પાલનપુર : ગટરના મુદ્દે ડીસાની વિજયપાર્ક સોસાયટીના રહીશોનો રોડ પર ચક્કાજામ
- ગટરના ગંદા પાણી છેલ્લા આઠ વર્ષથી ઉભરાય છતાં પાલિકા તંત્ર બેદરકાર
- પ્રશ્ન નહી ઉકલે તો નગરપાલિકાની ઘેરાબંધી કરવાની રહીશોની ચીમકી
પાલનપુર : ડીસા હાઈવે પર નવા બસ સ્ટેશનની સામે આવેલ વિજયપાર્ક સોસાયટીમાં છેલ્લા 8 માસથી ગટરો ચોકઅપ થતા ગંદાપાણી સોસાયટીમાં રહેતા હોય રહીશોની વારંવારની રજૂઆત છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા કંટાળેલા રહીશોએ આજે રોડ બ્લોક કરી ચક્કાજામ કર્યો હતો.
ડીસા હાઈવે પર નવા બસ સ્ટેશનની સામે આવેલી વિજયપાર્ક સોસાયટીના રહીશો છેલ્લા આઠેક માસથી નર્કગાર જેવી સ્થિતિમાં રહે છે. સોસાયટીમાં છેલ્લા 8 માસથી ગટરો ચોક્અપ થયેલ હોવાથી ગંદા પાણી રોડ ઉપર રેલાઈ રહ્યા છે. સોસાયટીના રહીશોએ આ અંગે નગરપાલિકાનું વારંવાર લેખિતમાં ધ્યાન દોર્યું હોવા છતાં પાલિકા દ્વારા ગંદા પાણીના નિકાલ માટે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.
એક તરફ આરોગ્ય વિભાગ રોગચાળો ડામવા ઘરે ઘરે જઈ સર્વે કરી કવાયત કરી રહ્યું છે ત્યારે બીજી તરફ નગરપાલિકાની બેદરકારી રોગચાળો ફેલાવી રહી છે. વિજય પાર્ક સોસાયટીમાં હાલ ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ છે.
ગટરના ગંદા પાણી વચ્ચે રહેતા લોકોની ધીરજ ખૂટી જતા આખરે આજે સોસાયટીના રહીશોએ હાઇવે પર રોડ બ્લોક કરી ચકાજામ કરી નગરપાલિકા વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમજ જો પાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો નગરપાલિકા કચેરીની ઘેરાબંધી કરવાની પણ રહીશોએ ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચો : પાલનપુર: દિયોદરના લુન્દ્રામાં યુવક પર ફાયરિંગ કરી હુમલો, ગોળી વાગતાં ધારપુર ખસેડાયો