નેતાજી સુભાષ ચંદ્ર બોઝ: એક મહાન પુરુષની કહાની, જેમણે ભારતની આઝાદી માટે અસાધારણ બલિદાન આપ્યા

આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ છે. આ દિવસને ભારત સરકાર પરાક્રમ દિવસ તરીકે ઉજવે છે. આ વખતે મુખ્ય ઉજવણી અંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સ (શ્રી વિજય પુરમ)માં થઈ રહી છે, જ્યાં નેતાજીએ આઝાદ હિંદ ફૌજનો પ્રથમ ઝંડો ફરકાવ્યો હતો. દેશભરમાં 13થી વધુ ઐતિહાસિક સ્થળોએ વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેથી યુવાનોમાં નેતાજીના પરાક્રમ, ત્યાગ અને દેશભક્તિની પ્રેરણા જાગૃત થાય.
સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ કટક (તત્કાલીન ઓરિસ્સા, હવે ઓડિશા)માં એક સમૃદ્ધ બંગાળી કાયદાદાન પરિવારમાં થયો. પિતા જાનકીનાથ બોઝ પ્રખ્યાત વકીલ હતા અને માતા પ્રભાવતી દેવી ધાર્મિક અને સંસ્કારી મહિલા. 14 ભાઈ-બહેનોમાં સુભાષ નવમા સંતાન હતા. બાળપણથી જ તેઓ અત્યંત હોશિયાર અને સ્વાભિમાની હતા. સુભાષચન્દ્ર બોસ પ્રેસિડન્સી કોલેજ, કલકત્તામાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે 1916માં બ્રિટિશ પ્રોફેસર E. F. Oatenના ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યેના અપમાનજનક વર્તન સામે વિરોધ કર્યો હતો. આ ઘટનાના પરિણામે તેમને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી 1919માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. પિતાની ઈચ્છાથી ઈંગ્લેન્ડ જઈને ICS (ઇન્ડિયન સિવિલ સર્વિસ)ની પરીક્ષા આપી અને પાસ થયા (1920માં) પણ બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાં નોકરી કરવાનું મન ન થયું. તેમણે બ્રિટિશ શાસન હેઠળ વિશેષાધિકૃત કારકિર્દીને બદલે સ્વતંત્રતા ચળવળનો અનિશ્ચિત માર્ગ પસંદ કર્યો અને 1921માં તેમણે ICS છોડી દીધી અને ભારત પરત ફરીને આઝાદીની લડાઈમાં કૂદી પડ્યા. આ નિર્ણય તેમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો.
રાજકીય સફર
1921માં દેશ પરત ફર્યા પછી બોસ દેશબંધુ ચિત્તરંજન દાસના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસમાં જોડાયા. ત્યારબાદ બોસ બંગાળમાં ખૂબ લોકપ્રિય થયા, ખાસ કરીને યુવાનોમાં. તેઓ 1938 (હરિપુરા) અને 1939 (ત્રિપુરી) માં કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા પણ ગાંધીજી સાથે વિચારધારાના મતભેદો (અહિંસા vs સશસ્ત્ર સંઘર્ષ)ને કારણે રાજીનામું આપ્યું. એ વખતે મહાત્મા ગાંધી અને અન્ય લોકોએ અહિંસા પર ભાર મૂક્યો, જ્યારે બોઝ માનતા હતા કે સ્વતંત્રતા માટે તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે. આ મતભેદોને કારણે તેમણે કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેમણે આઝાદીની લડાઈ વધુ આક્રમક બને તે ઉદ્દેશથી ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી અને બ્રિટિશરોના વિરોધમાં આક્રમક આંદોલન ચલાવ્યું.
હાઉસ અરેસ્ટ
બીજા વિશ્વયુદ્ધની શરૂઆત (સપ્ટેમ્બર 1939) પછી બ્રિટિશરોએ ભારતમાં કડક કાયદા લાગુ કર્યા. નેતાજીએ કલકત્તામાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો કર્યા પરિણામે બ્રિટિશ સરકારે તેમને અનેક વખત જેલમાં પૂર્યા. જુલાઈ 1940માં તેમને કલકત્તામાંથી અલગ-અલગ જગ્યાએ ટ્રાન્સફર કર્યા. છેવટે 5 ડિસેમ્બર 1940ના રોજ એમ્બ્યુલન્સમાં તેમને તેમના પિતાના ઘર 38/2 એલ્ગિન રોડ, કલકત્તા પર લાવીને હાઉસ અરેસ્ટમાં મૂક્યા.
