કાલથી રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગે પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયું ઉજવાશે
રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આવતીકાલથી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયું ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદઘાટન સમારોહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય અતિથિ પદે પીડીઇયુ ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે. આ સમારોહમાં ક્લાઈમેટ ચેન્જ, પર્યાવરણ અને વન મંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં 2009માં એશિયાના પ્રથમ અલાયદા કલાઈમેન્ટ ચેન્જ વિભાગની સ્થાપના થઈ હતી
હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કલાયમેટ ચેન્જની દિશામાં ગુજરાતમાં સપ્ટેમ્બર, ૨૦૦૯માં અલાયદા કલાઈમેન્ટ ચેન્જ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. જે સમગ્ર એશિયામાં પ્રથમ અને વિશ્વમાં રાજ્ય સરકારનો ચોથો અલાયદો વિભાગ બન્યો છે. એમ ક્લાઈમેટ ચેન્જ વિભાગની યાદીમાં જણાવાયું છે. આ પખવાડિયાના પૂર્વ કાર્યક્રમના ભાગરૂપે તા. આજે ૧૬ સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ ઓઝોન દિવસ’ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે એક વિશેષ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વિવિધ કોલેજોમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન
કલાઈમેટ ચેન્જ યુવા જાગૃતિ પખવાડિયા અંતર્ગત કાલથી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ ખાતે સાયન્સ સીટી, આઈ-હબ, એએમએ, નિરમા યુનિવર્સિટી, ટાગોર હોલ, ભુજ ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટી, કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા વડનગર ખાતે સરકારી પોલીટેકનીક જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ સ્પર્ધાઓ, કાર્યક્રમો, સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પખવાડિયા દરમિયાન કોલેજ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં ક્લાઈમેટ ચેન્જ નિવારણ માટે નવીન વિચારો અંગેની સ્પર્ધામાં પુનઃપ્રાપ્ય ઉર્જા, જળ પ્રદૂષણ/સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જ માટે નાણા ભંડોળ, ઇલેક્ટ્રીક વાહન, હવા પ્રદૂષણ, ક્લાઈમેટ એક્શન, શમન, અનુકૂલન, જમીન સંરક્ષણ/માટી બચાવો પ્રાકૃતિક ખેતી, કચરા વ્યવસ્થાપન જેવા વિષયો આવરી લેવાયા છે.
ક્લાઈમેટ ચેન્જ માટે વિવિધ યોજનાઓ અમલમાં
રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા રહેણાંક મકાનો પર સોલાર રૂફટોપ, સરકારી મકાનો પર સોલર રૂફટોપ, સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ, સુધારેલી સ્મશાન ભઠ્ઠી, રિસર્ચ પ્રોજેક્ટ માટે સહાય, બેટરી સંચાલિત દ્વિ-ચક્રી તથા ત્રિ-ચક્રીય વાહનો, સોલર વોટર હિટીંગ સિસ્ટમ, એલઇડી ટ્યુબલાઈટ તથા ઉર્જા કાર્યક્ષમ પંખાઓને પ્રોત્સાહન વગેરે જેવી યોજનાઓ અમલમાં છે.