પાલનપુર : ડીસામાં ગૌશાળા ખાલી કરવા નગરપાલિકાની નોટીસથી હડકંપ
- હરિઓમ સ્કૂલ પાછળ આવેલી નરસિંહજી મહારાજની સંચાલિત ગૌશાળા દબાણમાં હોવાની પાલિકાએ નોટિસ મોકલી
- પાલિકા આ જગ્યા ખાલી કરાવી નગર વન બનાવવાનું કરી રહી છે આયોજન
પાલનપુર : ડીસા શહેરમાં હરિઓમ સ્કૂલ પાછળ આવેલી હઠીલા હનુમાન મંદિર વાળી જગ્યામાં સ્વ.નરસિંહદાસજી મહારાજ સંચાલિત અને બીમાર તેમજ રખડતા પશુઓની સારવાર કરતી ગૌશાળાને નગરપાલિકાએ દબાણમાં હોવાની નોટિસ આપી ગૌશાળા ખાલી કરવાનું જણાવતા જીવદયા પ્રેમીઓમાં હડકંપ બચી જવા પામ્યો છે. નગરપાલિકા આ જગ્યા ખાલી કરાવી નગરવન બનાવવાનું આયોજન કરી રહી છે.
ડીસા શહેરમાં બીમાર ગૌમાતાઓનું સારવાર સ્થાન તેમજ રખડતા ઢોરોનું આશ્રય સ્થાન ધરાવતી હરિઓમ સ્કૂલ પાછળ હઠીલા હનુમાન મંદિર વાળી જગ્યામાં ગૌશાળા ચાલી રહી છે.
વર્ષો અગાઉ મંદિરના મહંત સ્વ. નરસિંહદાસજી મહારાજે આ જગ્યા પર પાકો શેડ બનાવી ગૌશાળા શરૂ કરી હતી. જેમાં શહેરભરમાંથી બીમાર કે ઘાયલ ગૌ માતાઓને સારવાર અર્થે લાવવામાં આવે છે.
આ ઉપરાંત શહેરમાં રખડતા ઢોરોને પણ આ જગ્યા પર ઘાસચારો અને આશ્રય સ્થાન મળી રહે છે.ત્યારે આ જગ્યા નગરપાલિકાની બિન નંબર વાળી જગ્યા છે અને તેમાં ગૌશાળા દ્વારા પાકા શેડ બાંધકામ કરી દબાણ કરેલું હોય આ દબાણ સાત દિવસમાં દૂર કરવાની નોટિસ નગરપાલિકા દ્વારા આ જગ્યાના હાલના સંચાલક મગસીભાઈ બીજલભાઇ રબારીને મોકલવામાં આવી છે. ડીસા નગરપાલિકા આ જગ્યા ખાલી કરાવીને નગરવન બનાવવાનું આયોજન કરી રહી હોવાનું પણ નોટિસમાં જણાવ્યું છે.
શહેરમાં અનેક જગ્યાઓ દબાણમાં છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિ ચલાવતી આ ગૌશાળા ને ખાલી કરવાની નોટિસથી જીવ દયા પ્રેમીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે .
આ પણ વાંચો : “વસંતના વધામણાં” : 22 ફોટોગ્રાફરોની ટીમ ઐતિહાસિક ધરોહરની ફોટોગ્રાફી દુનિયા સમક્ષ મૂકશે