પાલનપુર : દિયોદર બેઠક પર મતદારોનું અકળ મૌન
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની દિયોદર વિધાનસભા બેઠક એવી છે કે, જ્યાં મતદારોએ અકળ મૌન સેવી લીધું છે. અહીંયા મતદારો પોતાનો મિજાજ કોઈને કળવા દેતા નથી. આ બેઠકની વિશેષતા એવી રહી છે કે, અહી કોઈ ઉમેદવાર સતત બે ટર્મ જીત્યા નથી. દિયોદર વિધાનસભા બેઠકનું 2012 માં સીમાંકન બદલાયું હતું. ત્યારબાદ કેશાજી ચૌહાણ વિજેતા બન્યા હતા. જ્યારે 2017માં ભાજપ એ કેશાજી ચૌહાણને રીપીટ કર્યા હતા. તો કોંગ્રેસના શિવાભાઈ ભુરીયા અહીંયાથી ચૂંટાયા હતા. રાજકીય પક્ષો અહીંયા સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખી ટિકિટ ફાળવે છે. પરંતુ બેઠકની વિશેષતા એવી રહી છે કે, ત્રણ પંથકમાં અલગ- અલગ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. જેમાં દિયોદર પંથકમાં ઠાકોર સમાજ, ભીલડી પંથકમાં રબારી સમાજ અને લાખણી પંથકમાં ચૌધરી સમાજનું પ્રભુત્વ રહેલું છે. જેથી કયો ઉમેદવાર વિજેતા બનશે તેનો કોઈ રાજકીય પક્ષો અંદાજ લગાવી શકતા નથી. આ વિધાનસભા મત વિસ્તારમાં સિંચાઈના પાણીની સમસ્યા વધુ છે વળી ભીલડી પાસે સ્થાનિક લોકો ટોલટેક્ષના મુદ્દે નારાજ છે. તેમજ રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવાની માગણી પણ થઈ રહી છે. જ્યારે લાખણી વિસ્તારમાં આરોગ્ય સેવા નબળી છે. અહીંયા દાડમનું મોટું હબ ગણાય છે. પરંતુ વ્યાપાર માટે એક સારું માર્કેટ અસ્તિત્વમાં નથી.
આ પંથકમાં ખેડૂતોને સુજલામ- સુફલામ કેનાલમાં પાણી માટે આંદોલન કરવા પડે છે
દિયોદર પંથકમાં કપાસ અને લાખણી પંથકમાં દાડમની બાગાયતી ખેતીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. આ વિસ્તાર માટે સુજલામ- સુફલામ કેનાલ જીવાદોરી સમાન ગણાય છે. જેથી આ કેનાલમાં બારેમાસ પાણી વહેતું રહે તેવી ખેડૂતો માગણી કરે છે. કારણ કે, કેનાલમાં પાણી છોડાવવા માટે ખેડૂતોને અનેકવાર ધરણાં કરવા પડ્યા હતા.
ચૂંટણી વખતે જ કેનાલમાં પાણી છોડાય, પછી બંધ
એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે, જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે જ કેનાલમાં પાણી છોડવામાં આવે છે અને ત્યાર પછી પાણી બંધ કરી દેવામાં આવે છે. અને પછી જો પાણી છોડાવવું હોય તો ખેડૂતોને આંદોલન સહારો લેવો પડે છે.
બંને પક્ષોમાં ઉકળતા ચરુ
દિયોદર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સાદગીના પ્રતિક મનાય છે. તે જિલ્લા ભાજપમાં બે બે વખત પ્રમુખની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. તેમજ રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. પરંતુ ગત ટર્મમાં મતદારોએ કેશાજી ફક્ત તેમના ચાર પાંચ મળતિયા ઓનું જ સાંભળતા હોવાનો આક્ષેપ કરી તેમનાથી મોં ફેરવ્યું હતું અને તેમનો પરાજય થયો હતો. તો આ વખતે પણ પક્ષના જ લોકો દ્વારા તેઓને ટિકિટ ન મળે તે માટે 24 દાવેદારોએ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી હતી કે, અમારા 24 માંથી કોઈ પણ ને ટિકિટ આપો તો અમે જીતાડીશું. તેમ કહી આડકતરી રીતે કેશાજી ચૌહાણ નો વિરોધ કર્યો હોય તેવી ચર્ચા ઉઠી હતી. પરંતુ આ વખતે કેશાજી ચૌહાણ લોકોને કોઈ કામ કે સમસ્યા હોય તો તેમનો સીધો જ સંપર્ક કરવાનું કહી પોતાનો રેગ્યુલર નંબર આપે છે. જેથી મતદારો તેમનો વિશ્વાસ કરતા થયા છે.
કોંગ્રેસ – આ વિધાનસભાના ગત ટર્મના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ફરાળી (ઉપવાસી) ધારાસભ્ય તરીકે તેમજ શિવભક્ત તરીકે ઓળખાય છે. જેઓએ છેલ્લા કેટલાક વર્ષોથી અનાજનો એક પણ દાણો ખાધો નથી. જેમના ઉપર મતદારોએ વિશ્વાસ કરી વિજયી બનાવ્યા. પાંચ વર્ષમાં આ શીવાભાઈ ભુરીયા નિષ્કલંક પણ રહ્યા લોકોની સમસ્યાઓ સમયે હાજર પણ રહ્યા. પરંતુ નેતૃત્વ ન લઈ શક્યા કે લોકોની સમસ્યા તંત્ર કે અધિકારીઓમાં જુસ્સાથી ન પહોંચાડી શકતા મતદારો નારાજ દેખાઈ રહ્યા છે. એટલામાં પૂરું તેમને પક્ષ દ્વારા રીપીટ કરાતાં તેમના મતવિસ્તારના અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે એક રીતનો બળવો જ પોકાર્યો હતો અને રાજીનામું ધરી લીધા બાદ તેમના નિવાસસ્થાને દિયોદર વિધાનસભામાં મોટી સભા કરી વિરોધ કર્યો હતો. જે માંડ થાળે પડતાં શીવાભાઈ ભુરીયા એ રાહતનો દમ લીધો હતો. જેના ગણતરીના દિવસોમાં જ દિયોદરમાં રાજકીય મોટું માથું ગણાતા પૂર્વ ધારાસભ્ય અનિલ માળી કોંગ્રેસમાં પાંચ વર્ષ રહ્યા બાદ ફરી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં ઘર વાપસી કરી રહ્યા છે. જેથી દિયોદર કોંગ્રેસમાં ફરીથી ભૂકંપ સર્જાયો છે. જે એક સમસ્યા રૂપ બની શકે છે.
આ પણ વાંચો : માફી પછી પણ વિરોધ યથાવત્, અક્ષય બાદ આ એક્ટરે રિચા ચઢ્ઢાના ટ્વિટને શરમજનક ગણાવ્યું