પાલનપુર : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ શંકરભાઈ ચૌધરી મત વિસ્તારની મુલાકાતે
- અધ્યક્ષ તરીકે વરણી થતાં સ્થાનિક આગેવાનોએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત
- સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો
- થરાદ વિસ્તારના પ્રશ્નોની માહિતી મેળવી
પાલનપુર : થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ આજે તેઓ સૌપ્રથમ વખત થરાદ પહોંચ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષનો પદભાર મેળવ્યા બાદ પોતાના મતવિસ્તારમાં પહોંચેલા શંકરભાઈ ચૌધરી નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનો તેમજ લોકોએ તેમના પ્રતિનિધિને સર્વોચ્ચ બંધારણીય હોદ્દો મળતા તેમને શુભકામનાઓ પાઠવી હતી.
થરાદ વિધાનસભા મત વિસ્તારમાં જંગી બહુમતીથી વિજેતા બનેલા શંકરભાઈ ચૌધરીને પક્ષ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ પદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ તાજેતરમાં મળેલા એક દિવસીય વિધાનસભા સત્રમાં સર્વાનુમતે બિનહરીફ અધ્યક્ષ તરીકેની વરણી થયા બાદ આજે શંકરભાઈ ચૌધરી પોતાના મતવિસ્તાર થરાદમાં પહોંચ્યા હતા. જ્યાં થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ તેમજ થરાદ માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક આગેવાનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
થરાદ ખરીદ વેચાણ સંઘમાં મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં ડિરેક્ટરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે થરાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ અને સભ્યો દ્વારા તેમને અધ્યક્ષ તરીકેની નિમણૂક થતા વિશેષ આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પોતાના મત વિસ્તારની મુલાકાત દરમિયાન સ્થાનિક અધિકારીઓ સાથે પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુલાકાત કરી વિકાસના કામોની ગતિનો તાગ મેળવ્યો હતો. જ્યારે આગામી સમયમાં પ્રજાની સુખાકારી માટે વધુ શું કરી શકાય તે માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા. થરાદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ અધ્યક્ષશ્રી તરીકે વરણી થતા આજે પ્રથમ વખત આવેલા શંકરભાઈ ચૌધરીને આવકારવા થરાદ તેમજ તેની આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જે લોકોને સીધો સંપર્ક કરી તેમના સ્વાગત અને શુભેચ્છાઓને નવનિયુક્ત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આવકારી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
થરાદ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થાથી થયા માહિતગાર
છેલ્લા કેટલાક દિવસથી વૈશ્વિક પરિસ્થિતિ જોતા આગામી સમયમાં કોરોનાનું ગ્રહણ વધુ ઘાતક થાય તો કયા પ્રકારની તૈયારી છે, તે માટે પરિસ્થિતિનો તાગ મેળવવાનો વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી થરાદની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોરોના વોર્ડ તેમજ કોરોના સંક્રમણનું વધે તો સરકારી હોસ્પિટલમાં કેટલી સુવિધા ઉપલબ્ધ છે તેમજ સરકારી હોસ્પિટલને વધુ સુવિધા શું કરી શકાય તે માટે સ્થાનિક ડોક્ટરો તેમજ આગેવાનો પાસેથી સૂચનો મેળવ્યા હતાં.
નાગરિકો બે દિવસ પ્રશ્નો રજૂ કરી શકશે
વિધાનસભા અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ને મળી હોવા છતાં તેઓ આગામી 25 અને 26 ડિસેમ્બરના રોજ થરાદના સરકારી વિશ્રામ ગૃહ ખાતે ઉપસ્થિત રહેશે. તેમજ જે પણ નાગરિકોને વિસ્તારને લગતી કોઈપણ પ્રશ્ન હોય તો તેઓ તેમનો સીધો સંપર્ક કરી પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકશે.
આ પણ વાંચો : વ્યાજખોરીના દુષણ સામે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની લાલઆંખ, જાણો શું કહ્યું ?