આ ઘરની આસપાસ CID પોલીસ અને સિક્રેટ પોલીસની 24 કલાક ચોકી હતી. ઘરના દરવાજા-બારીઓ પર નજર રાખવામાં આવતી. નેતાજીને બહાર જવાની મનાઈ હતી, પરંતુ તેઓ ઘરમાં જ પ્રાર્થના, ગીતા વાંચન અને આઝાદીની યોજના ઘડતા રહ્યા. તેમને કોર્ટમાં રાજદ્રોહના કેસમાં હાજર થવાનું હતું (16-17 જાન્યુઆરી 1941 આસપાસ), પણ તેઓએ મેડિકલ ગ્રાઉન્ડ પર તારીખ વધારી લીધી.

નેતાજીએ આ નજરકેદમાં જ બેસીને આઝાદી માટે વિદેશમાં મદદ મેળવવાની મોટી યોજના ઘડી. તેઓએ ઘરમાં એકાંતમાં રહીને પ્રાર્થના કરી, ગીતા વાંચી અને દાઢી-મૂછ વધારી લીધી. તેમના ભત્રીજા ડો. સિસિર કુમાર બોઝ (તે વખતે 21 વર્ષના મેડિકલ સ્ટુડન્ટ) મુખ્ય મદદગાર બન્યા. અન્ય મિત્રો જેમ કે મિયાં અકબર શાહ, સત્ય રંજન બક્ષી અને મેજર સત્ય ગુપ્તાએ પણ યોજનામાં મદદ કરી. નેતાજીએ પોતાને મોહમ્મદ ઝિયાઉદ્દીન નામના પઠાણ ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે ઓળખાવ્યા – લાંબો બ્રાઉન કોટ, કાળી ફેઝ ટોપી, પહોળા પાયજામા અને ફેક દાઢી-મૂછ સાથે.
16 જાન્યુઆરી 1941ની રાત્રે આશરે 1:30 વાગ્યે નેતાજીએ ઘરમાં પોતાના રૂમને લોક કરી લીધો અને “બીમાર” હોવાનું કહીને એકાંતમાં રહેવા જણાવ્યું. સિસિર કુમાર બોઝ પોતાની બ્લેક કાર લઈને આવ્યા, પોલીસને લાગ્યું કે રૂટિન વિઝિટ છે. નેતાજી ધીમેથી સીડી ઉતર્યા, કારમાં બેઠા અને ઘરના ગેટમાંથી નીકળી ગયા. પોલીસને લાગ્યું કે ભત્રીજો આવ્યો-ગયો, કોઈને શંકા ન પડી. કાર એલ્ગિન રોડથી નીકળી, AJC બોઝ રોડ, મહાત્મા ગાંધી રોડ થઈને હાવડા બ્રિજ પાર કરી અને GT રોડ પર આગળ વધી.
આખી રાત ડ્રાઇવ કરીને તેઓ કલકત્તાથી આશરે 300 કિમી દૂર ગોમોહ રેલ્વે સ્ટેશન, ઝારખંડ પહોંચ્યા. ત્યાંથી નેતાજીએ કાલ્કા મેલ ટ્રેન પકડી અને દિલ્હી તરફ નીકળી ગયા. સિસિર પાછા ફર્યા અને ઘરે “નેતાજી બીમાર છે” એવું કહીને કેટલાક દિવસ સુધી બ્રિટિશરોને ગેરમાર્ગે દોર્યા. બ્રિટિશ પોલીસ અને ઇન્ટેલિજન્સને 26 જાન્યુઆરી 1941 સુધી ખબર જ ના પડી કે નેતાજી ભારત છોડી ગયા છે.
આ એસ્કેપને “મહાનિષ્ક્રમણ” અથવા “ગ્રેટ એસ્કેપ” કહેવાય છે. એક વ્યક્તિએ બ્રિટિશ સામ્રાજ્યને છેતરીને વિદેશમાં પહોંચીને આઝાદ હિંદ ફૌજ બનાવી. આ ઘટના આજે પણ હિંમત અને બુદ્ધિનું જીવંત ઉદાહરણ છે.
