પાલનપુર : ડીસાના માર્ગો પર પદયાત્રીઓ માટે સેવા કેમ્પોનો ધમધમાટ
પાલનપુર : ભાદરવી પૂનમના મહા મેળામાં અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે ડીસાના માર્ગો પર સેવા કેમ્પો ધમધમી ઊઠ્યા છે. પદયાત્રીઓ માટે ભોજન, ચા નાસ્તો,આરામ તેમજ મેડિકલ સહિતની સુવિધાઓ કેમ્પોમાં ઊભી કરવામાં આવી છે. યાત્રાધામ અંબાજી ખાતે આજથી શરૂ થયેલા ભાદરવી પૂનમ મહાકુંભ મેળામાં ભાગ લેવા પદયાત્રીઓનો ચારો તરફથી ઘસારો થઈ રહ્યો છે.ત્યારે સેવાભાવી લોકો દ્વારા પદયાત્રીઓની સેવા કરવા વિવિધ પ્રકારના સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.ભાદરવી પૂનમના મહા મેળાની આજથી શરૂઆત થતા ડીસાના માર્ગોએથી પદયાત્રીઓએ અંબાજી તરફ પ્રસ્થાન કર્યું છે.
ત્યારે ડીસાના સેવાભાવી યુવક મિત્રોના ગ્રુપ દ્વારા પાલનપુર હાઇવે પર રસાણા શિવ ધામ સામે શ્રી પરમેશ્વરી પદયાત્રી સેવા કેમ્પ નું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.આ સેવા કેમ્પમાં યાત્રિકોને મિષ્ઠાન સાથેનું પાકું ભોજન, ચા નાસ્તો,છાશ,ઠંડુ મિનરલ પાણી, વિશ્રામ માટે આરામદાયક સુવિધા તેમજ મેડિકલ ની સુવિધા ઉભી કરવામાં આવી છે. કેમ્પનું ઉદઘાટન ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું.જ્યારે પૂર્વ ધારાસભ્યો ગોવાભાઇ દેસાઈ અને શશીકાંત પંડ્યા સહિત શહેરના અગ્રણીઓએ કેમ્પની મુલાકાત લઈ યુવકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત ડીસાના માર્ગો પર શિવ શક્તિ યુવા ગ્રુપ,હિન્દુ સંગઠન, મોટા યુવક મંડળ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર પદયાત્રીઓ માટે શરૂ કરવામાં આવ્યા છે. ડીસા શહેરમાંથી જળ ઝીલણી અગિયારસે સામુહિક રીતે ગણપતિ વિસર્જન બાદ અંબાજીના સંઘો તેમજ પદયાત્રીઓ અંબાજી મેળામાં જવા પ્રસ્થાન કરશે.
આ પણ વાંચો : અંબાજી મેળામાં સ્વચ્છતાના હેતુસર શ્રીફળ કલેક્શન માટે કાઉન્ટર બનાવાયા