પાલનપુર : ડીસામાં રખડતાં પશુઓનો ત્રાસ યથાવત : માલગઢ નજીક રસ્તા વચ્ચે શ્વાન આવતાં બાઇક ચાલકનો અકસ્માત
પાલનપુર: ડીસા તાલુકાના માલગઢ ગામનો યુવક બાઇક પર જઇ રહ્યો હતો. ત્યારે હરીપુરાના પાટીયા નજીક અચાનક રસ્તા વચ્ચે કૂતરું આવી જતાં બાઇક સ્લીપ ખાતાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
યુવકને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં રહેતો અને હાલ નાની આખોલ ફાર્મ હાઉસ ખાતે રહેતો વિજયકુમાર ગોવિંદજી ગેલોત (માળી) (ઉં.વ. આ. 30) માર્કેટયાર્ડમાં કામકાજ પતાવી પોતાના બાઇક પર ઘરે જઇ રહ્યો હતો. ત્યારે આખોલથી માલગઢ જવાના રસ્તે હરીપુરાના પાટીયા નજીક અચાનક રસ્તા વચ્ચે કૂતરું આડુ આવી જતાં બાઇક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સ્લીપ ખાઇ રોડ પર પટકાયું હતું. જેથી બાઇક ચાલક વિજય ગેલોત રોડ પર પટકાતાં હાથ, ઢીંચણ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે પાછળ આવી રહેલા ગામના વ્યક્તિઓએ તાત્કાલીક જાણ કરી 108 એમ્બ્યુલન્સ વાનને બોલાવી વિજયને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, માલગઢ હાઇવે પર અગાઉ પણ કૂતરા અને રખડતાં ઢોરોના ત્રાસના કારણે અનેક વાહન ચાલકોએ પોતાના જાન ગુમાવ્યા છે. જ્યારે નિર્દોષ વાહનચાલકો ઇજાનો ભોગ બન્યા છે.
આ પણ વાંચો :અતીકને ફાંસીની માંગ સાથે જૂતાનો હાર લઈને પહોંચ્યા વકીલ, કહ્યું આ ઉમેશ પાલના જૂતા છે