આ “ગ્રેટ એસ્કેપ” પછીની યાત્રા ખૂબ જ રોમાંચક અને જોખમભરી હતી. નેતાજીએ બ્રિટિશ ઇન્ટેલિજન્સને છેતરીને હજારો કિમીનું અંતર કાપ્યું
નેતાજીની અજીબોગરીબ સફર
ગોમોહ રેલ્વે સ્ટેશન પહોંચ્યા પછી નેતાજીએ કાલ્કા મેલ ટ્રેન પકડી અને દિલ્હી તરફ નીકળી ગયા. ત્યાંથી તેઓ ફ્રન્ટિયર મેલ પકડીને પેશાવર પહોંચ્યા. આશરે જાન્યુઆરીના અંતમાં. પેશાવરમાં તેમને મિયાં અકબર શાહ, મોહમ્મદ શાહ અને ભગત રામ તલવાર જેવા વિશ્વાસુ મિત્રો મળ્યા, જેમણે તેમને આગળની યોજના બનાવવામાં મદદ કરી. ત્યાં તેઓ આબાદ ખાનના ઘરે રહ્યા અને નવી ઓળખ તૈયાર કરી.

26 જાન્યુઆરી 1941ના રોજ નેતાજીએ બ્રિટિશ ઇન્ડિયાની નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પાર કરીને અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો. તેઓ હજુ પણ મોહમ્મદ ઝિયાઉદ્દીન (પઠાણ ઇન્સ્યોરન્સ એજન્ટ) તરીકે એળખાતા હતા. આગા ખાન તૃતીયના સમર્થકો અને જર્મન ઇન્ટેલિજન્સના લોકોએ તેમને મદદ કરી. અફઘાનિસ્તાનમાં તેઓ કાબુલ પહોંચ્યા, જ્યાં વિઝા અને ટ્રાન્ઝિટ પરમિટ મેળવવા માટે તેમને લગભગ 48 દિવસ રોકાવું પડ્યું. કાબુલમાં તેઓએ ભાષાની સમસ્યાનો સામનો કરવો પડ્યો. પશ્તો ન આવડતું હોવાથી બહેરા-મૂંગા તરીકે વર્તવું પડ્યું.
કાબુલમાંથી નેતાજીએ ઓળખ બદલી. હવે તેઓ કાઉન્ટ ઓર્લાન્ડો માઝોટ્ટા નામના ઇટાલિયન અમીર તરીકે ઇટાલિયન પાસપોર્ટ પર મુસાફરી કરવા લાગ્યા. તેઓ સોવિયેત યુનિયન (રશિયા) તરફ ગયા. સમરકંદ થઈને મોસ્કો પહોંચ્યા (આશરે 31 માર્ચ 1941). મોસ્કોમાં તેઓએ રશિયન સરકાર પાસે મદદ માંગી, પણ રશિયનોએ તેમને જર્મન એમ્બેસી તરફ મોકલી દીધા કારણ કે તેઓ જર્મની સાથે સહયોગ કરવા માંગતા હતા.
