પાલનપુર : વિપક્ષને ગણકાર્યા વગર પાલનપુર પાલિકાની સભા પાંચ જ મિનિટમાં આટોપાઈ
- વિપક્ષ વિરોધને સત્તા પક્ષે કાને જ ના ધર્યો
- શાસક પક્ષના સભ્યોએ મંજૂર મંજૂર કહી નીકળી ગયા
પાલનપુર : પાલનપુર નગરપાલિકા તેની સાધારણ સભાને લઈને હંમેશા વિવાદમાં રહે છે. શુક્રવારે પણ આવું જ બન્યું હતું. પાલિકાના ખંડમાં સાધારણ સભા યોજાઇ હતી. જે પાંચ મિનિટમાં આટોપાઈ ગઈ હતી. પાલનપુર શહેરના વિકાસના કામોની ચર્ચા કરવાની બદલે પાલિકાના શાસક સભ્યોએ વિપક્ષનો અવાજ સાંભળ્યા વગર મંજૂર….. મંજૂર….. કહીને સભા આટોપી લીધી હતી.
વિપક્ષના સાધારણ સભામાં ગંભીર આક્ષેપો હતા કે, પાલિકામાં જે નગરસેવકો છે તે જ શહેરમાં કોન્ટ્રાક્ટર બની ગયા છે. અને કોન્ટ્રાક્ટરના કામ કરે છે. જ્યારે પાલિકા દ્વારા વેરામાં વધારો કરવામાં આવેલ છે. જન્મ- મરણના દાખલામાં રકમ વધારાતા તેનો પણ વિરોધ હતો. જ્યારે પાલનપુર પાલિકામાં આઉટસોર્સિંગ કર્મચારીઓના મુદ્દે પણ મસમોટા ભ્રષ્ટાચારના વિપક્ષે આક્ષેપ કર્યા હતા. પરંતુ વિપક્ષની એક પણ વાત સાંભળ્યા વગર સાધારણ સભા આટોપાઈ ગઈ હતી.
ભાજપ શાસિત પાલનપુર પાલિકામાં શાસક પક્ષની બહુમતી છે. અને બહુમતીના જોરે પાલનપુરના વિકાસના કામોની ચર્ચા થઈ. જેમાં બહુમતીથી મંજૂર થઈ હોવાનું પાલનપુરપાલિકાના પ્રમુખનું કહેવું છે. જ્યારે વિપક્ષને પાલનપુરમાં વિકાસના કામોમાં વિરોધ કરવાની ટેવ પડી છે. એટલે વિપક્ષના તમામ આક્ષેપોને સત્તાધીશોએ ફગાવ્યા હતા.
એક જ એજન્સીને ઘણા વર્ષથી કોન્ટ્રાક અપાય છે : અંકિતા ઠાકોર (વિપક્ષ નેતા)
પાલનપુરના વિકાસના પ્રશ્નની ચર્ચા દરમિયાન શહેરમાં એક જ એજન્સીને ઘણા વર્ષથી કોન્ટ્રાક આપી અને નગરપાલિકાના સતાધીશો દ્વારા ભાગીદારી કરવામાં આવી રહી છે. સ્થાનિક એવી કેટલીય એજન્સી ઓ છે જે સારી રીતે કામ કરે છે. પરંતુ સત્તાધિશો દ્વારા તેમના અંગત સ્વાર્થને લઇને એક જ એજન્સીને કામ આપવામાં આવે છે. જે એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટેની અમે માંગ કરી હતી. તેમજ નગરપાલિકા દ્વારા જે જન્મ મરણના દાખલાઓમાં ફીનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. તેનો પણ અમે વિરોધ કર્યો હતો. વિકાસના કામોમાં કોંગ્રેસ હંમેશા પ્રજા સાથે રહે છે. પાલિકામાં થતા ભ્રષ્ટાચારોને લઈઅમારો વિરોધ હતો, ત્યારે અમારા વિરોધ સામે પણ સત્તાધીશો એ મંજુર મંજુર કરીને પાંચ જ મિનિટમાં સભાને આટોપી હતી.
વિપક્ષ હંમેશા વિકાસના કામોમાં વિરોધ કરે છે : કિરણબેન રાવલ (પ્રમુખ, પાલનપુર પાલિકા)
સાધારણ સભામાં પાલનપુર શહેરના વિવિધ વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષ દ્વારા જે આક્ષેપો લગાવવા માં આવ્યા તે ખોટા છે. વિપક્ષ હંમેશા વિકાસ ના કામોમાં વિરોધ કરે છે.
આ પણ વાંચો : પાલનપુર : ડીસાના જુનાડીસા ગામે બકરીનું દૂધ આપવા મામલે અજાણતા હત્યા થઈ