ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

વાલીઓ ઘરે રાહ જોતા હતાં અને મેડમે કહ્યું, અકસ્માત થયો છે બાળકો હોસ્પિટલમાં છે

Text To Speech

વડોદરા, 18 જાન્યુઆરી 2024, શહેરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 12 લોકોના મૃત્યુ થયા છે. જેમાં બે શિક્ષક અને 10 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 13 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. બીજી બાજુ મૃતક બાળકોની માતાઓનો કલ્પાંત અને પરિવારજનોનું હૈયાફાટ રૂદન રૂંવાડા ખડા કરી રહ્યું છે.

વાલીઓ રાહ જોતા હતા અને અકસ્માતના સમાચારો આવ્યા
એક બાળકની માતાએ રડતા રડતાં મીડિયા સમક્ષ નિવેદન આપતાં કહ્યું હતું કે, મેડમે કહ્યું કે અકસ્માત થયો છે અને બાળકો જાનવી હોસ્પિટલમાં છે. બાળકોને થોડી થોડી ઈજાઓ પહોંચી છે. માતાનો આક્ષેપ છે કે ત્યારે મેડમ જૂઠ્ઠૂ બોલ્યા હતાં. અમે લોકો દોઢ કલાકથી રાહ જોતા હતાં. બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીની માતા નિરાલીબેન માછીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાંથી સવારે 8 વાગ્યે હરણી વોટર પાર્ક અને તળાવ ખાતે પિકનિક લઈ ગયા હતા. ઘરે આવવાની રાહ જોતા હતાં અને આ અકસ્માતના સમાચારો આવ્યાં.

મેડમે બૂમો પાડી અને ગેરેજ પાસે બેઠેલા લોકો દોડ્યા
આ ઘટનામાં બચાવકાર્ય કરનારે મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટના બની ત્યારે મેડમોએ બુમો પાડી એટલે અમે અહીં દોડતા આવ્યા હતા. ત્યાં મેડમોએ કહ્યું કે, બોટ ઊંધી પડેલી છે. અમે ગ્રીલ કૂદીને અંદર જ કૂદકો માર્યો અને 4 જેવા છોકરાઓને તુરંત જ બહાર કાઢ્યા. એક મેડમ પણ ડૂબતા નજરે પડ્યા હતા. એક છોકરાને તો કાદવમાંથી બહાર કાઢ્યો. આ તમામ શ્વાસ લેતા હતા. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેમાં આ લોકોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા.

આ પણ વાંચોઃ1993માં વડોદરાના સુરસાગર તળાવમાં બોટ પલ્ટી જતાં 22 લોકોના મૃત્યુ થયા હતાં

Back to top button