પંકજ ઉધાસની પહેલી કમાણી માત્ર 51 રૂપિયા હતી, આજે કરોડોની સંપત્તિ પાછળ છોડીને ગયા
મુંબઈ, 26 ફેબ્રુઆરી: ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા… સોને જૈસે બાલ’ અને ‘ચિઠ્ઠી આઈ હૈ.. આઈ હૈ ચિઠ્ઠી આઈ હૈ’, જેવા ફેમસ ગીતના ગાયક પંકજ ઉધાસ આજે આપણી વચ્ચે નથી રહ્યા. 72 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, લાંબા સમયથી તેઓ બીમાર હતા. તેમનો જન્મ 17 મે 1951ના રોજ એક ગુજરાતી મિડલ ક્લાસ ફેમિલીમાં થયો હતો. તેમના દાદા એક જમીનદાર અને ભાવનગર રાજ્યના દિવાન પણ હતા. જ્યારે તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા. જો કે, તેમના પિતાને ઈસરજા વગાડવાનો ખૂબ જ શોખ, તો માતા જીતુબેન ઉધાસે પણ ગીત ગાવામાં મહારથ હાંસલ કરી હતી. આ જ કારણ હતું કે, પંકજ ઉધાસનો સંગીત પ્રત્યેનો ઝુકાવ વધુ હતો. 51 રૂપિયાની કમાણીની શરૂઆત કરનારા પ્રખ્યાત ગાયક પંકજ ઉધાસ મહેનત કરીને કરોડોની સંપત્તિના માલિક બન્યા.
પહેલા ગીત માટે 51 રૂપિયા મળ્યા
પંકજે ક્યારેય વિચાર્યું નહોતું કે તે સિંગિંગમાં પોતાનું કરિયર બનાવશે. તે દિવસોમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. આ દરમિયાન લતા મંગેશકરનું ગીત ‘એ મેરે વતન કે લોગોં’ રિલીઝ થયું હતું. પંકજને આ ગીત ખૂબ ગમ્યું. તેમણે આ ગીત કોઈની મદદ લીધા વિના સમાન લય અને સૂર સાથે કમ્પોઝ કર્યું. એક દિવસ શાળાના પ્રિન્સિપાલને ખબર પડી કે તે ગાવામાં વધુ સારા છે, તો તેમને શાળાની પ્રાર્થના ટીમના લીડર બનાવવામાં આવ્યા.
એકવાર તેમના વિસ્તારમાં રાત્રે આરતી-ભજન પછી ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હતું. આ દિવસે પંકજની શાળાના શિક્ષકે આવીને તેમને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીત ગાવા માટે કહ્યું. પંકજે એ મેરે વતન કે લોગોં ગીત ગાયું ને બેઠેલા તમામની આંખોમાં આંસુ આવી ગયા. પંકજની આ પ્રતિભાને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી. ત્યારે પ્રેક્ષકોમાંથી એક શખ્સ ઊભો થયો અને તેમને ઈનામ તરીકે 51 રૂપિયા આપ્યા. આમ, 10 વર્ષની ઉંમરમાં તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
આજે કરોડોની સંપત્તિના માલિક છે પંકજ ઉધાસ
ખાસ વાત એ છે કે, આ તેમની સિંગિંગમાંથી પહેલી કમાણી હતી. આ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નહીં. ગીત અને ગઝલની દુનિયામાં તેમણે એક અલગ મુકામ હાંસલ કર્યું હતું. જો કે, 51 રૂપિયાથી પહેલી કમાણી કરનાર આજે 25 કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને ગયા છે. પોતાની ગાયકીથી લોકોને દિવાના બનાવનાર પંકજ ઉધાસની સંપત્તિ વિશે વાત કરીએ તો, તેઓ 25 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છોડીને ગયા છે. પંકજ ફિલ્મો તેમજ ઈવેન્ટ્સમાં ગઝલ ગાવા ઉપરાંત તેમણે યુટ્યુબ દ્વારા પણ કમાણી કરી હતી. પંકજ ઉધાસનું મુંબઈમાં એક આલીશાન ઘર છે, જે શહેરના પેડર રોડ પર છે. તેમના ઘરનું નામ હિલસાઇડ છે. તેમનું કાર કલેક્શન પણ શાનદાર છે. તેમની પાસે ઑડી અને મર્સિડીઝ જેવી મોંઘીદાટ અને લક્ઝરી કાર છે.
પંકજ ઉધાસને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા
સંગીતની દુનિયામાં પોતાની છાપ છોડનાર પંકજ ઉધાસને આ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 2006માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનાં પત્ની ફરીદા એર હોસ્ટેસ હતી, પરંતુ તેમની બંને પુત્રીઓ સંગીત સાથે જોડાયેલી છે. તેમની મોટી દીકરી, નાયાબ ઉધાસે ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ઓજસ અઢિયા સાથે લગ્ન કર્યા અને પોતાનું મ્યુઝિક બેન્ડ શરૂ કર્યું. તો બીજી દીકરી રીવા પણ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. જો કે તેઓ લાઈમલાઈટથી દૂર રહે છે.
આ પણ વાંચો: ‘ચિઠ્ઠી આઈ હે’ થી ફેમસ થયેલા ગઝલ સમ્રાટ પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન