પંતે દિલ્હી કેપિટલ્સ માટે લખી ભાવુક પોસ્ટ, લખનઉ સાથે કરશે નવી ઇનિંગની શરૂઆત; જૂઓ વીડિયો
- જેદ્દાહમાં યોજાયેલા IPL ઓક્શનમાં 577 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 182 ખેલાડીઓ વેચાયા
HD ન્યૂઝ ડેસ્ક, 26 નવેમ્બર: દિલ્હી કેપિટલ્સ ટીમે IPL 2025 માટે ઋષભ પંતને રિટેન કર્યો નથી. આ સિવાય તે તેમને હરાજીમાં પણ ખરીદી શક્યા નહીં. હવે ઋષભ પંતે પોતાના સોશિયલ મીડિયા પર દિલ્હીની ટીમ માટે કંઈક લખ્યું છે. IPL 2025 માટે જેદ્દાહમાં હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં કુલ 577 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જ્યાં 182 ખેલાડીઓ વેચાયા હતા. આ તમામ ખેલાડીઓમાં ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંત સૌથી મોંઘા હતા અને તેણે IPLમાં ઈતિહાસ રચ્યો હતો. ઋષભ પંત છેલ્લી સિઝન સુધી દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો, પરંતુ દિલ્હીએ તેને હરાજી પહેલા રિટેન ન કર્યો અને અંતે લખનઉ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL ઈતિહાસમાં આજ સુધી કોઈ ખેલાડીને એક સિઝન રમવા માટે આટલા પૈસા આપવામાં આવ્યા નથી. ઋષભ પંત 9 વર્ષ બાદ દિલ્હી કેપિટલ્સથી અલગ થઈ ગયો છે. દિલ્હીની ટીમ તેને હરાજીમાં ખરીદવા માંગતી હતી, પરંતુ તે લખનઉની બરાબરી કરી શકી નહીં.
જૂઓ ભાવુક પોસ્ટ
View this post on Instagram
દિલ્હી કેપિટલ્સને કહ્યું અલવિદા
ઋષભ પંત અને દિલ્હી કેપિટલ્સના ચાહકો માટે આ ઘણું મુશ્કેલ રહ્યું છે. આખરે ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સને ખૂબ જ ખાસ રીતે અલવિદા કહી દીધું છે. ઋષભ પંતે તેની આખી સફર વિશે વાત કરતાં તેના સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા ભારતીય વિકેટકીપરે લખ્યું કે, ગુડબાય કહેવું ક્યારેય સરળ નથી હોતું. દિલ્હી કેપિટલ્સ સાથેની આ સફર અદ્ભુતથી ઓછી રહી નથી. મેદાન પરના રોમાંચથી માંડીને તેની બહારની ક્ષણો સુધી, હું એવી રીતે વિકસિત થયો છું કે જેની મેં કલ્પના પણ કરી ન હતી. હું અહીં ટીનેજરના રૂપમાં આવ્યો હતો અને છેલ્લા 9 વર્ષોમાં અમે સાથે મોટા થયા છીએ.
ઋષભ પંતે તેની પોસ્ટમાં આગળ લખ્યું કે, આ જર્નીને સાર્થક બનાવનાર તમે છો, ચાહકો… તમે મને ગળે લગાવ્યો, મને પ્રોત્સાહિત કર્યો અને મારા જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાં મારી સાથે ઉભા રહ્યા. હું આગળ વધતી વખતે તમારો પ્રેમ અને સમર્થન મારા હૃદયમાં રાખું છું. જ્યારે પણ હું મેદાન પર ઉતરીશ, ત્યારે હું તમારા મનોરંજન માટે હાજર રહીશ. મારી ફેમિલી હોવા બદલ અને આ બનવા બદલ આભાર. આ જર્ની ખૂબ જ ખાસ છે.
પંત નવી ઇનિંગ્સ માટે તૈયાર
ઋષભ પંત હવે લખનઉ સુપર જાયન્ટ્સ સાથે પોતાની નવી ઇનિંગની શરૂઆત કરશે. લખનઉ સુપર જાયન્ટ્સ આ સિઝનમાં કેપ્ટનની શોધમાં હતી. જેને ઋષભ પંતે સફળ બનાવ્યો છે. પંત આ સિઝનમાં લખનઉની ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. જોકે, આ અંગે ફ્રેન્ચાઈઝી દ્વારા કંઈ જાહેર કરવામાં આવ્યું નથી. લખનઉ સુપર જાયન્ટ્સના ભૂતપૂર્વ કેપ્ટન KL રાહુલ દિલ્હી કેપિટલ્સનો ભાગ બની ગયા છે.