ગુજરાત

તલોદમાં સસરાના અડપલાંથી કંટાળીને પરિણીતાનો આપઘાત; સ્યૂસાઇડ નોટ મળી આવી

Text To Speech

હિંમતનગરઃ તલોદમાં 26 વર્ષીય પરિણીતાએ નઠારા સસરાની હરકતો અને અડપલાથી ત્રાસી જઈ શનિવારે સાંજે ઘરમાં જ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અન આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, પ્રભુલાલ ભંવરલાલમની દીકરી સુનીતાબેન ઉર્ફે સરિતાબેનના લગ્ન તલોદમાં રહેતા ધર્મેન્દ્રકુમાર લખારા સાથે થયા હતા અને તેમને એક ચાર વર્ષની અને બીજી પાંચ માસની દીકરી હતી. સુનીતાબેન અવારનવાર તેમના માતા પિતાને ફરિયાદ કરતા હતા કે, તેમના સસરા ખરાબ નજરે જુએ છે અને કંઈક કહેવા જાય તો ઝઘડો કરે છે. ત્યારે આવા વર્તનને લીધે કંટાળીને પરિણીતા પિયર ચાલીગઈ હતી. ત્યારે પરિણીતાના માતા-પિતાએ વેવાઈ મીઠાલાલ આવ્યા ત્યારે તેમને પણ સમજાવ્યા હતા કે, અમારી દીકરીની ભૂલ-વાંક હોય તો અમને જણાવજો તેને અમે સમજાવીશું. તમે તેને ત્રાસ ન આપશો.

મૃતકના કપડામાંથી સ્યુસાઇડ નોટ મળી
ત્યારબાદ જમાઈ ધર્મેન્દ્રકુમારે ફોન કરીને સુનીતાબેને (ઉ.વ. 26) સ્યુસાઈડ કર્યાની જાણ કરતા રૂબરૂ તલોદ દોડી આવ્યા હતા. જેમાં મૃતકના કપડામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી અને હિન્દીમાં લખેલી સ્યુસાઇડ નોટમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું કે, સસરા મીઠાલાલ અવારનવાર ખરાબ નજરથી જોતા હતા અને શારીરિક અડપલા કરતા હતા. ત્યારે તેમને વશ ન થતા ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા.

પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી
સ્યુસાઇડ નોટના આધારે મૃતકના પિતા પ્રભુલાલે ફરિયાદ નોંધાવતાં તલોદ પોલીસે સસરા મીઠાલાલ મીયારામ લખારા વિરૂદ્વ મરવા સુધીનું દુષ્પ્રેરણા કરવા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 26 વર્ષીય પરિણીતાના મોતનું કારણ બહાર આવતા લોકોએ સસરા પર ફિટકાર વરસાવ્યો હતો.

Back to top button