![Rare colorized pic of Netaji Subhas Chandra Bose meeting Hitler at the Reich Chancellery in Berlin. Germany [May 29, 1942] : r/IndiaSpeaks](https://preview.redd.it/rare-colorized-pic-of-netaji-subhas-chandra-bose-meeting-v0-ypifxlps9zub1.jpg?width=1080&crop=smart&auto=webp&s=4a917c95f330ea0f2e31b2aca9c42a2ae3cc5719)
છેવટે, એપ્રિલ 1941ની શરૂઆતમાં એક ખાસ કુરિયર એરક્રાફ્ટમાં નેતાજી બર્લિન પહોંચ્યા. ત્યાં તેઓએ જર્મન વિદેશ મંત્રાલયમાં પહોંચીને હિટલર અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી, ભારતની આઝાદી માટે સહયોગ માંગ્યો. ત્યાં તેમણે “ફ્રી ઇન્ડિયા સેન્ટર” ખોલ્યું અને “આઝાદ હિંદ રેડિયો” શરૂ કર્યું, જેમાંથી તેઓ ભારતીયોને બ્રિટિશ વિરોધમાં ઉભા થવા માટે પ્રેરણા આપતા રહ્યા. જર્મનીમાં તેમણે “ઇન્ડિયન લીજન” (ફ્રી ઇન્ડિયા લીજન) બનાવી – બ્રિટિશ ઇન્ડિયન આર્મીના POWs (યુદ્ધ બંદીઓ)ને ભરતી કરીને પણ હિટલર અને જર્મન લીડરશિપથી પૂરતી મદદ ન મળી. તેઓ ભારતની આઝાદીને પૂરેપૂરી સીરિયસલી નહોતા લેતા. નેતાજીને ખ્યાલ આવી ગયો કે યુદ્ધનું મુખ્ય મેદાન હવે એશિયામાં જ છે, તો તેઓએ જાપાન તરફ જવાનું નક્કી કર્યું.
1943ની શરૂઆતમાં નેતાજીએ એક અજીબોગરીબ સફર કરી. પહેલા જર્મન સબમરીનમાંથી કિલ (જર્મની)થી નીકળ્યા, મેડાગાસ્કર આસપાસ ફરીને મેડિટેરેનિયન અને એટલાન્ટિકમાંથી પસાર થયા, પછી મેડાગાસ્કર પાસે જાપાની સબમરીનમાં ટ્રાન્સફર થયા. આ સબમરીન જર્ની અડધા વિશ્વને ફરીને સિંગાપોર-જાપાન તરફ લઈ ગઈ. મે 1943માં તેઓ ટોક્યો પહોંચ્યા અને પછી જુલાઈ 1943માં સિંગાપોરમાં પહોંચીને આઝાદ હિંદ ફૌજ (INA)નું નેતૃત્વ સંભાળ્યું. ત્યાં રાશબેહારી બોઝે પહેલેથી જ INA શરૂ કરી હતી, પણ નેતાજીએ તરત જ બ્રિટિશ ઇન્ડિયન આર્મીના POWs અને સિંગાપોર-મલેશિયામાં રહેતા ભારતીયોને એકઠા કરીને INAને નવું જીવન આપ્યું. તેમણે પ્રખ્યાત નારો “ચલો દિલ્હી!” આપ્યો, જેણે INAના સૈનિકો અને લોકોમાં આઝાદીની જ્વાળા પ્રગટાવી દીધી અને આજે પણ દેશભક્તિનું પ્રતીક છે.
ઑક્ટોબર 1943માં, ખાસ કરીને 21 ઑક્ટોબર 1943ના રોજ સિંગાપોરના કેથે થિયેટરમાં નેતાજીએ આઝાદ હિંદ સરકાર (પ્રોવિઝનલ ગવર્નમેન્ટ ઑફ ફ્રી ઇન્ડિયા અથવા અર્જી હકુમત-એ-આઝાદ હિંદ)ની ઔપચારિક સ્થાપના કરી. આ સરકારને જાપાને માન્યતા આપી હતી અને નેતાજીએ પોતાને વડાપ્રધાન, યુદ્ધ મંત્રી અને વિદેશ મંત્રી સહિત અન્ય મહત્વના હોદ્દાઓ પર નિયુક્ત કર્યા. આ સરકારમાં કેબિનેટ મંત્રીઓ અને INAના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો, અને તેનું મુખ્ય કાર્યાલય સિંગાપોરમાં જ હતું. આ પહેલી વખત હતુ કે ભારતીયોએ વિદેશમાં પોતાની આઝાદ સરકાર બનાવી અને બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું.
આઝાદ હિંદ સરકારના અધિકાર હેઠળ જાપાની કબજામાં રહેલા અંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સને નેતાજીએ ભારતના પ્રથમ મુક્ત વિસ્તાર તરીકે જાહેર કર્યા. 30 ડિસેમ્બર 1943ના રોજ પોર્ટ બ્લેયરમાં નેતાજીએ તિરંગો ઝંડો ફરકાવ્યો – આ ભારતીય ધરતી પર બ્રિટિશ શાસનથી મુક્ત થયેલી જમીન પર તિરંગાનું પહેલું ઔપચારિક ફરકાવવું હતું. તેમણે આ આઇલેન્ડ્સને સ્વરાજ અને શહીદ નામ આપ્યા. આ ક્ષણ ભારતીય આઝાદીના ઇતિહાસમાં અમર થઈ ગઈ.

