ગાંધીનગર : પંચાયતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ખાતાકીય પરીક્ષાના બહિષ્કારની અપાઈ ચીમકી

પંચાયત વિભાગ સંલગ્ન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે. આ અંગે રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ અને મંત્રીઓને લેખિત રજૂઆત કરવામા આવી છે. સાથે જ તેઓએ માંગણી ન સંતોષાય તો ગાંધીનગરમાં ધરણાં કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘએ લખ્યો પત્ર
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘએ પત્રમાં જણાવ્યું છે કે મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર વિગેરેની આજદિન સુધી ખાતાકીય પરીક્ષા લેવામાં આવતી ન હતી.તેમજ ખાતાકીય તાલીમ અને અનુભવના આધારે પ્રમોશન આપવામાં આવતા હતા. ખાતાકીય પરીક્ષા રદ કરાય અથવા વિષયને દર્શિત કેડરને ખાતાકીય પરીક્ષા લેવામાં આવે તો તે પણ તેઓ આપવા તૈયાર હોવાનું જણાવ્યું છે. અને આ બાબતે અગાઉ રજૂઆત કરવા છતા તેની કોઇ નોંધ લેવામાં આવી નથી.
આ પણ વાંચો : અમદાવાદમાં રોગચાળાએ ભરડો લીધો, કનઝંક્ટીવાઈટીસની સાથે મચ્છરજન્ય રોગોમાં ભારે ઉછાળો
ખાતાકીય પરીક્ષાના બહિષ્કારની અપાઈ ચીમકી
મહાસંઘ દ્વારા ખાતાકીય પરીક્ષાના બહિષ્કારના કારણો આપાવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે અમારી કેડરના આર.આર. મુજબ ખાતાકીય પરીક્ષા આપવાની રહેતી નથી.અમારી યોગ્ય કોર્સ અને પ્રમાણપત્રને આધીન પસંદગી કરવામા આવી છે. અગાઉના જાહેરનામા મુજબ બન્ને કેડરને ક્યારેય ખાતાકીય પરીક્ષા આપવાની આવતી ન હતી. રાજ્ય સરકારે ઉચ્ચતર પગાર ધોરણના જે ઠરાવ જાહેર કર્યા છે તે અને પ્રમોશનનો લાભ ખાતાકીય પરીક્ષા લાગુ થાય તો તેનાથી વંચિત રહી જવાય તેવી સ્થિતિ સર્જાતી હોવાથી પણ આ પરીક્ષાનો બહિષ્કાર કરવામાં આવશે તેમ પત્રમાં જણાવવામાં આવ્યું છે.
12 દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ધરણા કરવાની ચીમકી
આમ અનેક વાર આ બાબતે સરકારમાં રજૂઆતો કરવા છતા આ માંગણીને ધ્યાનમાં ન લેવામા આવતા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ખાતાકીય પરીક્ષાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામા આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે જો આ બાબતે 12 દિવસમાં કોઈ નિરાકરણ અને પરીક્ષા રદ કરવામા નહી આવે તો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના 33 જીલ્લાના પંચાયત વિભાગમાં વર્ગ-3ના આરોગ્યના ચાર કેડરના કર્મચારીઓ એક દિવસની માસ સીએલ અને ધરણા કરી વિરોધ કરીશું.
આ પણ વાંચો : વલસાડ : ઔરંગા નદીએ વટાવી ભયજનક સપાટી, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