પાલનપુર: વન વિભાગની કનડગત સામે દાંતાના આદિવાસીઓ ખફા
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકામાં મહત્તમ આદિવાસી પરિવારોનો વસવાટ છે. આ વિસ્તારના આદિવાસીઓએ વન અધિકાર સમિતિના નેજા હેઠળ જમીનના અધિકારો આપવાની માંગ કરી હતી, તેમજ વન વિભાગ દ્વારા કરાતી કનડગત સામે નારાજગી વ્યક્ત કરી હતી. જેને લઈને સોમવારે દાંતાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે જંગલનો વિનાશ થઈ રહ્યો હોવાનો આક્ષેપ દાંતા ના આદિવાસીઓએ કર્યો છે. અહીંના આદિવાસીઓ મોટી સંખ્યામાં સોમવારે એકઠા થઈને વન અધિકાર સમિતિના નેજા હેઠળ દાંતા નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જેમાં વન વિભાગ દ્વારા આદિવાસીઓને નાહકના પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જમીનના હક્કો આપેલા હોવા છતાં વન વિભાગ દ્વારા ઉભા પાકને નુકસાન કરાય છે
આદિવાસી આગેવાન કહે છે કે, સરકાર દ્વારા જંગલની જમીનમાં સનદ આપવામાં આવી છે. જેમાં તેઓ ખેતી કરે છે ત્યારે વન વિભાગ દ્વારા ઉભા પાકમાં જેસીબી મશીન ફેરવીને નુકસાન કરવામાં આવી રહ્યું છે. અને માર પણ મારવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે અગાઉ અનેકવાર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જ્યારે વન વિભાગ દ્વારા કરવામાં આવતા વિકાસના કામો આદિવાસીઓની જમીનમાં કરાતા હોવાને લઈને આદિવાસી ખેડૂતો ખફા થયા છે, અને રોષ વ્યક્ત કરી રહ્યા છે.
આ અંગે દાંતા નાયબ કલેકટર સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે, વન અધિકાર સમિતિ તરફથી વન વિભાગને લઈ મળેલી આવેદનપત્રમાં કરાયેલી રજૂઆત અંગે વિભાગ સાથે પરામર્શ કરી સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાશે.
આ પણ વાંચો :હોળાષ્ટક દરમિયાન ધનમાં વૃદ્ધિ કરવા માટે કરો આ સરળ ઉપાય