પાલનપુર : થરાદમાં કોંગ્રેસના ગુલાબસિંહને વ્યાપક જન સમર્થન, મોટી સંખ્યામાં લોકો ઉમટયાં
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભા બેઠક અત્યારે હોટ ગણાય છે. આ બેઠક ઉપર પૂર્વ આરોગ્ય મંત્રી અને દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરીની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. જ્યારે કોંગ્રેસમાંથી હેમાજીના પૌત્ર ગુલાબસિંહ રાજપૂત પણ ટક્કર આપી રહ્યા છે. હવે ચૂંટણી પ્રચાર અંતિમ ચરણમાં પહોંચવા તરફ છે. ત્યારે ઝંઝાવાતી પ્રચાર સભાઓમાં કૉંગ્રેસના નેતાઓએ બનાસકાંઠા જિલ્લામાં ધામા નાખ્યા છે.
શામીયાણો પણ નાનો પડતા લોકો મેદાનમાં બહાર ઊભા રહ્યા
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સોમવારે અમીરગઢ, દાંતીવાડા બાદ થરાદ ખાતે એક વિશાળ જનસભા સંબોધી હતી. આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને શામીયાણો પણ નાનો પડતા લોકોને ખુલ્લા મેદાનમાં બહાર ઉભા રહેવું પડ્યું હતું.
થરાદ ચાર રસ્તા પાસે યોજાયેલી જંગી જાહેર સભામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થનમાં આ સભા યોજાઇ હતી.
જેમાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો એ ભાજપ સરકારના શાસન અંગે આકરા પ્રહાર કર્યા હતા. અને મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમને જણાવ્યું હતું કે, પારાવાર મોંઘવારી વધતા સામાન્ય પરિવારના લોકોને અત્યારે જીવન જીવવું મુશ્કેલ બની ગયું.છે. આ બેઠક પર આ વખતની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવાર પ્રચારમાં કોઈપણ પ્રકારની કસર છોડવા માગતા નથી. ત્યારે આ પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં કોણ સફળ થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : આ ચૂંટણી ગુંડાગીરીથી લડાઈ રહી છે : જગદીશ ઠાકોર