પાલનપુર : ડીસામાં અઠવાડિયામાં ત્રીજી વખત ચોરી, તસ્કરોએ આખોલ ચાર રસ્તાની દુકાનોને નિશાન બનાવી


પાલનપુર: ડીસામાં આજે આખોલ ચાર રસ્તા પાસે વધુ ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. એક અઠવાડિયામાં સતત ત્રીજીવાર ચોરી કરી અજાણ્યા તસ્કરોએ હેટ્રિક લગાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.ત્યારે પોલીસ તાત્કાલિક ચોરો ને ઝડપી વ્યાપારીઓનો તેમનો સામાન પાછો અપાવે તેવી માંગ કરી છે.
ડીસામાં છેલ્લા એક અઠવાડિયાથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. જેમાં આખોલ ચાર રસ્તા પાસે આવેલી વધુ ત્રણ દુકાનોને નિશાન બનાવી હતી. અજાણ્યા તસ્કરો એ મંગળવારની મોડી રાત્રે આખોલ ચાર રસ્તા પાસે આવેલી હનુમાન ઇલેક્ટ્રીક, શ્રી ચામુંડા ઈલેક્ટ્રીક અને હનુમાન સબમર્સીબલ નામની ત્રણ દુકાનના શટર તોડી તેમાંથી તાંબાના વાયર, ભંગાર અને રોકડ સહિતના માલ સામાનની ચોરી કરી ગયા હતા. વહેલી સવારે દુકાનો ના શટર તૂટેલા જણાતા વેપારીઓએ પોલીસને જાણ કરી હતી.
જેથી ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા ત્રણ દુકાનમાંથી રોકડ સહિત અંદાજીત પોણા ત્રણ લાખ રૂપિયાના મુદ્દામાલ ની ચોરી થઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. ચોરી કરવા આવેલ અજાણ્યા તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ દેખાયા હતા. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે અજાણ્યા તસ્કરોની શોધ ખોળ હાથ કરી છે.
ઉલ્લેખનીય છે કે ડીસામાં એક જ અઠવાડિયામાં સતત ત્રીજી વાર ચોરી થતા હવે વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે અને પોલીસ તાત્કાલિક ચોરોને ઝડપી મધ્યમ વર્ગના વેપારીઓનો માલસામાન પાછો અપાવે તેવી માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : PM મોદીએ પ્રમુખ સ્વામી નગરનું ઉદ્વાટન કરી આશીર્વાદ લીધા