યું કે તે આશ્ચર્યજનક છે કે ઓલિમ્પિક ફાઈનલ પહેલા વિનેશ (50 કિગ્રા)નું વજન માત્ર 100 ગ્રામ વધુ હતું.
વિજેન્દરનું આ નિવેદન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારતીય ટીમ પર અન્યાયના આક્ષેપો થવા લાગ્યા છે. વાસ્તવમાં, અગાઉ ભારતીય હોકી ટીમને ક્વાર્ટર ફાઇનલમાં નાની ભૂલની ભારે સજા આપવામાં આવી હતી. ત્યારબાદ ઘણા લોકોએ ઓલિમ્પિક અધિકારીઓ પર ભારતીય હોકી ટીમને જાણીજોઈને કઠોર સજા આપવાનો આરોપ લગાવ્યો હતો.
અમિત રોહિદાસને 1 મેચનો પ્રતિબંધ
ગ્રેટ બ્રિટન સામેની હોકીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતીય ડિફેન્ડર અમિત રોહિદાસની હોકી સ્ટિક વિપક્ષી ટીમના ખેલાડીએ વાગી હતી, જે બાદ રેફરીએ અમિત રોહિદાસને 10 મિનિટ માટે રમતમાંથી પ્રતિબંધિત કરવાની જગ્યાએ , તેને સમગ્ર મેચમાંથી બહાર રાખ્યો હતો. જો કે તેમ છતાં ગોલકીપર પીઆર શ્રીજેશના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી.
આ પછી, જ્યારે ભારતે અમિત રોહિદાસને સજાના નિર્ણય સામે અપીલ કરી, ત્યારે ભારતીય ડિફેન્ડર પર આગામી મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એટલું જ નહીં ભારતીય બોક્સર નિશાંત દેવને ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં પરાજય જાહેર કરવામાં આવ્યો હતો. આખી મેચ દરમિયાન નિશાંત વિપક્ષી બોક્સરને પછાડતો જોવા મળ્યો હતો પરંતુ જ્યારે પરિણામ આવ્યું તો બધા ચોંકી ગયા. ભારતીય બોક્સરને પરાજિત જાહેર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય ચાહકો ઓલિમ્પિક અધિકારીઓ પર ભારતીય ખેલાડીઓને જાણી જોઈને નિશાન બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે.
આ પણ જૂઓ: #Heartbreaking વિનેશ ઓલિમ્પિકમાંથી બહાર થતા રડ્યાં કરોડો દિલ, સોશિયલ મીડિયા પર લોકોનું દુ:ખ છલકાયું