ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

દેશભરમાં આગામી ખરીફ સિઝનથી ડિજીટલ ક્રોપ સર્વેના પ્રારંભની શક્યતા

નવી દિલ્હી, 31 માર્ચ, 2025: દેશભરમાં આગામી ખરીફ સિઝનથી ડિજીટલ ક્રોપ સર્વેના પ્રારંભની શક્યતા છે કેમ કે વિવિધ કૃષિ સંબંધિત કોમોડિટીઝના રિયલ ટાઇમ ઉત્પાદનનો અંદાજ મેળવવા માટે સરકાર દરેક રાજ્યોને આગામી ખરીફ સિઝન (2025-26)માં ડિજીટલ ક્રોપ સર્વે (DCS) હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક રાખે છે. ડિજીટલ ક્રોપ સર્વે આખરે પટવારી-ગર્દાવર સિસ્ટમને બદલશે અને મોબાઇલ ઇન્ટરફેસ મારફતે સીધા ખેતરમાંથી જ વાવવામાં આવેલા પાકની વિગતો એકત્રિત કરીને સામયિક પાક ઉપજ માટે પાક વાવણી રજિસ્ટ્રી સ્થાપિત કરશે.

આ સર્વે સરકાર અને ઉદ્યોગ દ્વારા વિવિધ પાકના ઉત્પાદનમાં જે અસમતુલા ઊભી થાય છે તેને દૂર કરશે તેમ મનાય છે.  આ સર્વેમાં ઉપયોગમાં લેવાનારી ટેકનોલોજીઓમાં રિમોટ સેન્સીંગ, જિયોસ્પેશિયલ વિશ્લેષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ થાય છે જેથી પાક ઉત્પાદન ડેટા ઉત્પન્ન કરી શકાય એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આનો હેતુ સમાન ક્રોપ રજિસ્ટ્રીનુ સર્જન કરીને કૃષિ ડેટાને ટ્રાન્ડર્ડાઇઝ કરવાનો છે જેથી પાકનો પ્રકાર, વાવણીની પદ્ધતિઓ અને સિંચાઇના સ્ત્રોતો અલગ અલગ વિસ્તારમાં ક્યા છે તેનો રેકોર્ડ રાખી શકાય.

DCS અત્યાર સુધીમાં એટલે કે વર્તમાન પાક વર્ષ (2024-25)ની ખરીફ અને રવિ એમ બન્ને સિઝનમાં 15 રાજ્યોના 485 જિલ્લાઓમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સર્વમાં વિવિધ કૃષિ અને એગ્રો ક્લાઇમેટ ઝોન્સના ડેટા એકત્રીકરણ સાથે આશરે 3 લાખ ગામડાઓ આવરી લેવામાં આવ્યા છે.

ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, આસામ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં સર્વે હેઠળ ખરીફ સિઝન માટે તેમના લક્ષ્યાંકિત પ્લોટના 90%થી વધુ પૂર્ણ કર્યા છે. સર્વેક્ષણને કારણે 21 જિલ્લાઓમાં કૃષિ ક્ષેત્રોમાં નોંધપાત્ર વધારો થયો છે. એક અધિકારીએ જણાવ્યું કે સર્વેક્ષણ દરેક રાજ્યના ઓછામાં ઓછા એક જિલ્લામાં પહોંચે તે સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય છે, જેથી રાષ્ટ્રીય કૃષિ ડેટા માટે વ્યાપક પદ્ધતિ લાવી શકાય.

પરંપરાગત રીતે પટવારી-ગર્દાવર સિસ્ટમ હેઠળ રાજ્યના મહેસૂલ અધિકારીઓ પાક અને જમીનના રેકોર્ડ્સનો ડેટા જાતે જ એકત્રિત કરે છે જે માનવીય ભૂલોને કારણે પાક વિસ્તાર અને અન્ય ફાર્મ-સ્તરની માહિતીના અંદાજમાં વિકૃતિ તરફ દોરી જાય છે.

“આ મેન્યુઅલ સર્વેક્ષણોમાં કાગળ આધારિત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે પ્રક્રિયા કરવામાં ધીમી હતી અને ઘણીવાર નિર્ણય લેવામાં વિલંબ તરફ દોરી જાય છે,” એમ એક અધિકારીએ ઉમેર્યુ હતું.

આ પણ વાંચોઃ JSW સ્ટીલને અદાલતનો મોટો ઝટકો, વિસ્તાર યોજનાઓ ખોરંભે ચડી શકે છે

Back to top button