કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

રાજકોટ પત્રિકા કાંડની તપાસમાં પરેશ ધાનાણીના ભાઈનું નામ ખૂલ્યું, ગમે ત્યારે ધરપકડ થઈ શકે

રાજકોટ, 5 મે 2024, લેઉવા પટેલને સંબોધીને ફરતી કરાયેલી પત્રિકાના મામલામાં પોલીસે પાંચ શખ્સની ધરપકડ કર્યા બાદ તપાસ કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીના ભાઇ તરફ ફંટાઇ હોવાના નિર્દેશો મળી રહ્યા છે. ગુરુવારે રાત્રે એક પત્રિકા ફરતી થઇ હતી જેમાં જાગો લે‌ઉવા પટેલ જાગો તેવું લખાયું હતું અને તેમાં લેઉવા પટેલને અન્યાય થઇ રહ્યાની વાતો કરવામાં આવી હતી. આ પત્રિકા ફરતી થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે ગણતરીની કલાકોમાં જ ચાર કોંગ્રેસી પાટીદાર કાર્યકરોની ધરપકડ કરી હતી.પોલીસે આ મામલે તપાસ આગળ ધપાવી છે અને આ પત્રિકા બનાવીને તેને ફેલાવવામાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીની ભૂમિકા હોવાની શંકાઓ ઉઠતાં પોલીસે તે દિશામાં તપાસ આગળ ધપાવી છે. આ મામલે આગામી કલાકોમાં મોટા ધડાકા થાય તેવા પણ એંધાણ વર્તાઇ રહ્યા છે.

ભાજપ દ્વારા CCTV ફુટેજ જાહેર કરવામાં આવ્યા
રાજકોટમાં જાગો લેઉવા જાગો પત્રિકા મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. લેઉવા પાટીદાર સમાજની પત્રિકાનો મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીનાં ભાઈની ભૂમિકા ખુલતા કોંગ્રેસ અને પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. શરદ ધાનાણીને પકડવા શહેર પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પત્રિકા વહેંચાણ અંગે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ કાર્યવાહી આગળ વધારાઈ છે. ત્યારે લેઉવા પટેલ સંદર્ભે પત્રિકા કાંડ મામલે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે.
રાજકોટ-લેઉવા પાટીદારની પત્રિકા વાયરલ કરવાનો મામલે ગઈકાલે ભાજપ દ્વારા CCTV ફુટેજ જાહેર કરવામાં આવ્યા હતા.

CCTV ફુટેજમાં યુવકો ઘરે ઘરે પત્રિકા વિતરણ કરતા નજરે પડ્યા
ભાજપના વોર્ડ નંબર 11 પ્રમુખ મહેશ પીપળીયાએ CCTV ફુટેજ જાહેર કર્યા હતા. CCTV ફુટેજમાં યુવકો ઘરે ઘરે પત્રિકા વિતરણ કરતા નજરે પડ્યા હતા. વોર્ડ નંબર 11 ના ભાજપ પ્રમુખ મહેશ પીપળીયાએ જણાવ્યું કે, ફરિયાદ કરી તે પહેલા ચાર શખ્સો મવડી વિસ્તારમાં પત્રિકા વિતરણ કરતા પકડાયા હતા. આજીજી કરી એટલે જવા દીધા હતા. પકડાયેલા તમામ શખ્સો કોંગ્રેસના કાર્યકર છે. બીજા દિવસે પણ ફરી પત્રિકા વિતરણ કરતા નછુટકે ફરિયાદ કરવી પડી. કોંગ્રેસ વયમનસ્ય પેદા કરવા માટે લેઉવા પાટીદારના યુવકોનો ઉપયોગ કરે છે. આ પહેલા 4 કોંગ્રેસ કાર્યકર પાટીદાર યુવાનોની ધરપકડ થઈ ચૂકી છે. પત્રિકાકાંડ મુદ્દે વર્તમાન સાંસદ મોહન કુંડરિયાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ સમાજમાં વયમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરે છે. મગની બે ફાડની જેમ સમાજ છે. ખોટી રીતે સમાજના ભાગલા પાડવાનું કામ કોંગ્રેસના ઉમેદવારના ભાઈએ કર્યું છે.

આ પણ વાંચોઃરવિવારે સાંજે ચૂંટણીનો પ્રચાર પડધમ શાંત થશે, જાણો મતદારો માટે કેવી સુવિધા ઉભી કરાઈ

Back to top button