પંચમહાલ: ક્લેક્ટરે બહાર પાડ્યું જાહેરનામુ, ખાનગી વાહનો નહીં લઈ જઈ શકો પાવાગઢ ડુંગર ઉપર
- પંચમહાલ કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું, શનિ અને રવિવારે નહીં લઈ જઈ શકો પોતાનું ખાનગી વાહન.
- શનિ-રવિના રોજ ભક્તોની ભારે ભીડ રેતાં ટ્રાફિક જામ થતું હોવાથી લેવાયો આ નિર્ણય.
- તેની સામે 20 જેટલી એસટી નિગમની બસોની સુવિધા કરી ચાલું.
ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢને લઈ પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ ડુંગર ઉપર શનિ અને રવિવારે ખાનગી વાહનો માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે. આ દિવસોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ રહેતી હોવાથી ટ્રાફિક જામ થાય છે. જેને લઈને ખાનગી વાહનોને ડુંગર પર જવાની મનાઈનો નિર્ણય કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે.
ખાનગી વાહન બંધ કરાતા તેની સામે 20 જેટલી બસોની વ્યવસ્થા કરાઈ:
તે ઉપરાંત મુસાફરોની સુવિધા માટે કલેક્ટર દ્વારા વધુ એક સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. પાવાગઢ ડુંગર પર જવા માટે એસટી નિગમની 20 જેટલી બસોની વ્યવસ્થા કરાઈ છે. માચી સુધીની અવર જવર માટે આ બસોની સુવિધા મુસાફરોને આપવામાં આવી છે. આજથી બે માસ સુધી શનિવારે અને રવિવારે ખાનગી વાહનો પાવાગઢ ડુંગર ઉપર લઈ જવાના પ્રતિબંધના જાહેરનામાનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
જીલ્લા કલેકટરે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો
ખાનગી વાહનો અને પેસેન્જરમાં હેરાફેરી કરતી ખાનગી ગાડીઓને લઈ ટ્રાફિક જામ થવાની સાથે એસટી બસ સેવા બંધ થઈ ગઈ હતી. એસટી વિભાગ દ્વારા શનિવાર અને રવિવારના દિવસે ભારે ટ્રાફિકને કારણે બે દિવસ એસટી સેવા બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવાર અને રવિવારે ખોરવાતી ટ્રાફિક વ્યવસ્થાને લઈ ઉઠેલી રજૂઆતો બાદ જીલ્લા કલેકટરે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. અને તેની સામે 20 જેટલી એસટી નિગમની બસોની સુવિધા ચાલુ કરાવી છે.
આ પણ વાંચો: Pan-Aadhaar Link : પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો આ 10 કામ નહીં કરી શકાય