ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા સિવિલમાં સ્માર્ટ રેફરલ, પેશન્ટ કેરિંગ હોસ્પિટલ, આભા કાર્ડ, ત્રણ નવી સિસ્ટમ કાર્યરત

પાલનપુર : રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ડીસા સિવિલને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપવાની સાથે સાથે અનેક નવી સિસ્ટમો કાર્યરત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગના રિજનલ ડાયરેક્ટરે ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ સ્માર્ટ રેફરલ સિસ્ટમ, પેશન્ટ કેરિંગ હોસ્પિટલ અને આભા કાર્ડ એમ ત્રણ નવી સિસ્ટમ કાર્યરત કરાવી હતી.

આરોગ્ય વિભાગના રિજનલ ડાયરેક્ટરે ડીસા સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

ડીસા સિવિલ હોસ્પિટલને જિલ્લા કક્ષાનો દરજ્જો મળ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં નવી નવી અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. જેમાં આજે રાજ્યના આરોગ્ય વિભાગના રિજનલ ડાયરેક્ટર ગાંધીનગર ડો. સતીશ મકવાણાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ડો. મકવાણાએ ડીસા સિવિલમાં અનેક નવી સિસ્ટમો કાર્યરત થઈ હોવાનું જણાવ્યું હતું. જેમાં સ્માર્ટ રેફરલ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે. આ સિસ્ટમ દ્વારા સિવિલ હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત અન્ય હોસ્પિટલોમાં કાર્યરત ડ્યુટી ડોક્ટરોની હાજરી છે કે કેમ, ડોક્ટર ઉપસ્થિત છે કે કેમ તે જાણી શકાશે. જેના આધારે દર્દીઓને સારવાર લેવામાં અથવા જે તે ડોક્ટરને દર્દીઓને અન્યત્ર રિફર કરવામાં ખૂબ જ સરળતા રહેશે તેમજ દર્દીઓને પણ તાત્કાલિક તેમજ ગુણવત્તા યુક્ત સારવાર મળશે અને સારવારમાં થતો વિલંબ દૂર થશે.

આ ઉપરાંત પેશન્ટ કેરિંગ હોસ્પિટલ સિસ્ટમ કાર્યરત કરાતા હોસ્પિટલમાં દર્દી દાખલ થાય ત્યાંથી લઈને ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી તેને તમામ પ્રકારની ઉત્તમ સુવિધા મળી રહે ઉપરાંત હોસ્પિટલની ઓપીડી સિસ્ટમ, લેબોરેટરી, ડાયાલિસિસ સેન્ટર વગેરેમાં પણ દર્દીને સારામાં સારી કેર લઈ સારવાર થાય તે તુથી પેશન્ટ કેરિંગ સિસ્ટમ શરૂ કરાઇ છે.

જ્યારે સરકાર દ્વારા આધાર કાર્ડ ની જેમ દરેક દર્દીનું આભા કાર્ડ એટલે કે આયુષ્ય ભારત હેલ્થ એકાઉન્ટ બનાવવાની શરૂઆત પણ ડીસા સિવિલ હોસ્પિટલથી કાર્યરત કરાઈ છે. જેમાં આ કાર્ડ દ્વારા દર્દીને પોતાના સ્વાસ્થ્યને લગતા કોઈ ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે નહીં. કાર્ડમાં દર્દીના બ્લડ ગ્રુપ બ્લડ પ્રેશર સુગર સહિતનો રેકોર્ડ તેમજ તેના તમામ રિપોર્ટો તમામ વિગત આવી જશે.જેથી જે દર્દી દેશના કોઈપણ સ્થળે સારવાર કરાવવા જાય ત્યારે આભા કાર્ડ મારફતે તેના સ્વાસ્થ્યનો તમામ રેકોર્ડ સચવાયેલો હોય જેના આધારે તબીબ તેમની સારવાર કરી શકશે.

આ સિવાય રિજનલ ડાયરેક્ટર ડો. સતીશ મકવાણાએ સિવિલ હોસ્પિટલના તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ,લેબ ટેક્નિશિયનો સહિત સ્ટાફ સાથે તેમના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી હતી. આ પ્રસંગે જિલ્લા એપેડેમિક ઓફિસર ડો. જીગ્નેશ હરિયાણી, ડીસા સિવિલ સુપરિટેનડેન્ટ ડો. રવિરાજ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : બટાકાના પોષણક્ષમ ભાવની માંગ : ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇએ ટેકાના ભાવ જાહેર કરવા સીએમને પત્ર લખ્યો

Back to top button