ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: સુઈગામ ઘુડખર અભ્યારણ્યમાં ગેરકાદેસર મીઠું પકવતી કંપની ઉપર તંત્રની તવાઈ

પાલનપુર: સુઇગામ તાલુકાના મસાલી નજીક આવેલ ઘુડખર અભ્યારણ્યમાં અંદાજીત 4 હજાર એકર જમીનમાં બિન અધિકૃત કબજો કરી મીઠું પકવતી એક બહારની કંપની પર બુધવારે સુઇગામ પ્રાંત કલેકટરની આગેવાનીમાં વનવિભાગ, પોલીસ, R.T.O સહિતના વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત દરોડો પાડી, જનરેટરો,પ્લાસ્ટિકની પાઇપો,સોલાર પ્લેટો,લોખંડની ઇંગલો સહિતનો સરસામાન જપ્ત કરાયો હતો. આ ઉપરાંત 13 ગાડીઓને જપ્ત કરી 6 .00 લાખ ઉપરાંતનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરાતાં રણમાં સોપો પડી ગયો હતો. એક સાથે સરકારી ગાડીઓનો કાફલો જોઈ રણમાં વર્ષોથી મીઠું પકવતા અગરિયાઓ સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા હતા.

મસાલી નજીક તંત્રએ દરોડા પાડી રૂ.6 લાખની વસ્તુઓ જપ્ત કરી

સુઈગામ-humdekhengenews

સુઇગામ તાલુકાના બોરુંના રણમાં છેલ્લા 40 વર્ષોથી સ્થાનિક અગરિયા મીઠું પકવી રોજગારી મેળવી રહ્યા છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી મસાલી નજીકના રણમાં બહારના વિસ્તારના કેટલાક લોકો દ્વારા ઘુડખર અભ્યારણ્યમાં પડેલી હજારો હેકટર જમીનમાં મોટી મશીનરી લગાવી મીઠાના પાટ બનાવી મીઠું પકવવાનું ચાલુ કરતાં સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો હતો. અને અંદર ખાને વિરોધનો સુર ઉઠતાં તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. અવારનવાર રણમાં તપાસના નામે ખાનગીમાં અવરજવર વધી ગઈ હતી. જોકે બુધવારે વહેલી સવારે સુઇગામ પ્રાંત કલેકટર એસ.એ.ડોડીયાની આગેવાની હેઠળ સુઇગામ ઇન્ચાર્જ મામલતદાર , ભાભર મામલતદાર ની ટીમ, થરાદ વનવિભાગ,થરાદ ડી. વાય. એસ.પી. સહિત સ્થાનિક પોલીસ સ્ટાફ, RTO ના સરકારી વાહનોના કાફલા સાથે રણમાં સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા.

સુઇગામ પ્રાંત કલેકટર,મામલતદાર, વનવિભાગ, R.T.O, પોલીસનું સંયુક્ત ઓપરેશન

સુઈગામ-humdekhengenews

4 હજાર એકર ઉપરાંત જમીનમાં મોટાપાયે મશીનરી લગાવી કરાયેલ મીઠાના અગરની બિન અધિકૃત કંપની પર તવાઈ હાથ ધરાતાં કામ કરતા મજૂરો સહિત કર્મચારીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. એકાએક અધિકારીઓની ગાડીનો કાફલો જોઈ સ્થાનિક અગરિયાઓ પણ ડરના માર્યા રણમાંથી રફુચક્કર થઈ ગયા હતા. બુધવારે વહેલી સવારથી સાંજ સુધી અધિકારીઓએ બિન અધિકૃત મીઠાના અગરના દબાણો જે.સી.બી. ની મદદથી દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી. જ્યાં 4X4 કી. મી ના ઘેરાવામાં કરોડો રૂપિયાના ખર્ચે સોલાર પ્લેટો,જનરેટર મશીનો,સબ મરસીબલ મોટરો લગાવી મોટાપાયે મીઠાનું કામ કરતા સ્થળે થી કરોડો રૂપિયાની સાધન સામગ્રી જપ્ત કરી સુઇગામ પ્રાંત કચેરીએ લાવવામાં આવી હતી. જોકે વર્ષોથી અગરિયાઓ તરીકેના કાર્ડ ધરાવતા અગરિયાઓના તૈયાર મીઠાના અગરના પણ પાળા તોડવામાં આવ્યા હતા. જેને લઈ સ્થાનિક અગરિયાઓમાં કચવાટ જોવા મળ્યો હતો.

રણમાં સર્ચ ઓપરેશન

સુઇગામ પ્રાંત કલેકટર એસ.એ.ડોડીયા,સુઇગામ ઇન્ચાર્જ મામલતદાર વિજયદાન ગઢવી,ભાભર મામલતદાર રવીન્દ્રસિંહ પરમાર,થરાદ RFO ચેતનસિંહ બારડ, ડીવાયએસપી, એસ.એમ.વારોતરીયા,RTO જી.બી.લીલહારે,સુઇગામ PSI એચ.એમ.પટેલ,બોર્ડર PSI ડી.જે.મરંડ,થરાદ PSI વાઢેર,સહિત નો કાફલો અનઅધિકૃત દબાણ કરી રણમાં અંદાજીત 4X4 કી. મી ના ઘેરાવામાં મસાલી બોરું નજીકના રણમાં મોટાપાયે મીઠાનું ઉત્પાદન કરાતું હતું,ત્યાં દબાણ ખુલ્લું કરવા માટે ગયેલ.જ્યાં મોટાપાયે અદ્યતન મશીનરીનો ઉપયોગ કરી વિના પરવાનગીએ મીઠું પકવતા સ્થળે તપાસ હાથ ધરતાં સ્થળ પર કોઈ વ્યક્તિ જોવા મળેલ નહિ,જેને લઈ ત્યાં પડેલ સરસામાનને જપ્ત કરી સુઇગામ પ્રાંત કચેરીએ લાવવામાં આવ્યો હતો.

તેર ગાડીઓ જપ્ત, રૂ. 6,41904 નો દંડ

સુઈગામ-humdekhengenews

સુઇગામ તાલુકાના બોરું મસાલી નજીક રણમાં બિન અધિકૃત મીઠું પકવવાની જગ્યા પરથી 4 ડીઝલ જનરેટર,સોલાર પ્લેટોના 11 બોક્ષ, પ્લાસ્ટિકની પાઇપો ની 15 બડલ,50 સબમરસીબલ પંપ,ગેલવેનાઇઝની ઇંગલો સહિત,
વાયર.સહિતનો માલ જપ્ત કર્યો હતો.ઉપરાંત RTO દ્વારા 13 ગાડીઓ જપ્ત કરી રૂ.6,41,904 રૂપિયાનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી,

એક જ જગ્યાએ રેઇડ કરી સરસામાન જપ્ત કરાતાં તર્ક વિતર્ક

સુઇગામ તાલુકાના બોરું,માધપુરા,મસાલી,જલોયા નજીકના ગામોમાં હજારો હેકટર જમીનમાં બિન અધિકૃત દબાણો કરી મીઠું પકવવામાં આવે છે,પણ બુધવારે માત્ર એક જ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી કરોડો રૂપિયાનો સર સામાન જપ્ત કરાતાં આ કોઈ રાજકીય ઈશારે કાર્યવાહી કરાઈ હોવાની ચર્ચા જોવા મળી હતી. તંત્રની એકતરફી કાર્યવાહી બાબતે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

આ પણ વાંચો :મહાનાયક અમિતાભ બચ્ચન આ દર્દથી પીડાઈ રહ્યા છે, બ્લોગ દ્વારા પીડા વ્યક્ત કરી

Back to top button