પાલીતાણા: શેત્રુંજય પર્વત પર SPના આદેશથી ઉભી કરાશે પોલીસ ચોકી
પાલીતાણાના શેત્રુંજય પર્વત પર સ્થિત તીર્થમાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડના પડઘા માત્ર ગુજરાત નહી પરંતુ દિલ્હી અને ઝારખંડ સુધી પડ્યા છે. દેશભરમાં જૈન સમાજનો વિરોધ વધી રહ્યો છે. રવિવારે સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. જેમાં શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન કરાયું હતું. અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી સહિત દેશભરમાં મહારેલીનું આયોજન કરાયું હતું. જે બાદ હવે આ મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે.
આ પણ વાંચો : સુરત : જૈન સમાજની મહારેલી, મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો
જૈન સમાજમાં તીર્થધામોની રક્ષા માટે રાજ્યભરમાં ઠેર ઠેર રેલીઓ નીકળી હતી. જેમાં સુરત શહેરમાં પણ સમેતશિખરજી અને શેત્રુંજય મહાતીર્થની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને મહારેલી યોજાઈ હતી. પારલે પોઇન્ટ પર આવેલા સરગમ શોપિંગ સેન્ટરથી શરુ થયેલ આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન લોકો જોડાયા હતા.
સુરક્ષા માટે પોલીસ ચોકી તૈયાર કરવામાં આવશે
પાલીતાણાના શેત્રુંજય પર્વત પર તોડફોડ કેસમાં પોલીસ એક્શન મોડમાં આવી છે. આ માટે પાલિતાણામાં શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે પોલીસ ચોકી બનશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 1 PSI, 2 ASI, 3 હેડ કોન્સ્ટેબલ અને 12 કોન્સ્ટેબલ ફરજ બજાવશે. હાલ જૂની બંધ પડેલી પોલીસ ચોકી કાર્યરત કરાશે. તે સાથે જ પર્વત ઉપર પણ ચોકી બનાવવાની પણ પોલીસની વિચારણા ચાલી રહી છે. પાલીતાણામાં ગિરિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે સ્પેશિયલ ટીમ તૈયાર કરવામા આવી છે. પર્વત પર ટ્રાફિક નિયમન માટે 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમગાર્ડસ પણ તૈનાત કરાશે. તેમજ 8 TRBના જવાનો રહેશે તહેનાત. સ્પેશિયલ ટીમમાં DySP કક્ષાના અધિકારીની સીધી દેખરેખ રહેશે. પાલીતાણા પર્વતની સુરક્ષા સાથે તળેટી ખાતે દબાણ, માલસામાનની સલામતી અને ટ્રાફિકોનું પણ થશે નિયમન.
પાલિતાણામાં કેમ વિરોધ
જૈન સમાજની માંગ છે કે, પાલિતાણાના શેત્રુંજય પર્વત પર જૈન મંદિરોમાં અસામાજિક તત્વો દ્વારા થઈ રહેલા દબાણોને દૂર કરવામાં આવે. જૈન મુનિઓ સાથે થતું ગેરવર્તન રોકવામાં આવે. તેમજ પર્વતની તળેટીમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પણ બંધ કરાવવામાં આવે. શેત્રુંજય પહાડ અને પ્રાચીન મંદિરોને થતા નુકસાનને રોકવા ગેરકાયદેસર ખનન બંધ કરાવવાની વિવિધ માગ કરાઈ છે.
આ પણ વાંચો : 84 વિદ્યાર્થીઓ ઠંડીમાં સ્વેટર વગર શાળામાં આવતા શિક્ષક થયાં ભાવુક !
ઝારખંડ સુધી વકર્યો વિરોધ
ઝારખંડમાં આવેલું સમ્મેત શિખર જૈન સમુદાયનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. અહીંના પર્વતો પર સદીઓ પહેલા બનાવામાં આવેલા અનેક નાના મોટા જૈન દેરાસરો છે. જો કે ઝારખંડ સરકારે સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા જૈન સમાજનો આકરા વિરોધ હતો. જૈન સમાજનું કહેવું છે આમ કરવાથી સમાજની ધાર્મિક લાગણી દુભાય રહી છે. સમ્મેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરાતા આ ધાર્મિક સ્થળને નુકસાન થવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. ઝારખંડ સરકારે સમ્મેત શિખર તીર્થમાં માછલી અને મરઘાના પાલનને પણ મંજૂરી આપી છે. એવામાં આ ધાર્મિક સ્થળ પર્યટન સ્થળ બની જશે તો અહીં માંસ અને દારૂનું સેવનનો અડ્ડો થઈ જશે. જેને જૈન સમાજને સ્વીકાર્ય નથી. આ અંગે ઝારખંડ સરકાર ઉપરાંત કેન્દ્રને પણ રજૂઆત કરવામાં આવી છે. જૈન સમુદાય રાષ્ટ્રપતિને પણ આવેદન આપવાની તૈયારી કરી રહ્યું છે.