પરેશ ધાનાણીએ સાયકલ પર ગેસનો બાટલો મૂકીને મતદાન કરવા પહોંચ્યા, મોંઘવારીનો પ્રતિકાત્મક વિરોધ કર્યો


અમરેલીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મોંઘવારીના વિરોધમાં અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પ્રતિકાત્મક રીતે પોતાનો વિરોધ દાખવ્યો હતો. પરેશ ધાનાણીએ સાયકલ પર સિલિન્ડરનો બાટલો મુકીને મતદાન કરવા પહોંચ્યા હતા. ગેસના બાટલા અને પેટ્રોલના ભાવ વધતા કોંગ્રેસના ઉમેદવારે લોકોને મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણીની મોટી દીકરી પહેલીવાર મતદાન કરી રહી છે. તે પણ સાયકલ પર તેલનો ડબ્બો લઇને પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કરવા પહોંચી હતી. આ સાથે તેમના પરેશ ધાનાણીના માતા-પિતા, પત્ની, અને ભાઇ પણ મતદાન કરવા પહોંચ્યા હતા.
અમરેલી બેઠક પરેશ ધાનાણીનો ગઢ ગણાય છે. અગાઉ દિલીપ સંઘાણી, પરષોત્તમ રૂપાલા અને બાવકુ ઉંધાડ જેવા મોટા ગજાના નેતાઓને તેઓ હરાવી ચૂક્યા છે પરંતુ આ વખતે તેમના માટે સ્થિતિ આસાન નથી. અહીં ભાજપના જિલ્લા પ્રમુખ અને યુવા ઉમેદવાર કૌશિક વેકરિયાની સ્વચ્છ છબી સામે ધાનાણીને એકધારી ત્રણ ટર્મનો થાકોડો અનુભવાતો હોવાનું જણાય છે.