પલ્લી મહોત્સવઃ જુનાડીસા ગામે ભારે ઉત્સાહ વચ્ચે પરંપરાગત રીતે યોજાયો ઉત્સવ
જુનાડીસા : નવરાત્રીના નવમા નોરતે ગાંધીનગરના રૂપાલની પલ્લી બાદ બનાસકાંઠાના ડીસાના જુનાડીસા ગામે ભવ્ય પલ્લીનું આયોજન કરવામાં આવે છે. આ પલ્લી સમગ્ર ગામમાં ફરતા આખું ગામ આ પલ્લીના દર્શન કરવા માટે ઉમટી પડે છે.
જુનાડીસા ગામે આવેલા પૌરાણિક મંદિર એવા સિધ્ધાઅંબિકા માતાજીના મંદિરે દર વર્ષે નવરાત્રીના નવમા નોરતે ભવ્ય પલ્લીનું આયોજન કરવામાં આવે છે. આ પલ્લી સમગ્ર ગામમાં ફરતા આખુ ગામ પલ્લીના દર્શન કરવા માટે ઉમટી પડે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ ગામના લોકો જાળવી રાખી છે.
કહેવાય છે કે આ મંદિર રાજા સિધ્ધરાજ જયસિંહએ બનાવેલું છે. આ મંદિર સાથે અનેક ઈતિહાસ સંકળાયેલો છે. આ જુનાડીસા ગામે આવેલા આ મંદિરે પરંપરાગત વર્ષોથી ચાલી આવતી પલ્લીનું આયોજન અત્યારે પણ યોજાય છે. આ ગામના ઠાકોર સમાજના યુવાનો માતાજીનો નિવેધ કરી પલ્લીને માથે ઉપાડી આખા ગામમાં પલ્લી નિકાળે છે. માત્ર 15 મિનિટમાં આખા ગામમાં પલ્લી ફેરવી પરત મંદિરમાં આવી જાય છે.
ગઈકાલે સિધ્ધાઅંબિકા માતાજીની પલ્લી સમગ્ર ગામમાં ફરતા ગામ જય નાદથી ગુંજી ઉઠ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી પલ્લીમાં પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. માતાજીના રથ પલ્લી માતાજીના દીપને શક્તિ સ્વરૂપમાં માની વિવિધ વાનગીઓનું નિવેદ ધરાવ્યા બાદ ઠાકોર બંધુ સવામણ જેટલા વજનની ભારેખમ પલ્લી માથે ઉપાડી ગામની પ્રદક્ષિણા માટે પ્રસ્થાન કરે છે. જાણે સિધ્ધાઅંબિકા માતાજી પલ્લીરૂપે ગામ લોકોન દર્શન આપવા નીકળ્યા હોય તેવો અદભુત અને આલૈકિક નજારો સર્જાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 4 જેટલી પલ્લી યોજાય છે. જેમાં રૂપાલની પલ્લી બાદ જુના ડીસા ગામે પણ ભવ્ય પલ્લી ભરાય છે. વર્ષો પહેલા મોદી સમાજના લોકો તેલની ઘાણી ચલાવતા ત્યારે પણ આ સિધ્ધા અંબિકાની પલ્લી ગામમાં આવે ત્યારે પલ્લી ઉપાડેલા ભુવાને તેલ પીવડાવ્યા પછી ભુવાજી આશીર્વાદ આપતા હતા. અત્યારે પણ તે પરંપરા જાળવી રહ્યા છે.
અત્યારે 50 વર્ષથી મોદી ભીખાલાલની કમિટી દ્વારા પલ્લીનું આયોજન કરવામાં આવે છે. જેમાં દૂર દેશાવર ખાતે રહેતા ગામ લોકો પણ અચૂક હાજરી આપે છે. ગામ લોકોની વધુ એક વિશિષ્ટતા એ છે કે 18એ આલમની કુળદેવી અલગ અલગ છે તે છતાં ગ્રામ્ય દેવી રૂપે શેરી ગરબા પૂર્ણ થતા માતાજીના ચરણે ગરબો વળાવવામાં આવે છે. વર્ષો જૂની પ્રાચીન પરંપરા આજે પણ જળવાઈ રહી છે.
આ પણ વાંચો : વણઝારીનો ગરબો આખું ગુજરાત ગાય છે, પણ તેનું સાચું સ્વરૂપ શોધી કાઢ્યું સુરતના કવિએ