પાલનપુર : ભાભરની હોસ્પિટલમાં તબીબે પોલીસ કેસના રૂપિયા 20 હજાર માંગ્યાનો દર્દીનો આક્ષેપ
- પુત્રની સારવાર માટે પરિવારજનોએ દાગીના વેચ્યા
- ડિપોઝિટ પેટે રૂ. 20 હજાર માગ્યા હતા : તબીબ
પાલનપુર : ભાભરના રૂની ગામના ઠાકોર પરિવારના દીકરાએ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી પી લેતા તેની તબિયત લથડી હતી. જેથી તેને ભાભરની મારુતિ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે પોલીસ કેસના રૂપિયા 20 હજાર માગ્યા હોવાનો દર્દીના પરિવારજનોએ આક્ષેપ કરતા હોબાળો મચી ગયો હતો.
આ અંગેની હકીકત એવી છે કે, ભાભર તાલુકાના રૂની ગામના કલાજી ઠાકોર ના પુત્ર જગદીશભાઈ (ઉંમર વર્ષ 20) એ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી પી લીધુ હતું.જેથી તેની તબિયત લથડી જતા તેને ભાભરની મારૂતિ હોસ્પિટલમાં ડોક્ટર ધીરુભાઈ ડી. પટેલને ત્યાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.
દરમિયાન દર્દીના પિતા કલાજી દેહલાજી ઠાકોરે દવાના રૂ. 23 હજાર અને રૂ. 20 હજાર પોલીસ કેસના મળીને રૂપિયા 43 હજાર તબીબે માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઇને હોબાળો મચી ગયો હતો.
જ્યારે પરિવારજનોએ જણાવ્યું હતું કે, દીકરીના સોના- ચાંદીના દાગીના ભાભર સોની બજારમાં વેચીને માંડ માંડ પૈસા લાવ્યા છીએ. ત્યારે વધારાના રૂ. 20 હજાર ક્યાંથી લાવીને ભરવા? આમ પરિવારજનો પણ મુંઝાઈ ગયા હતા. જોકે રૂપિયા 20હજારના દર્દીએ કરેલા આક્ષેપનો તબીબે ઇનકાર કર્યો હતો. પરંતુ આ ઘટના ભાભરમાં ચર્ચાસ્પદ બની ગઈ હતી.
ડિપોઝિટ પેટે રૂ.20 હજાર માંગ્યા હતા : ડો. ધીરજભાઈ પટેલ
દર્દીએ દવા પીધી છે, તેની સારવાર ચાલુ છે. તે ગંભીર છે કે કેમ ? તેની 72 કલાક પછી ખબર પડે. આ કેસમાં બિલનું નક્કી નહીં. જેમાં ડોક્ટરના રૂ. 15 હજાર અને દવાના ₹25 હજાર મળીને અંદાજે 30થી 35 હજાર જેટલો ખર્ચ થઈ શકે. જ્યારે રૂપિયા 20 હજાર ડિપોઝિટ પેટે માંગ્યા હતા.
આ પણ વાંચો : બોટાદને વિકાસની ભેટ, CMના હસ્તે 297.56 કરોડના કામોનું ઈ-લોકાર્પણ