INAએ જાપાની આર્મી સાથે મળીને 1944માં ઇમ્ફાલ-કોહિમા બેટલમાં મોટી લડાઈ લડી. આ યુદ્ધમાં INAના સૈનિકોએ ભારતની સરહદ પર પહોંચીને બ્રિટિશ ફોર્સને ઘેરી લીધી અને થોડા સમય માટે ઇમ્ફાલ અને કોહિમા પર કબજો જમાવ્યો. પણ એર સપોર્ટની કમી, સપ્લાય લાઇન તૂટવી અને જાપાની આર્મીની મુશ્કેલીઓને કારણે INA અને જાપાનીઓને પાછા હઠવું પડ્યું. આ બેટલમાં INAએ અસાધારણ બહાદુરી દાખવી, પણ છેવટે હારી. જોકે આ લડાઈએ બ્રિટિશરોને ખ્યાલ આપ્યો કે ભારતમાં આઝાદીની ભાવના હવે અટકાવી શકાય નહીં. આ બધું નેતાજીના અદમ્ય પરાક્રમ અને દેશભક્તિનું જીવંત ઉદાહરણ છે. એક વ્યક્તિએ વિદેશમાંથી આઝાદીની સરકાર બનાવી, ફૌજ ઊભી કરી અને ભારતની ધરતી પર તિરંગો ફરકાવ્યો.
જાપાનની હાર નજીક આવતાં (ઑગસ્ટ 1945માં હિરોશિમા-નાગાસાકી પર એટમ બોમ્બ અને જાપાનની સરેન્ડર) નેતાજીએ સિંગાપોર છોડ્યું. 17 ઑગસ્ટ 1945ના રોજ તેઓ સાઇગોન (વિયેતનામ) પહોંચ્યા અને રશિયન કબજાવાળા માન્ચુરિયા તરફ જવા માટે જાપાની બોમ્બર પ્લેનમાં બેઠા, જ્યાં તેઓ સોવિયેત યુનિયન પાસેથી મદદ માંગવા માંગતા હતા. પણ 18 ઑગસ્ટ 1945ના રોજ તાઈહોકુ (તાઈપે, તાઈવાન) એરપોર્ટ પાસે પ્લેન ક્રેશ થયું. નેતાજીને બર્ન થયા અને જાપાની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.
જોકે, નેતાજીના મૃત્યુ વિશે આજે પણ ઘણી શંકાઓ છે. કેટલાક માને છે કે પ્લેન ક્રેશ નહોતું થયું. ભારત સરકારે અનેક કમિશન (શાહનવાઝ, ખોસલા, મુખર્જી) બનાવ્યા, પણ અંતિમ રિપોર્ટમાં તાઈવાન ક્રેશને સાચું માનવામાં આવ્યું.
નેતાજી એક અગ્નિ પુરુષ જેમણે એકલા હાથે બ્રિટિશ સામ્રાજ્યને હલાવી દીધું, યુવાનોને “તુમ મુઝે ખૂન દો…” કહીને જગાડ્યા અને આજે પણ પરાક્રમ દિવસ પર અમને પ્રેરણા આપે છે. તેમણે આપેલા નારા આજે પણ કરોડો ભારતીયોના દીલો પર રાજ કરે છે.
અમર શબ્દો – નેતાજીની પ્રેરણા આજે પણ
- “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા!”
- “આઝાદી કોઈ ભેટમાં મળતી નથી, તેને છીની લેવી પડે છે.”
- “એક વ્યક્તિ વિચાર માટે મરી શકે છે, પણ તે વિચાર તેના મૃત્યુ પછી હજારો જીવનમાં જીવંત થઈ જાય છે.”
- “આજે આપણે એક જ ઈચ્છા રાખવી જોઈએ – ભારત જીવે તે માટે મરવાની!”
- “જય હિંદ!” – આ નમસ્કાર આજે પણ ભારતીય સેનામાં વપરાય છે.












